વડાપ્રધાને ફ્રાન્સથી અમિત શાહને ફોન કરી સ્થિતિની વિગતો મેળવી : બચાવ કાર્ય ચાલુ
રાજધાની દિલ્હીમાં 4 દિવસથી યમુના નદી ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. શુક્રવારે સવારે યમુના નદીનું જળસ્તર 208.48 મીટરે પહોંચી ગયું છે. આ ભયજનક નિશાન 205 મીટર કરતાં 3.4 મીટર વધુ છે.
દિલ્હીમાં સુપ્રીમ કોર્ટની બહારનો રસ્તે પણ પાણી ભરાઈ ગયાં છે. પૂરનું પાણી યમુના બજાર, લાલ કિલ્લો, રાજઘાટ અને આઈએસબિટી -કાશ્મીરી ગેટ સુધી પહોંચી ગયું છે. અહીં 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું.આ સિવાય મજનુ કા ટીલા, નિગમ બોધ ઘાટ, મઠ માર્કેટ, વજીરાબાદ, ગીતા કોલોની અને શાહદરા વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.
લોકોની મદદ માટે એનડીઆરએફની 16 ટીમો તહેનાત કરવામાં આવી છે. 2,700 રાહત શિબિરો લગાવવામાં આવ્યા છે. ગુરુવારે યમુનાની આસપાસથી 23 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા.
આ દરમિયાન પીએમ મોદીએ દિલ્હીમાં પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે ફ્રાન્સથી અમિત શાહને ફોન કર્યો હતો. શાહે પીએમને કહ્યું, આગામી 24 કલાકમાં યમુનાનું જળસ્તર ઘટી શકે છે.હરિયાણાના હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ યમુના નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે દિલ્હીમાં પૂર જેવી સ્થિતિ છે. ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધીમાં યમુનાનું જળસ્તર 208.66 મીટરે પહોંચી ગયું હતું. આ ખતરાના નિશાન 205 મીટરથી 3 મીટર વધુ છે. હાલ આ સ્તર સ્થિર રહ્યું છે.
યમુના દિલ્હીના વજીરાબાદથી ઓખલા સુધી 22 કિમીના અંતરે છે. તેના કિનારાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 5 થી 6 ફૂટ સુધી પાણી ભરાય છે. નીચાણવાળા વિસ્તારોમાંથી 16,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.