દુષ્કર્મ જેવી ઘટનાઓને આપણે આટલી હળવાશથી કેમ લઈએ છીએ? કેન્સર કે ડ્રગ્સના દૂષણ વિરુઘ્ધ રેલી યોજનારા આપણે આવા સંવેદનશીલ મુદ્દે કેમ એકઠા થતા નથી?
ભારતીય સામાજિક સંસ્કૃતિ અને શિષ્ટાચારમાં મહિલા સન્માનની ભાવના એક અભિનવ પરંપરા તરીકે જોડાયેલ છે.દરેક પરિવાર કે સમાજ દીકરી,બહેન,પત્ની,માતાના દરેક સ્વરૂપને સન્માન આપવા માટે કટિબદ્ધ છે,ત્યારે મહિલા અત્યાચાર અને મહિલા સાથેના અભદ્ર વર્તનને સમાજમાં ક્યારેય સ્વીકૃતિ હોય જ નહીં.તમામ પ્રકારની સામાજિક વ્યવસ્થાના હાર્દ અને કેન્દ્રમાં સ્ત્રી સન્માનની ભાવના જળવાઈ રહે,એ જ માત્ર અભિગમ હોવો ઘટે.કમનસીબી એ છે કે,છેલ્લા કેટલાક સમયથી આપણા કહેવાતા શિષ્ટ સમાજમાં ભયંકર અશિષ્ટ એવા મહિલા સાથેના દુષ્કર્મના બનાવો વધી ગયા છે.રોજ રોજ નવા દુષ્કર્મના કિસ્સાઓ નજર સામે આવ્યા કરે છે.કાયદાકીય વ્યવસ્થા અને સામાજિક જાગૃતિ માટે સતત પ્રયત્નો થતા રહે છે.
પરિણામો પણ સારા મળી રહ્યા છે. સદીઓથી જોડાયેલા કેટલાક એવા અનિષ્ઠોને આપણે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં સફળ પણ રહ્યા છીએ.જેમ કે નિરક્ષરતા,દીકરા- દીકરી વચ્ચેનો ભેદ, સતી પ્રથા,બાળ લગ્ન,વેઠ પ્રથા,દહેજ જેવી ઘણી બાબતો સમાજમાંથી હવે લગભગ ઓછી થતી જાય છે.
તેમ છતાં જ્યારે જ્યારે આવા દુષ્કર્મના કિસ્સાઓ સામે આવે છે,ત્યારે સમાજ ચિંતકો, સામાજિક સંગઠનો અને મહિલા આયોગ ખૂબ ઊંડી ચિંતામાં પડી જાય છે.
દુષ્કર્મ અંગેના થોડા કિસ્સાઓ પર નજર દોડાવીએ તો લીંબડી શહેરના એક વિસ્તારમાં રહેતી બાર વર્ષ અને ચાર માસની સગીરાને ભાગ આપવાની લાલચ આપીને એક ઘરમાં લઈ જઈ સગીરાને માર મારી દુશ્કર્મ આચરવામાં આવ્યું હતું
રાજકોટ તાલુકાના આણંદપર(બાઘી) ગામે ચૌદ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેવામાં આવેલ હતો.માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક ગામની જીઆઇડીસીમાં દસ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સરસઈ ગામની એક મહિલાએ ગામના સરપંચ અને ઉપસરપંચ વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીના ભોળપણનો લાભ લઈ,પ્રેમ જાળમાં ફસાવી એક વિધર્મીએ દુષ્કર્મ આચર્યું હતું.જામનગરની ખાનગી શાળાના પૂર્વ આચાર્યની આઠ વર્ષની કાળી કરતૂત સામે આવી છે.ધોરણ 10માં અભ્યાસ કરતી આ છાત્રા પર આ આચાર્યએ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.
ગાંધીનગરમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાના ગુનામાં દુષ્કર્મ આચરનાર સેક્સ મેન્યાકને ફાંસીની સજા ફરમાવી છે. સુરતમાં બે ઘટના બની છે.રાંદેર વિસ્તારમાં મિત્રની 13 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવા અંગે એક આધેડ સામે ફરિયાદ થઈ છે. ઈચ્છાપોર ગામે ટ્યુશન ક્લાસ ચલાવતા એક શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું.
એક બાજુ સરકાર પક્ષે એવા દાવા કરવામાં આવે છે કે,ગુજરાત મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ અનુસાર ગુજરાતમાં દર મહિને સરેરાશ 45 મહિલાઓ પર બળાત્કાર થાય છે.છથી વધુ મહિલાઓ પર એસિડ હુમલાઓ થાય છે.એક વર્ષમાં 260 જેટલી મહિલાઓની હત્યા કરવામાં આવે છે.2018 થી 2021 સુધીમાં 2156 મહિલાઓ ઉપર બળાત્કાર થયો હતો.ગુજરાતમાં દર વર્ષે 550 મહિલાઓ પર બળાત્કારના કેસ નોંધાઈ રહ્યા છે.છેલ્લા ચાર વર્ષમાં આશરે 3,762 મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો છે.એક વર્ષમાં સરેરાશ 100 મહિલાઓ પર હુમલો કરવામાં આવે છે.2018માં સામુહિક બળાત્કારની 8 ઘટના નોંધાઈ હતી.જ્યારે 2021માં સામુહિક બળાત્કારની ઘટનાઓ વધીને 17 થઈ ગઈ હતી.છેલ્લા ચાર વર્ષમાં સામુહિક બળાત્કારની કુલ 56 ઘટનાઓ નોંધાઈ હતી.
ગુજરાતમાં દુષ્કર્મ,જાતીય સતામણી,દહેજના કારણે અપમૃત્યુ, લગ્નજીવનના પ્રશ્નો, અપહરણ, સર્વિસ પ્રોબ્લેમ જેવી 2,596 ફરિયાદો ગુજરાત રાજ્ય મહિલા આયોગને વર્ષ 2021-22માં મળી હતી.મહિલાઓને લગતી ફરિયાદોની સંખ્યામાં વધારો થયો છે.ગત વર્ષે આયોગને 2,307 ફરિયાદો મળી હતી,જે આ વખતે વધીને 2,596 પહોંચી છે.આમ એક વર્ષમાં આયોગમાં 12% જેટલી ફરિયાદો વધી છે.આ ફરિયાદોમાંથી 2396 ફરિયાદોનો આયોગ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે.701 અરજીઓ પર કાર્યવાહી ચાલી રહી છે.
સમગ્ર દેશમાં 18 વર્ષથી નાની દીકરીઓ ઉપર દુષ્કર્મ આચરવામાં અમદાવાદ પાંચમા ક્રમે છે.ગુજરાત રાજ્યમાં 100 માંથી 79 બળાત્કારના અપરાધીઓ છૂટી જાય છે.ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા ફક્ત બેટી બચાવોના નારા સુધી સીમિત રહેવા પામી હોય,એવું જોવા મળે છે.18 વર્ષથી નાની દીકરીઓની જાતિય સતામણીમાં છઠ્ઠા ક્રમે છે.
ગુજરાતમાં મહિલાઓ ઉપરના ગુન્હાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે.છેલ્લા એક વર્ષમાં જ અમદાવાદમાં 614 જેટલી દુષ્કર્મની ઘટનાઓ બની છે.ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આશરે 3,800 જેટલી દુષ્કર્મની ઘટનાઓ અને 60 થી વધુ સામૂહિક દુષ્કર્મની ઘટનાઓ ઘટી છે.
સોશિયલ મીડિયાની આડ અસર,નાની વયે વિદ્યાર્થીના હાથમાં મોબાઈલ ફોન આપી દેવા જેવા અનેક કારણો છે.નાની ઉંમરના બાળકોને વધારે પડતા ફેશનવાળા ટૂંકા વસ્ત્રો પહેરાવીને દેખાડો કરવાની વાલીની મનોવૃત્તિ અથવા તો ઘેલછા પણ અસરકર્તા ગણાવી શકાય.ટીવી સિરિયલોના શો જોઈને,એવી સિરિયલોનું અનુકરણ જેવી બાબતો પણ બાળકોને ખૂબ જ નાની ઉંમરમાં પુખ્ત બનાવી દે છે.આજના મા બાપ પોતાના બાળકનું ઉંમરને આધારે મૂલ્યાંકન કરશે,તો એ ભીંત ભૂલે છે.કારણ કે આજનું બાળક આ મીડિયાની અસરના માધ્યમે ઉંમર કરતાં વહેલું પુખ્ત થઈ ગયું છે.આથી દુષ્કર્મની બનતી ઘટનાઓમાં મા-બાપનો રોલ પણ જવાબદારી ભર્યો છે,એવું કહેવું વધું પડતું નથી.બાળકના ઉછેરમાં મા બાપે નાનપણથી જ અનટચમેન્ટની સમજણ ડેવલપ કરવી જોઈશે.અનટચમેન્ટની સમજણ આપવી જોઈએ.ગુડ ટચ અને બેડ ટચની સમજણ બાળકોને આપવી જોઈએ.બાળકોને ગમતી અમુક ચીજ વસ્તુઓ ઘરમાંથી ન મળવાને લીધે,બાળકો બીજા દ્વારા મળતા તેવા પ્રલોભનોમાં લલચાઈને પણ ફસાતા હોય છે.બીજાના પ્રલોભનોમાં બાળકો દોરવાઈ ન જાય,એ સમજણ પણ બાળકોને આપવી જોઈએ.દરેક બાળકોને આ બાબતે મા બાપે જાગૃત કરવા જોઈએ.ટૂંકમાં બાળકના ઉછેરમાં મા બાપનો અહમ રોલ રહેવા પામ્યો છે.મા બાપ જો આ જવાબદારી ખંખેરીને વર્તન કરશે,તો આવી ઘટનાઓમાં વધારો થતો રહેવાનો.
ઉપર વાત થયા મુજબ નાની ઉંમરના બાળકોને રમકડાની જેમ મોબાઈલ આપી દેવામાં આવે છે. મોબાઇલમાં બાળક શું જુએ છે મોબાઈલનો કેવો ઉપયોગ કરે છે,તેનું કોઈ ઓડિટ કરવામાં આવતું નથી.આથી કુમળી ઉંમરનું બાળક મોબાઇલમાં ન જોવાના દ્રશ્ય જોઈને ગેરમાર્ગે દોરાતું હોય છે.આ અર્થમાં આવા દુષ્કર્મોના બનાવો બનવા પાછળ મોબાઈલનો રોલ પણ અહમ રહેવા પામ્યો છે.
મોબાઈલનો ઉપયોગ કઈ ઉંમરે કરવો જોઈએ ? એ બાબતે ઘણા રસપ્રદ અભ્યાસ થયા છે.એ વાત પણ અહીંયા ઉલેખવી જરૂરી લાગે છે.100 માંથી 90 વાલીઓનો વિરોધ છે કે બાળકોને મોબાઈલ ન આપવો જોઈએ.તેમ છતાં 100માંથી 70 વાલીઓ બાળકોને મોબાઈલનો ઉપયોગ કરવા આપે છે !
યુનિસેફના મતે 14 થી 15 વર્ષની ઉંમરે મોબાઇલ આપી શકાય.સ્ક્રીન ટાઈમ ચાર કલાકથી વધુ ન હોવો જોઈએ.વડીલોની દેખરેખ હેઠળ 6 થી 10 વર્ષના બાળકને મોબાઇલ આપી શકાય.પાંચ વર્ષ સુધી તો બિલકુલ મોબાઇલ આપવો જ ન જોઈએ.
તાજેતરમાં અમેઝોનએ માર્ચ મહિનામાં કરેલા સર્વેમાં એ વાત બહાર આવી છે કે,બાળકોના વધુ પડતા સ્ક્રીન ટાઈમથી 85 ટકા ભારતીય માતા પિતાએ ચિંતા વ્યક્ત કરી છે.
90 ટકા વાલીઓએ જણાવ્યું હતું કે મોબાઈલ,લેપટોપ જેવા ડિવાઇસ સામે વધુ સમય પસાર કરવાથી બાળકો અન્ય પ્રવૃતિમાં ઓછા સક્રિય બને છે.મોટા ભાગના વાલીઓનું માનવું હતું કે,સ્ક્રીન ટાઈમ બે કલાકથી ઓછો હોવો જોઈએ.ત્યારે 69 ટકા વાલીઓએ સ્વીકાર્યું હતું કે,તેમના સંતાનો રોજ ત્રણ કલાકથી વધુ સમય મોબાઇલ કે લેપટોપ સામે ગાળે છે.
દેશના 10 વિવિધ શહેરોના 750 વાલીને આ અભ્યાસમાં આવરી લેવામાં આવ્યા હતા.