ખાનગી સંચાલકોની રજૂઆતને ધ્યાને લઈ પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવે આપી પ્રવેશ પ્રતિબંધમાં આંશિક રાહત
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરે 16 જુલાઈના રોજ જાહેરનામું બહાર પાડી પુનિતનગર ટાંકાથી માધાપર ચોકડી સુધી માત્ર લકઝરી બસોની અવરજવર માટે સવારે 8થી રાત્રીના 9 વાગ્યા સુધી પ્રતિબંધ મૂકી દેતા જાહેરનામાને લઈને ટ્રાવેલ્સ સંચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જેને લઈને ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા રાજકોટના સાંસદ ઉપરાંત ધારાસભ્યને રૂબરૂ મળી રજૂઆતો કર્યા બાદ આજે પોલીસ કમિશનરને તે જાહેરનામાં માં લક્ઝરી બસ અને ઇન્ડસ્ટ્રીયલ બસને બપોરે 2 થી 5 સુધી પ્રવેશ માટે અનુમતિ આપી છે.તેમજ સ્કૂલ /કોલેજ બસો ને 24 કલાક છૂટ આપી છે.
પરંતુ ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશનમાં હજુ પણ નારાજગી જોવા મળી છે તેઓએ જણાવ્યું હતું કે બપોરના આ સમયમાં અમારે કોઈપણ ખાનગી ટ્રાવેલ્સ શહેરમાં આવતી નથી જેથી આ રાહ તમારા કોઈ કામની નથી.આ પહેલા પોલીસ કમિશનરના જાહેરનામાનો ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખે કહ્યું હતું કે, રીંગરોડ પર બસોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેનાથી સૌથી વધુ મુસાફરો પરેશાન થવાના છે. સ્થાનિક મુસાફરોને અન્ય શહેરોમાં જવા માટે રિક્ષાભાડાના ખર્ચ પાછળ વધારે રૂપિયા ચૂકવવા પડશે. પાંચ કે સાત વર્ષ પહેલા અમે 150 ફૂટ રીંગ રોડ પર ઓફીસો ચાલુ કરી હતી.
ઊલેખનીય છે કે, પુનિતનગર ટાંકાથી માધાપર ચોકડી સુધી લકઝરી બસો માટે પ્રતિબંધના જાહેરનામા વચ્ચે ખાનગી બસ સંચાલકોને 150 ફુટ રિંગ રોડ પર ઊભા રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેને પોલીસ કમિશ્નર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, આ રોડ પર અન્ય સરકારી વાહનો, ડમ્પર તથા ટ્રકને અવર-જવરની છૂટ યથાવત રાખવામાં આવી છે. આથી, આ બાબત ખાનગી લકઝરી બસોના સંચાલકો માટે અન્યાયરૂપ છે માટે આ જાહેરાનામું પરત ખેંચવા માટે ટ્રાવેલ્સ એસોસિયન દ્વારા પોલીસ કમિશનર સમક્ષ રજુઆત કરવા આવી હતી.ત્યાર બાદ આજે તેમાં રાહત આપવામાં આવી છે.
બપોરના સમયે રાહત આપી તે કોઈ કામની નથી: દશરથભાઈ વાળા (પ્રાઇવેટ બસ એસો.ના પ્રમુખ )
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ખાનગી બસોને શહેરમાં પ્રવેશબંધી અંગેના જાહેરનામું બહાર પાડ્યા બાદ આજે તેમને તે જાહેરનામામાં થોડી રાહ તાપી બપોરના બેથી સાંજના પાંચ વાગ્યા સુધી ખાનગી બસને શહેરમાં પ્રવેશ આપવાની છૂટ આપી છે જે અંગે પ્રાઇવેટ બસ એસોસિએશનના પ્રમુખ દશરથભાઈ વાળાએ જણાવ્યું હતું કે આ છૂટ આપવી તે અમારા કોઈ કામની નથી કારણ કે બપોરના સમયે અમારે કોઈપણ ખાનગી બસ શહેરમાં પ્રવેશ થતી જ નથી વધુ માત્રામાં આવેલી સવારે અને સાંજના સમયે જ બસો 150 ફૂટ રીંગ રોડ પર આવે છે જેથી આ રાહત આપવી અમારા કોઈ કામની નથી જેથી અમારી લડત હજુ પણ ચાલુ રહેશે.