આજીડેમ પોલીસે બેફામ માર માર્યા બાદ વૃદ્ધનું મોત થયાનો પરિજનોનો આક્ષેપ
શંકાસ્પદ આરોપી ઠાકરશી સોલંકીનું મોત
મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરાયું
રાજકોટના સરધાર ગામે ચોરીના બનાવમાં શંકાસ્પદ આરોપીનું પોલીસ પૂછપરછ બાદ મોત થતાં પોલીસના મારથી વૃદ્ધનું મોત થયાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ સરધાર ગામ ખાતે થયેલી ચોરીની ઘટનામાં ઠાકરશી સોલંકી નામના વૃદ્ધને પૂછપરછ માટે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. જ્યાંથી અંદાજિત 10 દિવસ પૂર્વે જ શંકાસ્પદ આરોપીને છોડી મુકવામાં આવ્યો હતો. જે બાદ અચાનક જ વૃદ્ધનું મોત નીપજતા પોલીસના મારથી વૃદ્ધનું મોત નીપજ્યાનો આક્ષેપ પરીવાર દ્વારા કરવામાં આવ્યો છે. મૃતકના પરિવાર દ્વારા પોલીસ પર બેફામ માર મારવાના આક્ષેપ સાથે ન્યાયની માંગણી કરી છે.
આજીડેમ પોલીસ સ્ટેશન તાબાના સરધાર ગામે અંદાજિત 15 દિવસ પૂર્વે ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જે ઘટનાની તપાસમાં આજીડેમ પોલીસે શંકાસ્પદ આરોપી તરીકે મૃતક ઠાકરશી સોલંકીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જે દરમિયાન મૃતકને પોલીસે હાથ પગ બાંધી બેફામ માર માર્યાનો આક્ષેપ પરીવાર દ્વારા કરવામાં આવ્યો છે. ઉપરાંત સરધાર ગ્રામ પંચાયતના સરપંચના કહેવા પ્રમાણે મૃતકનો ટોર્ચર કરવામાં આવ્યો હોય તેવો પણ આક્ષેપ મૃતકના પરિજનો દ્વારા કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં સરધાર તાલુકા પંચાયત ચેરમેન ચેતન પાણે સરકારી હોસ્પિટલની મુલાકાત લઇ પરીવારજનોના આક્ષેપ મામલે મીડિયાને નિવેદન આપ્યું હતું.
હાલ મૃતકના મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે જણાવ્યું છે કે, મૃતકને અંદાજિત 12 દિવસ પહેલા જ પોલીસ સ્ટેશન ખાતેથી મુક્ત કરી દેવામાં આવ્યો હતો. ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થઇ જશે તેવું પોલીસે જણાવ્યું છે.