વર્ષ 2017-2018માં 15 લાખ ડોલરથી વધુનું ટેક્સ રિટર્ન સમયસર દાખલ કર્યો ન હોવાનો આરોપ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના પુત્ર હંટર બાઇડનને ટેક્સ ચોરી મામલામાં જેલમાં જવું પડી શકે છે. હંટર પર ટેક્સ ચોરી અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો આરોપ છે. ડેલાવેયર કોર્ટ સમક્ષ કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઇડનના પુત્ર હંટર એ ટેક્સ ચોરી અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાની વાતનો સ્વીકાર કરી લીધો છે. હંટર પર આરોપ છે કે તેણે જાણીજોઇને ટેક્સ ચૂકવ્યો ન હતો. 2017 અને 2018માં 15 લાખ ડોલરથી વધુનું ટેક્સ રિટર્ન સમયસર દાખલ કર્યું નહોતું. આ બે વર્ષમાં તેની કમાણી પર એક લાખ ડોલરથી વધુની રકમ બાકી છે.
આ મામલે હંટર બાઇડનને ગમે ત્યારે જેલ થઇ શકે છે. ટેક્સ ચોરીના કેસમાં તેને 12 થી 18 મહિનાની સજા થઈ શકે છે. હંટર બાઇડન ટેક્સના આરોપો માટે દોષિત જાહેર કરવા માટે કોર્ટમાં ક્યારે હાજર થશે તે હજી સ્પષ્ટ નથી. હંટર બાઇડન લોબિસ્ટ વકીલો અને વિદેશી કંપનીઓ માટે કન્સલ્ટિંગ વર્ક કરે છે. તે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અને આર્ટિસ્ટ છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીના તેમના સાથી પક્ષો બાઇડેનના પુત્ર હંટરને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. ટ્રમ્પે ચીન અને યુક્રેનની સરકારોને તેમના દેશોમાં હંટર બાઇડેનની ગતિવિધિઓની તપાસ કરવા કહ્યું છે. નોંધનીય છે કે અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે.