શરીરના વજનના પ્રમાણમાં 40 મિલિગ્રામ સુધીનું જ કૃત્રિમ ગળપણનું સેવન સુરક્ષિત: વિશ્ર્વ આરોગ્ય સંગઠન
આર્ટિફિશિયલ સ્વીટનર્સ એટલે કે ખાંડના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતા કૃત્રિમ ગળપણ શરીર માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? તેની ચર્ચા લાંબા સમયથી થતી આવી છે. દરમિયાન ગુરુવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ એક ચેતવણી જારી કરીને કહ્યું છે કે તેનાથી કેન્સરનું જોખમ ઊભું થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે, બિન-ખાંડ સ્વીટનર ’એસ્પાર્ટમ’ કાર્સિનોજેનિક અસર ધરાવે છે, જે મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે. નોંધપાત્ર રીતે એસ્પાર્ટમ એક કાર્બનિક સંયોજન, ખાંડ-મુક્ત ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાય છે.
ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (આઈએઆરસી) સાથે મળીને ડબ્લ્યુએચઓ અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ)ના નિષ્ણાતોએ શરીર પર એસ્પાર્ટમની અસરોનું મૂલ્યાંકન કર્યું, જેના આધારે આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો. જોકે ડબ્લ્યુએચઓ કહે છે કે ઓછી માત્રામાં તેનું સેવન કરવું સલામત હોઈ શકે છે, શરીરના વજનના કિલોગ્રામ દીઠ 40 મિલિગ્રામ જોખમ ઊભું કરતું નથી પરંતુ વધુ પડતું હોવાને કારણે તે શરીરમાં કાર્સિનોજેનિક અસર કરી શકે છે.એસ્પાર્ટમ એક કૃત્રિમ (રાસાયણિક) સ્વીટનર છે જેનો ઉપયોગ ડાયેટ ડ્રિંક, ચ્યુઇંગ ગમ, જિલેટીન, આઈસ્ક્રીમ, ડેરી ઉત્પાદનો જેમ કે દહીં, ટૂથપેસ્ટ અને કફ સિરપ અને ચાવવા યોગ્ય વિટામિન સપ્લીમેન્ટ્સ સહિત વિવિધ ખાદ્ય અને પીણા ઉત્પાદનોમાં થાય છે.
આઈએઆરસી મોનોગ્રાફ પ્રોગ્રામ સ્પેશિયાલિસ્ટ ડો. મેરી શુબાઉર-બેરિગન કહે છે કે, માનવીઓ અને પ્રાણીઓમાં એસ્પાર્ટમ કાર્સિનોજેનિક હોવાના પુરાવા મર્યાદિત છે અને સંપૂર્ણ રીતે સમજવા માટે અમને વધુ અભ્યાસની જરૂર છે, પરંતુ મર્યાદિત પુરાવા ધ્યાનમાં લેવા યોગ્ય છે.ડબ્લ્યુએચઓ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, સમિતિએ પુષ્ટિ કરી છે કે તેનું પ્રમાણ માત્રામાં સેવન કરી શકાય છે. કેન્સર એ વૈશ્વિક સ્તરે વધતા જતા ગંભીર આરોગ્ય જોખમોમાંનું એક હોવાથી આ મૂલ્યાંકન મહત્વપૂર્ણ બની જાય છે. અત્યાર સુધીના અભ્યાસમાં એસ્પાર્ટેમ લીવર કેન્સરનું જોખમ વધારે હોવાનું જાણવા મળ્યું છે. તેના અન્ય સંભવિત જોખમો વિશે જાણવા માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
કૃત્રિમ ખાંડની સંભવિત આડઅસરોને સમજવા માટે કરવામાં આવેલા અન્ય અભ્યાસોમાં પણ જોખમો વિશે ચેતવણી આપવામાં આવી છે. જર્નલ ઓફ ટોક્સિકોલોજી એન્ડ એન્વાયર્નમેન્ટલ હેલ્થમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, તેમાં સુક્રોલોઝ 6-એસીટેટ નામનું રસાયણ છે જે સંભવિત રીતે તમારા ડીએનએને નુકસાન પહોંચાડી શકે છે. આ રસાયણો “જીનોટોક્સિક” હોઈ શકે છે જેનો અર્થ છે કે તેઓ કોશિકાઓમાં આનુવંશિક માહિતીને નુકસાન પહોંચાડે છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે કૃત્રિમ સ્વીટનરનો ઉપયોગ શરીર પર સુગરની આડઅસર ઘટાડવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. કૃત્રિમ સ્વીટનર્સ ખાંડ જેવો મીઠો સ્વાદ આપે છે અને તેમાં લગભગ કોઈ કેલરી હોતી નથી અને તે બ્લડ સુગર વધારવાનું જોખમ ઉભી કરતી નથી. જો કે, સંશોધકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે તેમાં રહેલા ઘણા ઘટકોની હાનિકારક આડઅસર થઈ શકે છે.