33 હાથી જેટલુ વજન ધરાવતી એન્ટાર્કટિક બ્લુ વ્હેલની લંબાઇ 98 ફૂટની: બરફ-પાણી કે જમીન ઉપર વસવાટ કરતાં મહાકાય પ્રાણીઓમાં ઊંચા-નીચા કે જાડા પ્રાણીઓનો સમાવેશ: પાણીનો ઉછાળો ગુરૂત્વાકર્ષણની અસરોથી રાહત આપતું હોવાથી શરીર વધવાની શક્યતાઓ વધી જાય
પૃથ્વી પરનું સૌથી મોટું પક્ષી શાહમૃગ છે, જેનું વજન 156 કિલો હોય: આપણે હાથી-જીરાફ-એનાકોન્ડા જેવા પ્રાણીઓ જ જોતા હોય છે: આ ગ્રહ ઉપર આદીકાળથી એવા ઘણા પ્રાણીઓ-પક્ષીઓ છે, જેનું વજન અચરજ પમાડે છે
દુનિયાના ટોપ-10 મહાકાય પ્રાણીઓમાં બ્લુ વ્હેલ, શાહમૃગ, જીરાફ, ખારા પાણીનો મગર, આફ્રિકન હાથી, બ્રાઉન રીંછ, ગોલીયાથ બીટલ, ચાઇનીઝ સલાર્મડરનો સમાવેશ થાય છે: વિશ્વનો સૌથી મોટો સરીસૃપ ખારા પાણીનો મગર છે
પૃથ્વી પર ચિત્ર-વિચિત્ર જીવજંતુ પ્રાણીઓ રહે છે જે પૈકી અમુકને તો આપણે જોયા પણ નથી. દુનિયા વિશાળ જંગલોમાં વિવિધ પશુ-પક્ષીઓ તેમના પર્યાવરણમાં રહે છે ત્યારે આપણને પ્રશ્ર્ન થાય કે દુનિયામાં સૌથી મોટા પ્રાણીઓ કોણ હશે, કેવા હશે, આપણે હાથી-જીરાફ-એનાકોન્ડા જેવા ગણ્યા ગાઠ્યા પ્રાણીઓ જોયા હોય છે. એક વાત નવાઇ પમાડે તેવી છે કે જમીન કરતા સમુદ્રમાં વિશાળકાય જળચરો આદીકાળથી રહે છે. ડાયનોસોર વિશે આપણે જાણવા લાગ્યા પણ આજે પણ આ ગ્રહ ઉપર એવા ઘણા પ્રાણી-પક્ષી રહે છે જેનું વજન ઉંચાઇ અચરજ પમાડે તેવી છે. જીવજંતુઓ, પશુ-પંખી, જનાવર, જમીન, પાણી કે બરફના વિસ્તારોમાં જંગલોમાં રહેતા હોય છે. આ લેખમાં આજે સૌથી મોટા મહાકાય પ્રાણીઓની રોચક માહિતીની વાત કરવી છે.
પાણીનો ઉછાળો ગુરૂત્વાકર્ષણની અસરોથી રાહત આપતું હોવાથી શરીર વધવાની શક્યતાઓ વધી જાય છે. એન્ટાર્કટિક બ્લુ વ્હેલનું વજન 33 હાથી બરાબર હોય છે અને તેની લંબાઇ 98 ફૂટ જેવડી હોય છે. આવા તો કેટલાય પ્રાણીઓ આ ગ્રહમાં છે તેના વિશે આપણે જાણીએ નવાઇ લાગે છે. પૃથ્વી પરનું સૌથી મોટું પક્ષી શાહમૃગ છે જેનું વજન 156 કિલો હોય છે!!
દુનિયાના ટોપ-10 મહાકાય પ્રાણીઓ
- બ્લુ વ્હેલ : પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી વાદળી વ્હેલ છે. તે ડાયનાસોર કરતાં પણ મોટી હોય છે. પૃથ્વી પરનાં સૌથી મોટા જીવંત પ્રાણી કરતા પણ મોટી હોય છે. 105 ફૂટ લાંબી અને 33 હાથી જેટલું વજન ધરાવતી આ વ્હેલનું હૃદ્ય એક કાર જેવડું હોય છે.
- શાહમૃગ : આપણાં ગ્રહનું સૌથી મોટું પક્ષી શાહમૃગ છે. ઉડવા માટે ખૂબ મોટું અને ભારે આ પક્ષી કલાકના 70 કિ.મી.ની સ્પીડે દોડે છે. નર 9 ફૂટ સાથે 156 કિલો વજન ધરાવે છે તો માદા 6 થી 7 ફૂટ ઊંચાઇ ધરાવે છે.
- ખારાપાણીનો મગર : વિશ્વનો સૌથી મોટો સરીસૃપ ખારા પાણીનો મગર છે, જે 20 ફૂટની લંબાઇ સાથે 1075 કિલો વજન ધરાવે છે. તેનું વજન રીંછ કરતા અઢી ગણું ગણી શકાય છે. નર કરતા માદા નાની હોય છે, જે 9 ફૂટ અંદરની લાંબી હોય છે. આ મગર ભારત, એશિયા અને ઓસ્ટ્રેલિયાના દરીયામાં જોવા મળે છે.
- જીરાફ : પૃથ્વી પરનું સૌથી ઊંચું જીવંત પ્રાણી જીરાફ છે. તેની ડોક 6 ફૂટની હોય છે. આફ્રિકાના જંગલોમાં, ઘાસના મેદાનોમાં તે જોવા મળે છે. તે મોટા ભાગે જમીન પરની વનસ્પતિ અને વૃક્ષોમાંથી ખોરાક મેળવે છે. તેની લાંબી જીભની મદદથી કુણા પાંદડા ખેંચી લે છે. માદા 15 મહિના પછી બાળકને જન્મ આપે છે જે જન્મતાવેંત 10 ફૂટ ઉપરથી નીચે પડે છે ત્યારે તે બે મીટર ઊંચા હોય છે. તે સારૂ દોડી શકે છે અને પગની તાકાત મજબૂત હોવાથી તેની સામે સિંહ પણ હિંમત નથી કરતા. 6 ફૂટ લાંબી ગરદનો એકબીજા ભટકાડીને તેઓ જગડો કરતાં હોય છે.
- આફ્રિકન હાથી : જમીન પર રહેનારૂં પૃથ્વીનું સૌથી મહકાય પ્રાણી આ હાથી છે. જેનું વજન 6350 કિલો હોય છે. થડથી પૂંછડી સુધી 35 ફૂટ સુધી વધે છે અને તેના ખંભાની ઊંચાઇ 13 ફૂટ સુધી વધે છે. તેની બે પ્રજાતિઓમાં સવાના હાથી અને વનહાથી છે. આ હાથી હાલ લુપ્ત થતી જોખમી પ્રજાતિઓની આઇસીયુએન રેડલિસ્ટમાં છે. આ પ્રાણી પણ સિંહ સાથે જગડે ત્યારે ખુંખાર થઇ જાય છે. જો કે મોટે ભાગે સિંહ તેની જપટે ઓછા ચડે છે.
- બ્રાઉન રીંછ : 900 કિલો જેટલું વજન ધરાવતા બ્રાઉન રીંછ અને ધ્રુવી રીંછ વચ્ચે સૌથી મોટા જીવંત માંસાહારીનું સ્થાન વહેચાયેલ છે. તે પાછલા પગ પર ઉભા રહી શકે છે. ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયાના જંગલો, પહાડોમાં આ રીંછ જોવા વધુ મળે છે. તેમનો સમુદ્ર અને બરફ વચ્ચે જ સમય જાય છે. જેમાં મુખ્યત્વે સીલનો શિકાર કરે છે.
- ચાઇનીઝ સલામંડર : દુનિયાનું સૌથી મોટું ઉભયજીવી જીવ છે. જેનું વજન 30 કિલો જેટલું હોય છે. તેનો સ્વભાવ શાંત હોવા ઉપરાંત તે ભયંકર અને જંગલીમાં દુર્લભ છે. તેમની દ્રષ્ટિ નબળી હોવાથી તે પાણીના સ્પંદનો અનુભવે છે, તેની આખી જીંદગી પાણી નીચે જ વિતાવે છે. માદા 500 ઇંડા મુકે છે. જેનું જતન નર કરે છે.
- ગોલિયાથ બીટલ : આફ્રિકાના જંગલોમાં અંડરગ્રોથમાં છૂપાયેલા ગોલિયાથ બિટલ્સ વિશ્વના સૌથી ભારે જંતુ તરીકેનું સ્થાન ધરાવે છે. જેનું વજન 100 ગ્રામ અને લંબાઇ 5 ઇંચ હોય છે. ભૂરા, કાળા, સફેદ રંગના હોય છે.
પ્રાણીઓના ઘણા આકારો અને સ્વરૂપો ધારણ કરે છે અને તે નરી આંખે ન જોઇ શકે તેવાથી લઇને 30 મીટર લાંબી વ્હેલ સુધીના વિશાળ કદના પ્રાણીઓ હોય છે.
જેટ કરતાં પણ વધુ મોટેથી અવાજ કરતું ગ્રહ પરનું સૌથી મોટું પ્રાણી બ્લુ વ્હેલ!!
એન્ટાર્કટિક બ્લુ વ્હેલનો અવાજ 188 ડેસિબલ સુધીનો હોય છે. જ્યારે જેટનો અવાજ 140 ડેસિબલ હોય છે. તેનું વજન ચાર લાખ પાઉન્ડ એટલે કે 33 હાથી જેટલું હોય છે અને તેનું હૃદ્ય એક નાની કાર જેવડું હોય છે. તેની વ્હિસલનો અવાજ સેંકડો માઇલ સુધી સંભળાય છે. 98 ફૂટ લાંબી આ જળચર વ્હેલ માછલી અત્યારે લુપ્ત પ્રજાતિના રેડલિસ્ટમાં છે. તાજેતરમાં છેલ્લા બે વર્ષમાં જન જાગૃત્તિ લાવીને તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અદ્ભૂત અજાયબી જેવું આ પ્રાણી ખરા અર્થમાં જાયન્ટ્સ છે. હાલ વૈજ્ઞાનિકોની ટીમ દક્ષિણ જ્યોર્જિયાના પેટા એન્ટાર્કટિક ટાપુ પર તેના સંવર્ધન માટે સક્રિય કામગીરી કરી રહી છે. 1972 સુધી તેનો શિકાર ચાલુ રહ્યો હોવાથી 1926માં તેની સંખ્યા સવા લાખથી ઘટીને 2018માં માત્ર 3 હજાર થઇ ગઇ હતી.