ચાલીશ વર્ષથી ભ્રષ્ટાચારનો સિલસિલો યથાવત
લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરીને રસ્તો બનાવવામાં આવે થોડા સમયમાં જ રસ્તા પર ખાડા પડી જતા લોકો ત્રાહિમામ
દેવભૂમિ દ્વારકા જીલ્લાના હેડ ક્વાર્ટર ખંભાળિયામાં કરોડો રૂપિયાના ખર્ચ પછી અહિંના માર્ગોની જે હાલત કફોડી છે. જેથી રૈયત ત્રાહિમામ પોકારી ગઇ છે. વિકાસના નામ પાછળ પડછાયા માફક રહેલ ભ્રષ્ટાચાર એટલા વધુ પ્રમાણમાં વ્યાપ્યો છે કે ચાર-ચાર દાયકાથી હેરાન થતી પ્રજાની પરેશાની બાબતે કોઇ રજૂઆત કરવા તૈયાર થતું નથી. મિલી ભગતનું દ્રષ્ટાંત આથી બીજુ શું હોય શકે? બાંધકામમાંથી તગડી કમાણી મેળવવા કેટલાક દ્વારા મિલિભગતની કંપની બનાવવામાં આવી છે.
આ કંપની દ્વારા જે-તે પંચાયતમાં કોઇપણ પક્ષની કે વ્યક્તિની સત્તા આવે આના સભ્યો અને અધિકારીઓ તથા નબળા કામો ઉપર ઢાંક પિછોડો કરનારની ટકાવારી પ્રથમથી જ અલગ કરવામાં આવે છે. ત્યારબાદ જે રકમ વધે એમાંથી નબળું કામ કરવામાં આવે છે. જે કામ ક્યારેય પણ કરવામાં આવે પરંતુ ત્યારબાદના ચોમાસામાં આ માર્ગ ઉખડી જાય છે.
ત્યારબાદ બિસ્માર માર્ગોની કાગરોળ મચાવવામાં આવે છે. જેથી પુન: લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવવામાં આવે છે. આ ગ્રાન્ટોમાંથી પુન: એક જ રસ્તા પર માર્ગ બનાવવામાં આવે છે. જેથી અહિંના મોટાભાગના માર્ગો વર્ષ કે દોઢ વર્ષમાં બે કે ત્રણ વખતમાં બનાવવામાં આવ્યા છે છતા પણ આવા માર્ગો પર ખાડા પડી જાય છે. જે ખાડામાં ત્રણ-ત્રણ સ્તર હલકા કામની ગવાહી આપે છે. કેટલી શરમજનક ચેષ્ટા કહેવાય? આશ્ર્ચર્યની વાત એ છે કે વિકાસના નામ પર ગ્રાન્ટ માંગનારા અહિંના કોન્ટ્રાક્ટર મેળવનારા અહિંના નબળા કામો કરનારા પણ અહિંના આ તમામ તેમની જ જન્મભૂમિના લોકોને વારંવાર છેતરી રહ્યા છે.
નતો ભગવાનનો ડર કે નતો કોઇ લાજ-શરમ માત્ર ભ્રષ્ટાચાર-ભ્રષ્ટાચાર… ઉપરથી નીચે સિસ્ટમ એવી ગોઠવાઇ છે કે તમામની મિલિ ભગતના કારણે ભ્રષ્ટાચારના આ અવિરત સીલસીલાની તપાસ કરવામાં આવતી નથી નહિંતર માનવદ્રોહમાં આ જઘન્ય અપરાધ માની શકાય.ભ્રષ્ટાચારની સાંકળના કારણે ચાર દાયકાથી પ્રજાના વિરવાસની રીતસર લુંટ થાય છે અને છતાં મહાકૌભાંડની તપાસ થતી નથી?
નોંધનીય બાબત એ છે કે બાજુના સલાયામાં ત્યાંની નગર પાલિકાએ સાલે મામદ ભગાડની આગેવાનીમાં બનાવ્યા છે તે સમગ્ર રાજ્યમાં દ્રષ્ટાંતરૂપ છે. ન્યાયના સ્થાને બેઠેલા તમામ સત્તાધીશોને ધ્યાને મૂકવાની વાત એ છે કે ચાર-ચાર દાયકાથી કરોડોની ગ્રાન્ટો ભ્રષ્ટાચારમાં વહેંચાઇ ગયા પછી ખંભાળિયાના માર્ગોની આ બદતર હાલત પછી કોઇ તો પ્રજાના હમદર્દ બની આ સાયકલને બ્રેક તો લગાવો.