પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને સૂચના, પોતાના વિસ્તારો સરકારી જમીનો ઉપર ખડકાયેલ દબાણો સામે લેન્ડગ્રેબિંગ સુધીની કાર્યવાહી કરવાનો પણ છૂટો દોર : ટૂંક સમયમાં ઝુંબેશ શરૂ થવાના ભણકારા
જિલ્લામાં સરકારી જમીનો ઉપર દબાણનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે.ત્યારે હવે કલેકટર એક્શન મોડમાં આવી રહ્યા છે. જેને પગલે હવે આગામી સમયમાં ખાસ ઝુંબેશ થાય તેવા ભણકારા વાગી રહ્યા છે. તેમજ સરકારી જમીન પચાવી પાડનાર ગમે તે હોય લેન્ડગ્રેબિંગ સુધીની કડક કાર્યવાહી થવાનો અંદેશો મળી રહ્યો છે.
રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેરની આસપાસના ગામડાઓમાં તેમજ દરેક તાલુકા મથકો ઉપર સરકારી જમીન ઉપર બેફામ દબાણો ખડકાઈ રહ્યા છે. અગાઉ તત્કાલીન જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ સમગ્ર જિલ્લામાં સરકારી જમીન ઉપર ખડકાયેલ દબાણ મામલે સર્વેના આદેશ પણ છોડ્યા હતા. આ સર્વે અંદાજે 6 મહિના પહેલા જ પૂર્ણ થઈ ગયો હતો. જેમાં દબાણના ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યા હતા.
હવે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આ મામલે કાર્યવાહી કરવાનો અંદેશો આપ્યો છે. જો કે અગાઉની બેઠકોમાં તેઓએ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને કડક હાથે કામ લેવાની સૂચનાઓ આપી હતી પણ કોઈ તાલુકામાં હાલ સુધી દબાણ સામે સંતોષકારક કામગીરી થઈ ન હોય, કલેકટર હવે કડક હાથે કામ લ્યે તેવું જાણવા મળી રહ્યું છે.
વધુમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા એવો નિર્દેશ આપવામાં આવ્યો છે કે સરકારી જમીન ઉપરના દબાણ હટાવવાની દરેક તાલુકામાં કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત જરૂર પડ્યે લેન્ડગ્રેબિંગ સુધીના પગલાં પણ લેવામાં આવશે.
અગાઉ મહેસુલ વિભાગે ખાસ આદેશો આપ્યા પણ સ્થાનિક કક્ષાએ કોઈ અધિકારીઓએ દાદ ન દીધી!
અગાઉ એકાદ વર્ષ પૂર્વે મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કલેક્ટરોને સરકારી જમીનો ઉપર ખડકાયેલ દબાણો દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા હતા આ પરિપત્રમાં જણાવાયું હતું કે સરકારી જમીનની જાળવણી કરવી તેમજ તેના પર થતું દબાણ અટકાવવામાં કે તોડી પાડવામાં આવે. અનઅધિકૃત દબાણ અને બાંધકામની પ્રવૃત્તિ રોકવા તથા તેના નિયમન માટે મ્યુનિસિપલ કમિશનર તથા કલેક્ટરોના અધ્યક્ષ સ્થાને જે ટાસ્ક ફોર્સ રચવી. તેને કામે લગાડીને સરકારી જમીનને સુરક્ષિત કરવામાં આવે. જો કે સ્થાનિક લેવલે આ પરિપત્રને કોઈ અધિકારીઓએ દાદ દીધી ન હતી.