પુરુષોત્તમ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દાન-ધર્મ, પૂજા-પાઠનો મહિમા દર્શાવતા આ પુરુષોત્તમ માસની ગણના અધિક માસ તરીકે થાય છે. અધિક માસ દર ત્રણ વર્ષે આવે છે, પરંતુ તેની પાછળનું કારણ શું છે ? અધિક માસ કયા આધારે નક્કી કરવામાં આવે છે ? આવો જાણીએ…
ભારતીય હિન્દુ પંચાંગ સૂર્ય માસ અને ચંદ્ર માસ ની ગણતરી પ્રમાણે ચાલે છે. અધિક માસ ચંદ્ર વર્ષનો એક વધારાનો ભાગ છે. જે દર 32 મહિના, 16 દિવસ અને આઠ કલાક ના અંતરથી આવે છે. સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષની વચ્ચે અંતર નું સંતુલન જાળવવા અધિક માસની રચના કરવામાં આવી છે. દરેક સૂર્ય વર્ષ 365 દિવસ અને લગભગ 6 કલાક નું હોય છે, જ્યારે ચંદ્ર વર્ષ 354 દિવસ નું હોય છે. બંનેની વચ્ચે લગભગ 11 દિવસ નું અંતર હોય છે. જે દર ત્રણ વર્ષે લગભગ 1 મહિના જેટલું થઈ જાય છે. આ અંતરને ઘટાડવા માટે દર ત્રણ વર્ષે એક ચંદ્ર માસ અસ્તિત્વમાં આવે છે, જેને અધિક માસ કહેવાય છે.
હિન્દુ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ છે. લોકો આ આખો મહિનો જપ – તપ, વ્રત – ઉપવાસ, અને ભગવત ભક્તિ જેવી ધાર્મિક ક્રિયાઓમાં સંલગ્ન રહે છે. એવું માનવામાં આવે છે કે અધિક માસમાં કરેલું પુણ્ય અનેક ગણું ફળ આપે છે. તેમજ અધિક માસ માં શુભ કાર્યો જેવા કે નામકરણ, વિવાહ, ગ્રહ પ્રવેશ વગેરે દરેક પવિત્ર કાર્યો વર્જિત માનવામાં આવે છે.
નવી કીમતી વસ્તુ ની ખરીદી પણ અધિક માસમાં કરવામાં આવતી નથી. માનવામાં આવે છે કે વધારાનો મહિનો હોવાને કારણે આ માસ મલીન હોય છે, તેથી આ માસનું નામ “મળમાસ” પડ્યું છે. ભગવાન વિષ્ણુ અધિક માસના સ્વામી ગણાય છે. પુરુષોત્તમ, ભગવાન વિષ્ણુનું જ એક નામ છે. એટલે જ અધિક માસને પુરુષોત્તમ માસ ના નામથી પણ ઓળખવામાં આવે છે.
પુરાણોમાં અધિક માસ એટલે મળમાસ, કે જે પુરુષોત્તમ માસ કેમ બન્યો, તેની રોચક કથા છે…
કથા પ્રમાણે 12 મહિનાના અલગ અલગ સ્વામી છે, પરંતુ અધિક માસના કોઈ સ્વામી ન હોવાથી તેને મળમાસ કહીને તેની ખૂબ નિંદા થવા લાગી, આ વાતથી દુ:ખી થઈને મળમાસ શ્રી હરી વિષ્ણુની પાસે જઈને તેમનું દુ:ખ કહેવા લાગ્યો, ભક્ત વત્સલ શ્રી હરિ મળમાસને લઈને ગૌલોક પહોંચ્યા, ત્યાં શ્રીકૃષ્ણ બિરાજમાન હતા. શ્રી કૃષ્ણએ મળમાસની વ્યથા જાણીને તેને વરદાન આપતા કહ્યું કે હવેથી હું તારો સ્વામી છું. આજથી મારા બધા ગુણો તારામાં સમાવેશ થઈ જશે, હું પુરુષોત્તમ નામથી વિખ્યાત છું અને હું તને મારું આ નામ આપુ છું, આજથી તુ મળમાસ ના બદલે પુરુષોત્તમ માસના નામથી ઓળખાઈશ.
શાસ્ત્રો મુજબ દર ત્રીજા વર્ષે પુરુષોત્તમ માસ ની ઉજવણી થાય છે. ભગવત કથા વાંચન, તીર્થયાત્રા, નદીઓમાં સ્નાન તેમજ દાન ધર્મ કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે.
આમ, ભગવાનની કૃપાથી અધિક અને મલિન કહેવાતો મહિનો પણ ભગવાનનું નામ ધારણ કરીને પવિત્ર અને પૂજા કરવા યોગ્ય બની ગયો. બધા માસમાં સર્વોત્તમ એટલે કે પુરુષોત્તમ માસ, સર્વે ભક્તજનો ને શ્રદ્ધા અને ભાવભક્તિ દ્વારા પુણ્યની પ્રાપ્તિ કરાવે એવી શુભ ભાવના સાથે જય શ્રી કૃષ્ણ.