બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડેમાં હરમનપ્રિત આઉટ થતા સ્ટમ્પ તોડી નાખ્યું હતું: મેચ ફીનો 50 ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પર 2 મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હરમનપ્રીત પર બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડેમાં તેના ખરાબ વર્તન અને અમ્પાયરના નિર્ણય સાથે અસહમત હોવાના કારણે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ બે અલગ-અલગ કેસમાં હરમનપ્રીત કૌરને સજા ફટકારી છે.
હરમન એશિયન ગેમ્સની શરૂઆતની બે મેચ ગુમાવશે. હરમનપ્રીતને આઈસીસી કોડ ઓફ કન્ડક્ટના લેવલ 2નું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી, જેના માટે તેને તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સાથે સજા તરીકે 3 ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યા છે.
પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન મેચમાં અમ્પાયરિંગની ખુલ્લેઆમ ટીકા કરવા બદલ હરમનપ્રીત કૌરને ‘આંતરરાષ્ટ્રીય મેચમાં બનેલી ઘટનાના સંબંધમાં જાહેર ટીકા’ સંબંધિત લેવલ 1 ભંગ બદલ તેની મેચ ફીના 25 ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ સામેની ભારતની ત્રીજી અને અંતિમ વન-ડે દરમિયાન ભારતીય કેપ્ટન હરમનપ્રીતે બેટ સ્ટમ્પ પર માર્યું હતું. હરમન અમ્પાયરના નિર્ણયથી નારાજ હતી.