100થી વધુ લોકો દટાયા હોવાનો અંદાજ : 4 મૃતદેહો મળી આવ્યા
મહારાષ્ટ્રના રાયગઢમાં આખું ગામ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયું છે. ભૂસ્ખલનની આ ઘટનામાં 100 લોકો દટાયા હોવાની આશંકા છે. એનડીઆરએફની 2 ટીમ બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાટમાળમાંથી 4 મૃતદેહો કાઢવામાં આવ્યા છે અને બચાવ કામગીરી ચાલુ છે.
રાયગઢ પોલીસના જણાવ્યા અનુસાર, કાટમાળમાંથી અત્યાર સુધીમાં 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 3 ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. રાયગઢ જિલ્લાના ખાલાપુર તહસીલના ઈરશાલવાડી ગામમાં ગઈકાલે મોડી રાત્રે ભારે ભૂસ્ખલન થયું હતું. પહાડની માટી આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. ભૂસ્ખલનની માટીમાં 17 મકાનો દટાયા હોવાની આશંકા છે. આ આદિવાસીઓનું ગામ છે. આ દુર્ઘટના મધ્યરાત્રિએ થઈ ત્યારથી બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 25થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ ગામમાં લગભગ 200 થી 250 લોકો હતા. કાટમાળ નીચે 100 લોકો દટાયા હોવાની આશંકા છે. પહાડની માટી સરકવાને કારણે આખું ગામ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયું હતું. કેટલાક લોકો પોતાની મેળે બહાર આવી ગયા હતા. તેથી તે કહેવું મુશ્કેલ છે કે, ઘટના સમયે ત્યાં કેટલા લોકો હાજર હતા.