અબતક જામનગર – સાગર સંઘાની
જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ મેઘરાજાએ સમગ્ર જિલ્લાની ધરાને વરસાદી ધારાથી તૃપ્ત કરી દીધી છે.
તેમાં લાલપુર તાલુકામાં મોસમનો સારો વરસાદ થતાં ખડ ખંભાળિયા ગામ પાસે આવેલો ધોધ જીવંત બન્યો છે. જે ધોધમાં વિપુલ પ્રમાણમાં જળરાશીની આવક થઈ છે, જેના કારણે આ ધોધ પર નયનરમ્ય દ્રષ્યો સર્જાયા છે.
જામનગરથી ૩૫ કી.મી. દૂર આવેલા ખડ ખંભાળિયા ગામ પાસેની નાગમતિ નદીની નજીક આ ધોધ આવેલો છે.
આ ધોધનું પાણી રણજીત સાગર ડેમમાં જાય છે. અત્યારે આ ધોધ જોવા અને નહાવાની મજા માણવા જામનગર અને આજુબાજુના લોકો શની-રવિની રજાઓમાં અહીં ઉમટી પડે છે.
પ્રાકૃતિક સૌન્દર્ય ચોમાસાની સિઝન બાદ સોળે કળાએ ખીલી ઉઠી છે. ચોમાસા દરમિયાન ખડ ખંભાળિયા નો ધોધ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.