પિતાએ ટ્રસ્ટને આપેલા મકાનને પુત્રવધૂએ પચાવી લેતા લેન્ડ ગ્રેબિંગનો નોંધાતો ગુનો

જેતપુરમાં ધોરાજી ગેટ પાસે નવાગઢ નગરમાં આવેલા સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટના મકાન પર મહિલાએ કબ્જો કરી લીધાની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. સસુરને મકાન આપ્યા બાદ ટ્રસ્ટને પરત સોંપી દીધા છતાં પણ પુત્રવધૂએ મકાન પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદે રહેતી મહિલા પર ટ્રસ્ટી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બળવંતભાઈ જીણાભાઈ ધામી રહે.બોસમીયા કોલેજ સામે શ્રીપજી ગાઠીયાની પાછળ,જેતપુર વાળાએ પોતાની ફરિયાદમાં આરોપોમાં હીનાબેન ઘનશ્યામભાઈ શેખનું નામ આપ્યું હતું જેમાં ફરીયાદમાં જણાવ્યું હતું કે, હું ઉપર સ્થળે મારા પરીવાર સાથે રહું છું. અને જેતપુર સ્ટેન્ડ ચોક નજીક વિશાલ મેગા મોલ નામે જનરલ સ્ટોરનો મોલ આવેલ હોય ત્યાં બેસી વેપાર ધંધો કરૂ છુ. જેતપુર શહેરમાં જેતપુર નવાગઢનગર પાલીકાની હદમાં વોરાવાડ વિસ્તારમાં ધોરાજી ગેટ પાસે શ્રી સ્વામીનારાયણ મંદિર ની માલીકીની જેતપુર શહેર વિસ્તારમાં આ મંદીરની પાસે જેતપુર સીટી સર્વે સીટ ન.46 સીટી સર્વે ન.4190 જમીન અને તેના ઉપર મકાન આવેલ છે. આ મિલ્કત જેતપુર નવાગઢ નગરપાલીકામાં વોર્ડ નં.7 મિલ્કત નં.336/4 થી શ્રી સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટના નામે આવેલ છે.

આ શ્રી સ્વામીનારાયણ મંદિરની માલીકીની મીલ્કતમાં મકાન આવેલ છે. આ મકાન જે તે વખતે આ સ્વામીનારાયણ મંદીરમાં નિત્ય સેવા પુજાનું કામ કરતા પરશોતમભાઇ ઘેલાભાઇ શેખ (રહે, જેતપુર) વાળાને રહેવા માટે કોઇ સગવડ ના હોય જેથી મંદીર તરફથી આ પરસોતમભાઇ શેખને રહેવા માટે આપેલ હતી. અને ત્યારબાદ આ મકાનની આ પરસોતમભાઇ શેખને કોઇ જરૂરીયાત ન હોય જેથી તેઓએ સ્વખુશીથી પોતાની સ્વેચ્છાએ આ મકાન સને-2015 ના વર્ષમાં સ્વામીનારાયણ મંદીરને પરત આપી દિધેલ હોય ત્યારથી આ મકાન સ્વામીનારાયણ મંદીર તરફથી કબ્જો સંભાળી લીધેલ હતો અને આ મિલ્કતનો કબ્જો મંદીરને સોંપ્યા બાબતે આ પરસોતમભાઇ શેખએ ગઇ તા.06/04/2015 માં શ્રી સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટ જેતપુર ટ્રસ્ટી નિલકંઠ ચરણદાસજી સ્વામીજીને આ મિલ્કત ખાલી કરીને કબ્જો સોંપી આપેલ તે અંગેનો નોટરી કરાર કરી કબ્જો સોપેલ અને આ મકાન ખાલી કરી પરષોતમભાઇ ઘેલાભાઇ શેખ જતા રહેલ હતા.

ત્યારથી આ મકાન ખાલી પડેલ હોય એટલે આ મંદીરના ટ્રસ્ટની જાણ બહાર આ પરષોતમભાઇ શેખના પુત્રવધુ હિનાબેન ઘનશ્યામભાઇ શેખ નાઓએ આ ખાલી પડેલ સ્વામીનારાયણ મંદિરના મકાનમાં ગેરકાયદેસર કબ્જો કરીને રહેવા લાગેલ હતા અને આ બાબતની અમો આ મંદીરના ટ્રસ્ટીઓને જાણ થતા અમો ટ્રસ્ટી તરીકે મકાન ખાલી કરવા આ હીનાબેનને વારંવાર કહેલ પરંતુ આ હીનાબેનએ આ મકાન ખાલી કરેલ નહીં અને મકાન ઉપર ગેરકાયદેસરનો કબ્જો કરેલ હોય જેથી જગ્યા ખાલી નહિ કરતા તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.