સર્કિટ હાઉસ ખાતે તમામ 156 ધારાસભ્યોને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કરાવ્યું રાત્રિ ભોજન: કોઈ મોટા ફેરફારના સંકેતો
રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે અને આજે બાકી રહેતી બે બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. છતાં આવતીકાલ ગુરૂવાર સાંજ સુધીમાં ભાજપના 156 પૈકી એકપણ ધારાસભ્ય ગાંધીનગર ન જવા માટે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ગઇકાલે સવારે ભાજપના તમામ 156 ધારાસભ્યોને તાત્કાલીક અસરથી ગાંધીનગર બોલાવી લીધા હતા. દરમિયાન ગઇકાલે આખો દિવસ સતત બેઠકોનો ધમધમાટ ચાલ્યા બાદ રાત્રે સર્કિટ હાઉસ ખાતે તમામ ધારાસભ્યોને પ્રદેશ ભાજપ અધ્યક્ષે રાત્રિ ભોજન કરાવ્યું હતું.
ધારાસભ્યો એવું કહી રહ્યા છે કે રાજ્યસભાની ચુંટણી માટે બે ઉમેદવારોએ ફોર્મ ભરવાના બાકી હોવાના કારણે તેઓના નામાંકન પત્રમાં ધારાસભ્યોની સહિ ફરજીયાત હોય આ કામ માટે પ્રદેશમાંથી સૂચના આવી હતી. જેના કારણે ત્રણ દિવસ સુધી ધારાસભ્યોએ ગાંધીનગરમાં રહેવું તેવી સૂચના આપવામાં આવી હતી. અન્ય કોઇ કારણ નથી. આજે બપોરે બે ઉમેદવારોએ રાજ્યસભાની ચુંટણી માટે ફોર્મ ભરી લેતાં હવે ધારાસભ્યો માટે કોઇ કામ રહ્યું નથી. છતાં પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા આવતીકાલ સાંજ સુધી એકપણ ધારાસભ્યને ગાંધીનગર ન છોડવા તાકીદ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ત્રણ વર્ષની મુદ્ત આગામી 20મી જૂનના રોજ પૂરી થઇ રહી છે. ત્યારે તેઓ હવે પ્રમોશન આપી કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવામાં આવે તેવી અટકળો પણ ચાલી રહી છે. પાટીલે ગઇકાલે ભાજપના તમામ 156 ધારાસભ્યોને ફેરવેલ પાર્ટી આપી દીધી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી મંડળ બાદ રાજ્ય સરકારના મંત્રી મંડળનું પણ વિસ્તરણ કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. બીજું રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચુંટણી પૂર્ણ થયા બાદ બોર્ડ નિગમમાં પણ નિમણુંક થવાની શક્યતા જણાઇ રહી છે.
ભાજપના ધારાસભ્યોને રાજ્યસભાની ચુંટણીના ઉમેદવારી ફોર્મમાં ઉમેદવારના નામની દરખાસ્ત કરવા તથા ટેકો આપવા માટેની કામગીરી માટે ત્રણ દિવસ ગાંધીનગરમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો હોય તેવી વાત ભલે થઇ રહી હોય પરંતુ અંદરખાને કંશુક રંધાઇ રહ્યું હોવાના પણ સંકેતો મળી રહ્યા છે. પક્ષ દ્વારા આગામી દિવસોમાં મોટા નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા પણ દેખાઇ રહી છે.