સ્ટેટ મોનિટરીંગ સેલે કચ્છ પોલીસને પણ દોડતી કરી
ચોખાની બોરી રાખવા ભાડે રાખેલા મારુતિ વેર હાઉસમાં 11,544 બોટલ વિદેશી દારુ રાખ્યો: ત્રણ ટ્રક સહિત ચાર વાહન અને દારુ મળી રુા. 90 લાખનો મુદામાલ કબ્જે
પૂર્વ કચ્છના ગાંધીધામ ખાતે વિદેશી દારુનું વેચાણ બેરોકટોક થતું હોવાનું અને સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી ન થતી હોવાની છેક સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી. ગતરાતે ગાંધીધામ ખાતે આવેલા મીઠી રોહર ખાતેના શ્રી મારુતિ વેર હાઉસના ગોડાઉનમાંથી રુા.50 લાખની કિંમતની 962 પેટી વિદેશી દારુનો જંગી જથ્થો કબ્જે કરી આઠ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મીઠી રોહર ખાતે આવેલા મારુતિ વેર હાઉસમાં વિદેશી દારુનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાય.એસ.પી. કે.ટી.કામરીયા અને પીએસઆઇ અને એ.વી.પટેલ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. પોલીસના દરોડા દરમિયાન એમ.એચ.46એઆર. 0884 નંબરના ટ્રકમાં વિદેશી દારુ લાવવામાં આવ્યો હોવાનું અને દારુનું કટીંગ કરી જી.જે.12વાય. 9830, જી.જે.12વાય. 5298 નંબરના ટ્રકમાં વિદેશી દારુ હેરાફેરી કરવામાં આવ્યાનું બહાર આવ્યું હતું.
ગાંધીધામના ભારતનગરમાં રહેતા નામચીન બુટલેર અમિત મુકેશ ચૌહાણ નામના શખ્સે શ્રી મારુતિ વેર હાઉસનું ગોડાઉન ચોખાની બોરી રાખવા માટે ભાડે રાખી મેઘપર બોરીચીના ચંદન ગોપાલ ગુપ્તા, તૈયબ ઓસમાણ રાયમા સાથે બાગીદારીમાં વિદેશી દારુનો ધંધો શરુ કરી ચોખાના બદલે ગોડાઉનમાં વિદેશી દારુ રાખી જુદા જુદા સ્થળે મોકલ્યાનું બહાર આવતા ત્રણેય બુટલેગર, ત્રણેય ટ્રક ચાલક તેમજ વરસા મેડીના સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજાની સંડોવણી બહાર આવતા તમામની પોલીસે શોધખોળ હાથધરી છે.
સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સ્થાનિક પોલીસને અંધારામાં રાખી વિદેશી દારુ અંગે પાડેલા દરોડાના પગલે પૂર્વ કચ્છ પોલીસમાં ખળભળાટ મચી ગયો છે.
દોઢ વર્ષમાં એસએમસીના દરોડા પગલે 32 પીઆઇ-પીએસઆઇ સસ્પેન્ડ
રાજયના સ્ટેટ મોનિટરીંગ સેલમાં નિલિપ્ત રાય અને ડીવાય.એસ.પી. કે.ટી.કામરીયાએ ચાર્જ સંભાળ્યા બાદ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી 674 વિદેશી દારુના દરોડા અને 201 જુગાર અંગેના દરોડા પાડતા પોલીસબેડામાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. એસએમસીના દરોડાના પગલે 32 પીઆઇ અને પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના વી.આર.ચૌધરી, પીએસઆઇ આર.પી.દરજી, પી.આઇ. કે.એસ.પટેલ, પી.આઇ. એ.પી.સોલંકી, પી.એસ.આઇ. એચ.સી.પરમાર, પીએસઆઇ આર.આર.અમલિયાર, પી.આઇ. આર.એસ.ઠાકર, પી.એસઆઇ.વી.એ.પરમાર, રાજકોટના પી.આઇ. કે.એમ.ચૌધરી, પીએસઆઇ આર.જે.ગોહિલ, દાહોદના પીઆઇ આર.સી.કાનમિયા, એસઆઇ નવઘણ સહરતાન, મોરબી પીએસઆઇ એ.એ.જાડેજા, પીએસઆઇ એસ.એન.રાણા, પીઆઇ એન.એમ.જોષી, ગાંધીગનગર પીએસઆઇ પીબી રમલાવત, તાપીના પીઆઇ કે.બી.ઝાલા, ખેડાના પીઆઇ વી.પી.ચૌધરી અને મહિસાગરના પીઆઇ એન.ડી સાડુકેને સસ્પેન્ડ કરાયા છે.
ગોંડલના ગુંદાળામાં એસએમસીના દારુના દરોડામાં 12ની જિલ્લા બહાર બદલી
બીલીયાળા દારુ કાંડમાં બે પીઆઇ સહિત ચારની આંતર જિલ્લા બદલી કરાઇ હતી
રાજકોટના નામચીન બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળીનો વિદેશી દારુનો રુા. 54 લાખની કિંમતના જંગી જથ્થો ગોંડલ તાલુકાના બીલીયાળા ગામેથી પકડાતા રાજયના પોલીસ વડા વિકાસ સહાયે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના રીડર પીઆઇ ડી.ડી.પરમારની ડાંગ, રુલર એસઓજી પી.આઇ. કે.બી.જાડેજાને સુરત, હેડ કોન્સ્ટેબલ રહીમ દલને નર્મદા અને એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણને પંચમહાલ જિલ્લામાં બદલી કરાઇ હતી.
તે દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ગોંડલના ગુંદાળા ખાતેના ગોડાઉનમાં દરોડો પાડી રુા.46 લાખની કિંમતની 14,336 બોટલ વિદેશી દારુનો જંગી જથ્થો ઝડપી લેતા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે ગોંડલ તાલુકા પોલીસ મથકના અજીતભાઇ ગંભીર, અમરદીપસિંહ જાડેજા, વિશ્ર્વજીતસિંહ જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા, રાજેશ તાવીયા, રવિ ચાવડા, શક્તિસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, એલસીબીના વાસુદેવસિંહ જાડેજા અમુભાઇ વિરડા, નરેન્દ્રસિંહ રાણા અને જયંતીભાઇ મજેઠીયાની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે.