રાજ્યમાં અંદાજે 5 કરોડ ચોરસ મીટર ગૌચરની જમીન પર દબાણ હોવાનો કોંગ્રેસના નેતા અમિત ચાવડાનો આક્ષેપ
રાજ્યમાં આશરે પાંચ કરોડ ચોરસ મીટર ગૌચરની જમીન પર દબાણ છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 1.75 કરોડ ચોરસ મીટર ગૌચર જમીન પર દબાણ ખડકાયેલું હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જમીન માપણીના ગોટાળા, રી-સર્વેમાં થતો ભ્રષ્ટાચાર, નેતાઓ, અધિકારીઓ અને મળતીયાઓ દ્વારા પચાવી પાડવામાં આવતી જમીનો ઉપર આ ડબલ એન્જિનની ભ્રષ્ટાચારી સરકારને આડે હાથ લેતા વેધક સવાલો પૂછ્યા. સાથેસાથે સરકાર જનતાને અને ખેડૂતોને જવાબ આપે તેવી માંગણી કરી.
સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ તરફથી જનમંચ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. દરેક જિલ્લાઓમાંથી ખેડૂતો દ્વારા અનેક ફરિયાદો મળી છે. જે રજૂઆતો મળી છે એ જોતા એટલું સ્પષ્ટ છે કે આ ડબલ એન્જિન સરકારમાં ડબલ ગતિથી વધતા ભ્રષ્ટાચારમાં જો સરકારમાં ભ્રષ્ટાચાર માટે નંબર આપવાનો થાય તો મુખ્યમંત્રીના હસ્તકનું વિભાગ એટલે મહેસુલ વિભાગને પહેલો નંબર આપવો પડે. વારસાઈની નોંધથી લઈને જમીનના રિ-સર્વે સુધીની તમામ મહેસૂલની કામગીરીમાં દિન પ્રતિદિન ભ્રષ્ટાચાર ડબલ ગતિથી વધી રહ્યો છે.લગભગ 2011-12 થી રી-સર્વેની કામગીરી ગુજરાતમાં શરૂ કરવામાં આવી. ભાજપના નેતાઓની સીધી સંડોવણી દ્વારા તેમના આર્થિક હિતો સચવાય તે રીતે એજન્સીની પસંદગી કરવામાં આવી.
ખોટી ભૂલ ભરેલી આ જમીન માપણીની અનેક ફરિયાદો થઈ છતાં એજન્સીઓની તરફેણ કરીને એમને મોટી રકમ પણ ચૂકવવામાં આવી.ગાયના નામે મત તો લીધા, હિન્દુત્વના નામે રાજકારણ તો કર્યું પણ ત્રણ દાયકાથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ગૌચરની જમીનો ઓછી થઈ રહી છે, ઉદ્યોગપતિઓને પધરાવવામાં આવી રહી છે. 100 ગાય હોય તો એના માટે 40 એકર ગૌચર હોવું જોઈએ પણ ત્રણ દાયકાના ભાજપના શાસનમાં સ્થિતિ એવી થઈ કે 18000 માંથી લગભગ 9000 ગામોમાં તો ગૌચર નિયમ કરતા ઓછું છે અને 3000 ગામમાં તો ગૌચર જ નથી તો ગાયો કે પશુઓ ચરવા જાય ક્યા. ગુજરાતમાં ગૌચરની જમીન ઉપર દબાણો છે એને તોડવાની હિંમત આ સરકારમાં નથી કારણ કે એમના મળતીયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 1.75 કરોડ ચોરસ મીટર ક્ષેત્રફળમાં જમીન પર દબાણો છે, અમદાવાદમાં 13 લાખ 35 હજાર ચોરસ મીટર, સુરતમાં 1 લાખ 52 હજાર ચોરસ મીટર, ભાવનગરમાં 49 લાખ 96 હજાર ચોરસ મીટર, એમ આખા ગુજરાતમાં ગણીએ તો 5 કરોડ ચોરસ મીટર આશરે ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવેલ છે.
સરકારમાં બેઠેલા નેતાઓ, અધિકારીઓ અને પોલીસ તંત્ર ત્રણેયની મિલીભગતથી આખા ગુજરાતમાં સરકારી અને ગરીબ લોકોની જમીનોને હડપ કરી દેવાનું, એનો ખોટી રીતે વેપાર કરીને કરોડો રૂપિયા ઘર ભેગા કરવાનું એક વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે. ગાંધીનગર જિલ્લાના મુલસાણા ગામમાં 2200 વીઘા જેટલી જમીન ગણોતિયાના હકો ડુબાડીને, નિયમોની એસીતેસી કરીને પોતાના નામે કરી 10,000 કરોડ કરતાં વધારે નો વેપાર થયો. એ જ રીતે ખેડા જિલ્લામાં ફાગવેલ પાસે એક પૂર્વ મંત્રીના મળતીયાઓ દ્વારા આખા ગામે ગામ પોતાના નામે કરીને મોટા પ્રમાણમાં જમીનો હડપવામાં આવી રહી છે.
અમદાવાદ, રાજકોટ, વડોદરા, કે સુરત એની આસપાસની જે કિંમતી જમીનો છે એ આજે મોટા પ્રમાણમાં અધિકારીઓ, પોલીસ તંત્ર અને સરકારમાં બેઠેલા લોકોની મીલીભગતથી ગરીબો પાસેથી, ગણોતીયાના હક્કો ડુબાડી, દાદાગીરી કરીને જમીનો હડપવામાં આવી રહી છે. નોકરીના બદલે વધારે સમય આ જમીનોનો વહીવટ કરવા માટે, જમીનોના સેટલમેન્ટ કરવા માટે અને જમીનોના કબજા લેવા માટે પગાર મળતો હોય એવી રીતે કામ કરી રહ્યા છે.ગુજરાતમાં પ્રજાની સુનવાઈ ના થતી હોય, પ્રજાની વ્યાજબી ફરિયાદ સાંભળવામાં ન આવતી હોય, ત્યારે જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ તરફથી જનમંચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
ખાસ કરીને મહેસુલ વિભાગના જે પ્રશ્ર્નો છે કે જો તમારી જમીનમાં તમારા ગણોતિયાના હક્ક ડુબાડવામાં આવ્યા હોય, રી-સર્વેની કામગીરીમાં ગોટાળા થયા હોય, ભ્રષ્ટાચાર થયો હોય, એની કોઈ સુનવાઈ ના થતી હોય, જમીનોની કોઈ ફરિયાદ હોય કે કોઈ માથાભારે તત્વો દ્વારા જમીનનો કબજો લેવાતો હોય, તમારા ગામની ગોચર જમીન ઉપર કોઈએ ખોટો કબજો લીધો હોય, તમારી જમીનો રી-સર્વેમાં કોઈકના નામે બતાવી દીધી હોય, સરકારી જમીન પર કોઈક લોકોએ કબજો કરી લીધો હોય એવા તમામ કિસ્સાઓ અને તમારી જમીન પર પોલીસ પ્રશાસન દ્વારા કોઈ જબરજસ્તીથી કબજો કરવાનો પ્રયત્ન થતો હોય, તમારી જમીનમાં જમીન સંપાદનનું પૂરતું વળતર ના મળતું હોય, કોઈ હેરાનગતિ થતી હોય, તમારી જમીનના જે મહેસુલ વિભાગમાં પ્રકરણો ચાલે છે એના અંગે કોઈ પૈસા માંગતું હોય તો આવી જે પણ જમીનને લગતી, ખેડૂતોને લગતી ફરિયાદો છે જેની સરકાર સુનવાઈ નથી કરતી એવા તમામ લોકોને અમિતભાઈ ચાવડાએ મીડિયાના માધ્યમથી સંદેશ આપ્યો કે તમારી વ્યાજબી ફરિયાદો-રજૂઆતો માટે કોંગ્રેસ પક્ષ ચિંતિત છે અને અને એના માટે જે પણ હક્ક અધિકારની લડાઈ છે એ કોંગ્રેસ પક્ષ લડશે. આ હેતુ અંતર્ગત ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ગાંધીનગર ખાતે જનમંચ કાર્યક્રમ યોજાશે. અમિત ચાવડાએ જણાવ્યું હતું.