વિપક્ષો આકરા પાણીએ : રાજ્યસભામાં પણ હોબળો મચતા 2:30 વાગ્યા સુધી સ્થગિત : મણિપુરના સીએમને બરખાસ્ત કરવાની માંગ

મણિપુરમાં હિંસા મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ હોબાળો આજે પણ યથાવત્ રાખતાં બંને ગૃહની કાર્યવાહી આગળ વધી શકી ન હતી. ભારે સૂત્રોચ્ચાર વચ્ચે કામગીરી આગળ ન વધી શકતાં રાજ્યસભા 2.30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી જ્યારે લોકસભાને સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પીએમ મોદીએ મણિપુરને લઈને ગૃહની બહાર નિવેદન આપ્યું, જ્યારે તેમણે પહેલા ગૃહની અંદર નિવેદન આપવાનું હતું અને પછી બહાર આપી શક્યા હોત, પરંતુ તેઓ પહેલા જ બહાર નિવેદન આપી ચૂક્યા છે. જ્યારે ગૃહની કાર્યવાહી ચાલુ હોય, ત્યારે તમામ નેતાઓએ પહેલા તેમના સભ્યોને નિવેદનો આપવા જોઈએ અને પછી તેમને આપવા જોઈએ કારણ કે તે આપણી ફરજ છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે મણિપુરના સીએમને બરખાસ્ત કરવા જોઈએ.

મણિપુર મુદ્દે ભારે હોબાળાને કારણે લોકસભા બાદ રાજ્યસભાની કાર્યવાહી પણ સ્થગિત કરવામાં આવી હતી. ઉપલા ગૃહની કાર્યવાહી બપોરે 2.30 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

લોકસભામાં ભારે હોબાળો થયો હતો જેથી પહેલા 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી જો કે 12 વાગ્યા બાદ કાર્યવાહી શરુ થતા જ ફરીથી હોબાળો થતા લોકસભાને 24 તારીખ એટલે કે સોમવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ સાથે જ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે નારા લગાવવાથી સમસ્યાનો અંત આવશે નહીં. વિપક્ષી દળો મણિપુર મુદ્દે ચર્ચાની માગ કરી રહ્યા છે ત્યારે સરકાર વતી સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. હોબાળો કરવાથી કોઈ પરિણામ આવવાનું નથી. તેમણે આડકતરી રીતે કેટલાક પક્ષોને ટારગેટ કરતાં કહ્યું હતું કે કેટલાક પક્ષો એવા છે જેઓ ગૃહની કાર્યવાહી આગળ વધવા દેવા માગતા નથી. આ દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ કહ્યું હતું કે ગૃહમાં નારેબાજી કરવાથી કોઈ ઉકેલ આવવાનો નથી.

રાજનાથ સિંહે કહ્યું હતું કે મણિપુરમાં જે કંઈ ઘટના બની રહી છે તે અત્યંત ગંભીર મામલો છે. સરકાર તેને લઈને ગંભીર છીએ. અમે ચર્ચા કરવા તૈયાર છીએ. વિપક્ષે સમજવું જોઈએ. વડાપ્રધાન પોતે કહી ચૂક્યા છે કે આવી ઘટનાએ સમગ્ર દેશને ક્ષોભજનક સ્થિતિમાં મૂક્યું છે.

સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે મણિપુર હિંસા પર વિપક્ષના હોબાળાને કારણે કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. રાજ્યમાં હિંસા અને મહિલાઓની નગ્ન પરેડના મુદ્દે નારાજ વિપક્ષે સંસદના બંને ગૃહોમાં હંગામો મચાવ્યો હતો. રાજ્યસભાની કાર્યવાહી બે વાર સ્થગિત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.