રસ્તાના અધુરાકામથી ખાડામાં વરસાદનું પાણી ભરાતા પ્રજા ત્રાહીમામ સફાઈ-સ્ટ્રીટલાઈટની સુવિધામાં પણ ધાંધીયા
ઠાગાઠૈયા કરૂ છું… ચાચુડી ઘડાવું છું…. ચોટીલા નગરપાલીકા તંત્ર પાંચ મહિનાથી રસ્તાના કામ પૂરા કરવામાં ઠાગાઠૈયા કરી રહ્યું હોવાથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. રસ્તાના અધુરાકામથી ખાડામાં વરસાદનું પાણી અને કીચડથી લોકો અને વાહન ચાલકોની હાડમારી વધતા તંત્ર સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
ચોટીલા શહેરમાં છેલ્લા પાંચ માસથી પણ વધુ સમયથી ચોટીલા પેટ્રોલ પંપથી લઈને ચોટીલા બાઉન્ડ્રી સુધી રોડ રસ્તા બની રહ્યા છે. ઘણા લાંબા સમયથી આ કામગીરી ચાલી રહી હોવા છતાં પણ પૂર્ણાહુતિ ના આરે આવી નથી. આ બાબત ને લઈને ચોટીલા નગરજનોમાં રોસ જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના 24 સભ્યોમાંથી 22 સભ્યો ભાજપના બહુમતીથી ચૂંટાયા હોવા છતાં વિકાસના કાર્યો ખૂબ જ મંદ ગતિએ થઈ રહેલા જોવા મળે છે. એક તરફ અધૂરા રોડ રસ્તા અને બીજી તરફ ચોમાસાના કારણે વિવિધ સ્થળે પાણી ભરાવાની સમસ્યા તેમ જ ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ જ થઈ રહી હોવાથી ચોટીલા નગરજનોમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ચોટીલા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ કચરાના ઢગલાઓ પણ જોવા મળે છે. કચરાના ઢગલા ના કારણે રોગચાળામાં પણ વધારો થયેલો જણાય છે.
આ ઉપરાંત વીજળીના પ્રશ્નો પણ વારંવાર ઉપસ્થિત થયેલા જણાય છે. ચોટીલા શહેરની સ્ટ્રીટ લાઈટોમાં 50% ઉપરની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે. તેમજ પીવા લાયક પાણીનો પ્રશ્ન પણ ખૂબ જ ગંભીર જણાય છે, શેરીજનોને પાંચ પાંચ દિવસે પાણી મળે છે આવી લોકોમાં ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. ચોટીલા તાલુકા પંચાયતની તદ્દન સામે પણ કચરાના ઢગલાની અને ગંદા પાણીની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે શું તાલુકા પંચાયતના અધિકારીઓ ની નજર આ તરફ નથી પડી રહી એવી પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે. ઉપરોક્ત બધી સમસ્યાઓનું ખૂબ જ ત્વરિત અને હકારાત્મક નિવારણ આવે તેવી ચોટીલા શહેરીજનોની માંગ છે.