જુલાઈ સુધીમાં પરિણામ આવ્યા બાદ પાસ થયેલા વિદ્યાર્થીઓ આગળના ધોરણમાં પ્રવેશ મેળવી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.10 અને 12ની પૂરક પરીક્ષા શુક્રવાર સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે. શુક્રવારે ધો.10માં દ્વિતીય ભાષાના પેપર સાથે પરીક્ષા પૂર્ણ થઈ છે. જેથી હવે શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જુલાઈના અંત સુધીમાં પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થઈ જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જુલાઈ સુધીમાં પરિણામ આવ્યા બાદ પાસ થયેલા વિદ્યાર્થીઓ આગળના ધોરણમાં પ્રવેશ મેળવી શકશે.શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધો.10 અને 12ની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ ધો.10 અને ધો.12 સાયન્સમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ હતી.
ધો.12 સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું. પૂરક પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 2.59 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા 10 જુલાઈથી પૂરક પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સૌપ્રથમ ધો.12 સાયન્સની પૂરક પરીક્ષા 12 જુલાઈના રોજ પૂર્ણ થઈ હતી. ત્યારબાદ ધો.12 સામાન્ય પ્રવાહમાં એક જ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવતી હોવાથી 13 જુલાઈના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. ધો.10ની પૂરક પરીક્ષા 10 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન ચાલી હતી.
આમ, શુક્રવારે ધો.10માં પણ દ્વિતીય ભાષા અને વોકેશનલ વિષયોની પરીક્ષા સાથે શિક્ષણ બોર્ડની પૂરક પરીક્ષા પૂર્ણ થઈ છે. શિક્ષણ બોર્ડની પૂરક પરીક્ષા પૂર્ણ થતાં હવે બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી ઝડપથી કરવાનું આયોજન કર્યું છે. આગામી બે સપ્તાહમાં મૂલ્યાંકન સહિતની કામગીરી પૂર્ણ કરી દેવામા આવશે અને પરિણામ તૈયાર કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ માસના અંત સુધીમાં પૂરક પરીક્ષાના તમામ પરિણામ જાહેર કરી દેવાનું આયોજન કરાયું છે. જુલાઈ સુધીમાં પરિણામ આવ્યા બાદ પાસ થયેલા વિદ્યાર્થીઓ આગળના ધોરણમાં પ્રવેશ મેળવી શકશે.