સીમમાં ઢોર ચરાવવા મુદ્દે માથાકૂટ થતા ખેલાયો ખુની ખેલ : 14ને ઈજા પોહચતાં સારવારમાં ખસેડાયા
ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે રબારી સમાજના બે જૂથ વચ્ચે ઢોર ચરાવવા બાબતે ચાલતા જૂની અદાવતને લઈ ગઈકાલે બપોરે મોટી મારકૂટ થવા પામી હતી. અને આ ઝગડો લોહિયાળ બન્યો હતો જેમાં એક વૃદ્ધનું મૃત્યુ થયુ હતુ. અને 14 જેટલા લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો અને બંને પક્ષોની ફરિયાદ પરથી સામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.વિગતો અનુસાર ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે રહેતા રબારી પરિવારમાં જૂની અદાવત અને સીમ વિસ્તારમાં ઢોર ચરાવવા મામલે થોડા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો હતો આજે એ ઝગડો લોહિયાળ બન્યો હતો. બંન્ને જૂથના લોકો વચ્ચે અથડામણ થઈ હતી.
ગામથી આગળ સીમ વિસ્તારમાં માથાકૂટ સર્જાતા કુહાડી અને લાકડીઓ વડે સામસામે મારામારી થઈ હતી જેમાં સામતભાઈ પુંજાભાઈ કલોતરા ઉંમર વર્ષ 70 જેવો અગાઉ મોટીમાર્ગ ગ્રામ પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે તેમનું આ અથડામણમાં ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ થયું છે.આ ઉપરાંત બંને જૂથના મળીને 14 જેટલા વ્યક્તિને ગંભીર ઈજા થતાં મોટીમારડ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાંથી ગંભીર ઇજા ધરાવતા વ્યક્તિઓને સારવારમાં ખસેડાયા હતા.
ત્યારે બનાવના પગલે પાટણવાવ પોલીસ ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ અને પોલીસ સ્ટાફ તેમજ જેતપુર રેન્જના ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયા અને સ્ટાફ મોટી મારડ ખાતે દોડી ગયા હતા અને સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી હતી.જેમાં પાટણવાવ પોલીસે ભાવેશભાઈ ઉર્ફે ભામા સામંત કરોતરાની ફરિયાદ પરથી ઉકાભાઈ સુદાભાઈ કરોતરા, કમલેશભાઇ ઉકાભાઈ કરોતરા,નારણ ઉર્ફે લાલો થોભણભાઈ કરોતરા,બાવન ઉર્ફે લાલો મુળુભાઈ કરોતરા,દેવાયત ગીગનભાઈ કરોતરા,ભરતભાઇ દેસુરભાઈ કરોતર, કેતનભાઈ ભીખાભાઈ કરોતરા,આલાભાઈ મુળુભાઈ કરોતરા,વિરાભાઇ ગોગનભાઈ કરોતરા,ભીખાભાઈ દેસુરભાઈ કરોતરા(રહે-બધા મોટી મારડ, તા.ધોરાજી, જી.રાજકોટ) વાળાઓ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
જ્યારે પોલીસે સામા પક્ષના દેવાયતભાઈ ગીગનભાઈ કરોતરાની ફરિયાદ પરથી સામતભાઈ પુંજાભાઈ કરોતરા, ભાવેશ ઉર્ફે ભામો સામતભાઈ કરોતરા, કિહાભાઈ પુંજાભાઈ કરોતરા, કિહાભાઈનો દીકરો જગુ કરોતરા, ભુરા કિહા કરોતરા, ભિમાભાઈ પુંજાભાઈ કરોતર,ધાનાભાઈ થોભણભાઈ કરોતરા, ગીગનભાઇ સામતભાઇ કરોતરા, રાજુ વિરાભાઈ કરોતરા અને લાખા વિરાભાઈ કરોતરા (રહે-બધા મોટી મારડ, તા.ધોરાજી, જી.રાજકોટ) સામે મારામારીની કલમ હેઠલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.