રાજકોટ ભાજપની આબરૂનું સતત ઘોવાણ થતું રહે તેવા ખેલ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા છે: નવી ટીમને પણ બદનામીના ઝરૂખામાં રાખવાની મેલી મુરાદ
ભાજપને એક સામાન્ય છોડ માંથી વટવૃક્ષ બનાવવામાં જેનો સિંહ ફાળો છે તેવા રાજકોટ શહેરના સંગઠનને સતત વિવાદમાં રાખવા માટે છેલ્લા ઘણા સમયથી રાજકીય ખેલ શરુ કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. બદનામી માટેની એક નાની તક પણ હિતશત્રુઓ ચૂકતા ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યા છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા મોટા ઉપાડે ચાર મોરચાના પ્રમુખ અને મહામંત્રીના નામો જાહેર કરાયાને એક કલાકમાં પ્રદેશથી રૂકજાવના આદેશ છુટતા નિયુકિત સ્થગિત કરી દેવામાં આવી હતી. આ ઘટના ભલે સામાન્ય લાગતી હોય પરંતુ નવી ટીમને પણ સતત બદનામીની બીક હેઠળ રાખવાની સાજીસ ચાલી રહી છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશીની નિમણુંક જ કાર્યકરો અને આગેવાનોને આશ્ર્ચર્યજનક લાગી રહી છે. તેઓએ જાહેર કરેલી શહેર ભાજપની નવી ટીમ
બાદ થોડા વિવાદ અને નારાજગી જોવા મળી હતી. પરંતુ ભાજપમાં લેવાતા કોઇપણ પ્રકારના નિર્ણયો સામે અવાજ ઉઠાવવાની તાકાત કે હિંમત કોઇ નેતામાં રહી નથી. બધાને શિસ્તનો નિયમ નડી રહ્યો છે.
ગત સપ્તાહે શહેરના 18 વોર્ડના પ્રભારીના નામ ઘોષિત કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે સંગઠનનો બહોળો અનુભવ ધરાવતા નેતા કે આગેવાનોને વોર્ડ પ્રભારી બનાવવામાં આવતા હોય છે. પરંતુ શહેર ભાજપ પ્રમુખે યુવા પેઢીને તક આપવાના હેતુ સાથે કેટલાક નવ લોહિવાને વોર્ડના પ્રભારી બનાવી દીધા. વર્ષોથી વોર્ડમાં કામ કરતા પીઢ આગેવાનોએ હવે મૂંછના દોરા પણ નથી ફુટયા તેવા કાર્યકરોને પૂછી પૂછીને પાણી પીવું પડશે. પ્રભારીની નિમણુંકના કલાકોમાં ભડકો થયો હતો. પૂર્વ ઉપાઘ્યક્ષ પ્રફુલ કાથરોટિયાએ પ્રભારી પદ ઠુકરાવી દીધુ હતું. જેના કારણે નવી નિયુકિત કરવાની ફરજ પડી હતી.
પ્રથમ વાર નવો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ અને મોરચાના હોદેદારોની નિમણુંક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા ખરેખર સારી હતી. પરંતુ 18 વોર્ડના પ્રમુખ અને મહામંત્રીના નામ જાહેર થતાની સાથે જ કેટલાક વોર્ડમાં નારાજગી જોવા મળી હતી. જે નામ પર બહુમતિ હતી તેને કોઇ જ હોદો આપવામા આવ્યો ન હોવાની વાતો પણ વહેતે થઇ હતી. બીજી તરફ મહિલા મોરચા, યુવા મોરચા, લધુમતિ મોરચા અને અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ તથા મહામંત્રીના નામો જાહેર થતાંની સાથે નારાજગીની નદીઓ વહી હતી. પ્રદેશ સુધી ફરીયાદોનો મારો થતા એક કલાકમાં જ તમામ ચારેય મોરચાની વરણી સ્થગીત કરવાના આદેશ છુટયા હતા.
સામાન્ય રીતે મોરચાના હોદેદારોની નિયુકિત કરવા માટે પ્રમુખને ફી હેન્ડ આપવામાં આવતો હોય છે પ્રદેશ હાઇકમાન્ડ વધુ રસ લેતું હોતું નથી. પરંતુ રાજકોટ શહેર ભાજપમાં વોર્ડની ટીમની રચનામાં પ્રદેશની ટકટક રહેતું હોય તેવું લાગી રહ્યું છે. શહેર ભાજપનું ઘર સતત સળગતુ રાખવામાં પ્રદેશ હાઇકમાન્ડને જાણે બહુ ઊંડો રસ પડી રહ્યો હોવાની શંકા પણ સેવાય રહી છે.
વોર્ડ નં.10 માં વોર્ડ પ્રમુખ – મહામંત્રીની નિમણુંક સામે ભયંકર નારાજગી
વોર્ડ નં. 10 ના પ્રમુખ તરીકે રજનીભાઇ ગોલને રીપીટ કરવામાં આવ્યા છે. જયારે મહામંત્રી તરીકે મેહુલ નથવાણી અને રત્નદિપસિંહ જાડેજાની નિયુકિત કરવામાં આવી છે. આ નિમણુંક ચાર વોર્ડના ભાજપના કાર્યકરોમાં ભયંકર નારાજગી વ્યાપી જવા પામી છે. વોર્ડ પ્રમુખ તરીકે સતત ત્રીજી વખત રજની ગોલને રીપીટ કરાયા છે પક્ષના બંધારણ મુજબ રાષ્ટ્રીય પ્રમુખ પણ બે ટર્મથી વધુ રહી શકતા નથી તો વોર્ડ પ્રમુખ કેવી રીતે ત્રીજી વાર રીપીટ કરવામાં આવ્યા તેવા સવાલો કાર્યકરોના મનમાં ધુમરાવે ચડયા છે. મહામંત્રી તરીકે નિયુકત પામેલા મેહુલ નથવાણીએ વિધાનસભાની ગત ચુંટણીમાં આપમાંથી ટિકીટ માંગી હતી. ન મળતા અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઝુકાવ્યું હતુઁ. વોર્ડથી માંડી શહેર સંગઠન સુધી નિમણુંકમાં વિરોધ ચાલી રહ્યો છે.