માનેલી પુત્રીએ જ છેતરપિંડી આચરી : દંપતિ સહિત 3 લોકોની ધરપકડ
વીડિયો કોલ કરી સોનાના બિસ્કિટનો ઢગલો બતાવી સોનામાં રોકાણ કરવાથી સારો ફાયદો થશે એમ કહી ડીસાના દંપતી સહિત 3 જણાએ વેસુના સીએનજી કીટના વેપારી પાસેથી 99 લાખની રકમ પડાવી હતી.
આ અંગે વેસુના વેપારી ભરત મધુસૂદન ઠક્કરે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપી છે. વેસુ હેપ્પી એકસીલેન્સીયામાં રહેતા ભરતભાઈ ઠક્કર 3 વર્ષ પહેલા કતારગામમાં સીએનજી કીટનો વેપાર કરતા હતા. તેઓની દુકાન સામે પરીએ તેના પિતા સાથે કુર્તીની દુકાન ખોલી હતી. જેથી અવારનવાર પરી ભરતભાઈ પાસે આવતી હતી. ભરતભાઈ તેને દીકરી માનતા હતા.
વર્ષ 2021માં પરીએ ડિસાના સંજય સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન કરી પરી સંજય સાથે મળવા આવી ત્યારે સંજયે ડીસામાં મોટા પાયે સોના-ચાંદીનો વેપાર કરતો હોવાની વાત કરી હતી.ભરતભાઈએ કતારગામથી સીએનજી કીટનો વેપાર વેસુ ખાતે ખસેડી દીધો હતો. પરી અને તેનો પતિ સંજય અને પરીનો ભાઈ વૃષીલ વેપારીની ઓફિસે વેસુ આવ્યા હતા. ત્રણેય જણાએ વેપારીને સોનામાં રોકાણ કરાવી મોટા પ્રમાણમાં નફો આપવાની વાત કરી હતી.
વેપારીને વિશ્વાસમાં લેવા સંજય સોનીએ વીડિયો કોલ કરી સોનાના ઢગલો બતાવ્યો હતો. વેપારીને 5 ટકા રિટર્ન આપવાનું કહી સોનામાં રોકાણ એકદમ સેફ છે. એમ કહ્યું હતું. વેપારીએ જેને દીકરી માની હતી તેના પર આંધળો વિશ્વાસ મુકી વર્ષ-2022માં સોનામાં 99 લાખનું રોકાણ કર્યુ હતું. રોકાણ કર્યા પછી સોનુ આપવાની વાત તો દૂર રોકાણ કરેલા રૂપિયા માટે પણ દંપતીએ વાયદાઓ કરતા હતા. એટલું જ નહિ વેપારીએ જેને દીકરી માની હતી તે અને તેના પતિ બન્ને વેપારીને ધમકી આપી રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. જેથી વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.
સંજય સોનીએ વેસુના વેપારીને સોનામાં રોકાણ કરવા જણાવ્યું હતું. બાદમાં વેસુના વેપારી મોટા વેપારી હોવાનું જાણતા હોવાથી દંપતી સહિત 3 જણા રૂબરૂ આવ્યા હતા અને સોનામાં રોકાણ અને ઉંચા વળતરની લાલચો આપી હતી. બાદ પોલીસે સંજય ભીમજી સોની, પત્ની પરી સંજય સોની (બન્ને રહે,પીંકસીટી સોસા, રાણકપુર રોડ, બનાસકાંઠા) અને પરીના ભાઈ વૃષીલ ચીનુ વોહેર(રહે, અનમોલ એપાર્ટ, સરગમ શોપિંગ સેન્ટર પાસે, પાર્લે પોઇન્ટ) સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે.