સૌની થકી સૌરાષ્ટ્ર બન્યુ હરિયાળુ

સૌરાષ્ટ્રમાં અંદાજે  6.50 લાખ  એકર વિસ્તારને સિંચાઈ અને 80 લાખ લોકોને  પીવાના પાણીનું સુખ

દેશની પાંચમી સૌથી મોટી અને ગુજરાતની સૌથી મોટી નદી એટલે મા નર્મદા. મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળીને કુલ 1312 કિલોમીટરનું અંતર કાપીને ગુજરાતમાં ખંભાતના અખાતને મળતી નર્મદા નદીનું લાખો ક્યુસેક મીઠું પાણી દરિયામાં ભળી જતું હતું. આ મીઠા પાણીને દરિયામાં ભળતું અટકાવીને સૌરાષ્ટ્રની ફળદ્રુપ ધરામાં સીંચીને તેને નવપલ્લ્વિત કરવાનું સ્વપ્ન વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવ્યું હતું.

..અને આવી ‘સૌની’ યોજના. ‘સૌની’ એટલે  “સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના” વર્ષ 2014માં આ યોજનાના કામોનો પ્રારંભ થયો. ‘સૌની’ યોજના અંતર્ગત નર્મદાના પૂરના વધારાના પાણી પૈકી એક મિલિયન એકર ફીટ (43500 મિલિયન ઘનફુટ) પાણીને સૌરાષ્ટ્રમાં પહોંચાડવાનું દૂરંદેશી આયોજન ઘડાયું હતું.

આ યોજના મુજબ, પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોંચાડવા ચાર પાઈપલાઈન લિન્ક દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 115 જળાશયો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય શરૂ થયું હતુ.(1) લિન્ક-1 – મોરબી જિલ્લાના મચ્છુ-ર બંધથી જામનગર જિલ્લાના સાની બંધ સુધી (208 કિલોમીટર). ,2. લિન્ક-ર – સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-ભોગાવો-ર બંધથી અમરેલી જિલ્લાના રાઇડી બંધ સુધી (299 કિ.મી.),3. લિન્ક-3 – સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા બંધથી રાજકોટ જિલ્લાના વેણુ-1 બંધ સુધી (299 કિ.મી.),4. લિન્ક-4 – સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-ર બંધથી જુનાગઢ જિલ્લાના હિરણ-ર બંધ સુધી (565 કિ.મી.)

આમ ચાર લિન્ક થકી 970થી વધુ ગામની 8,24,872 એકર જમીનને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થાય તે માટેની નક્કર અને મહત્વાકાંક્ષી કામગીરી શરૂ થઈ હતી.   વર્ષ 2016માં આ યોજનાના પ્રથમ તબક્કાનું વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વરદહસ્તે લોકાર્પણ થયું અને રાજકોટના આજી સહિત સૌરાષ્ટ્રના 10 ડેમમાં મા નર્મદાના જળનું અવતરણ થયું. ‘સૌની’ યોજના હેઠળ ચારેય લિન્ક પાઈપલાઈનના 12 પેકેજો માટે અન્ડર ગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવાની કામગીરી પ્રગતિમાં છે. યોજના અંતર્ગત છેલ્લા 7 વર્ષમાં 1203 કિમી પાઈપલાઈન નાંખવામાં આવી છે. જેના થકી ‘સૌની’ યોજનામાં સમાવિષ્ટ 115 જળાશયોમાંથી હાલ સુધીમાં 95 જળાશયો જોડાઈ ગયા છે, 15 જળાશયોને જોડવાની કામગીરી હાલ પ્રગતિમાં છે અને પાંચ જળાશયોને આવનારા તબક્કામાં જોડવામાં આવશે.

‘સૌની’ યોજના અંતર્ગત ચાર લિન્ક પાઇપલાઇન દ્વારા વર્ષ-2016થી જૂન-2023 સુધીમાં કુલ 71,206 મિલિયન ઘનફૂટ પાણી 146 ગામના તળાવો અને 927 ચેકડેમોમાં ઠાલવવામાં આવ્યું છે. છેલ્લા 7 વર્ષમાં પાઈપલાઈન અને 26 પમ્પિંગ સ્ટેશન થકી 95 જળાશયો જોડાયા છે. અન્ય 2 (બે) (ગોમા અને સુખભાદર) જળાશયોને ગોમા-સુખભાદર લિફ્ટ સિંચાઈ યોજના દ્વારા ભરવામાં આવ્યા છે. જેનાથી લગભગ 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધામાં સુધારો થયો છે અને લગભગ 80 લાખની વસ્તીને પીવાના પાણીનો સીધો ફાયદો થયો છે.

દાયકાઓ અગાઉ સૌરાષ્ટ્રની ફળદ્રુપ ખેતી મોટેભાગે વરસાદ આધારિત હતી અને ઘણીવાર પાણીની તંગી કે દૂકાળ વેઠવાનો વારો આવતો. પરંતુ દૂરંદેશી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન થકી સૌરાષ્ટ્ર પ્રાંત જળસમૃદ્ધ બન્યો છે. જીવાદોરી સમાન સૌની યોજના થકી સૌરાષ્ટ્ર પ્રદેશ આજે હરિયાળો અને નંદનવન સમાન બન્યો છે.  હવે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વરદહસ્તે ‘સૌની’ યોજનાના લિન્ક-3ના પેકેજ-8 અને પેકેજ-9નું લોકાર્પણ 27મી જુલાઈએ થવા જઈ રહ્યું છે ત્યારે, સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને સિંચાઈ માટે પાણી મળશે તેમજ રાજકોટ જિલ્લાના 95 ગામના 98 હજારથી વધુ લોકોને પીવાના પાણીનો લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.