શહેર ભાજપના સંગઠન પ્રભારી પ્રકાશ સોની, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય અને પૂર્વ મહામંત્રી કિશોર રાઠોડ દાવેદારોને સાંભળશે
શહેરના વોર્ડ નં.15ની બે બેઠકો માટે આગામી 6 ઓગસ્ટના રોજ ચુંટણી યોજાવાની છે. આગામી સોમવારે જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ જશે. કોંગ્રેસના અડિખમ ગઢ ગણાતા વોર્ડ નં.15માં ગાબડાં પાડવા ભાજપ દ્વારા વરરાજા વિનાની જાન જોડી જોરશોરથી પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન આવતીકાલે સવારે શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવામાં આવશે. જેમાં ચૂંટણી લડવા માટે દાવેદારી કરનારને સાંભળવામાં આવશે.
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના જણાવ્યાનુસાર વોર્ડ નં.15ની બે બેઠકોની પેટા ચુંટણી માટે ઉમેદવારો પસંદ કરવા માટે આવતીકાલે શહેર ભાજપ કાર્યાલય “કમલમ્” ખાતે સેન્સ લેવામાં આવશે. શહેર ભાજપના પ્રદેશ સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, પ્રદેશ ભાજપ મંત્રી અને પૂર્વ મેયર બિનાબેન આચાર્ય અને શહેર ભાજપના પૂર્વ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ દાવેદારોને સાંભળશે.
સવારે 10 કલાકે વોર્ડના મુખ્ય કાર્યકર્તા, સવારે 11 કલાકે સીંગલ ઉમેદવારો, બપોરે વોર્ડના સામાજિક આગેવાનોએ પોતાના સંપૂર્ણ બાયોડેટા રજૂ કરશે ત્યારબાદ બપોરે 1 વાગ્યે શહેર ભાજપના હોદ્ેદારોની બેઠક યોજાશે.
વોર્ડની મહિલા અનામત બેઠક અનુસુચિત જનજાતિની મહિલા ઉમેદવાર માટે અનામત હોય ભાજપને ઉમેદવાર શોધવામાં થોડી સમસ્યા નડી શકે છે. વોર્ડ નં.1 કે વોર્ડ નં.7માંથી આયાતી ઉમેદવાર લાવવા પડે તેવી સ્થિતિ છે.
જ્યારે પુરૂષ ઉમેદવારમાં હાલ અર્ધા ડઝન નામો ચર્ચામાં છે. જેમાં વરજાંગભાઇ હુંબલ, મહેશભાઇ બથવાર, નાનજીભાઇ પારઘી, શરદ તલસાણીયા અને દેવજીભાઇ ખીમસુરિયાના નામો ચર્ચામાં છે.