સૌપ્રથમ એમ.એ- એમ.કોમના ફોર્મ ભરાયા બાદ બાદ બી.એ- બી.કોમની પ્રવેશ કાર્યવાહી ચાલુ થશે: એક માસ સુધી સમગ્ર પ્રકિયા ચાલશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્સટર્નલ કોર્સમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દર વર્ષે ફોર્મ ભરતા હોય છે, આ વર્ષે પણ ધોરણ 12 પછી એક્સટર્નલ કોર્સ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ બી.એ., બી.કોમ., એમ.એ., એમ.કોમ.ના ફોર્મ તારીખ 15 જુલાઈ બાદ ઓનલાઈન ખૂલશે તેવી જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે એક્સટર્નલ કોર્સના ફોર્મ ભરાવવાનું ટૂંક સમયમાં શરૂ થશે.
વિદ્યાર્થીઓ 15 જુલાઈ બાદ 1 મહિના સુધી ફોર્મ ભરી શકશે. બી.એ. સેમેસ્ટર-1 અને બી.કોમ. સેમેસ્ટર-1ના ફ્રેશ તથા રિપીટર વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભર્યા બાદ ઓનલાઈન ભરવાની પરીક્ષા ફી રૂ. 485 રાખવામાં આવી છે. જ્યારે એમ.કોમ. સેમેસ્ટર-1 તથા એમ.એ. (ઓલ), એમ.એ. (એજ્યુકેશન), એમ.એ. (ગાંધીયન)ના ફોર્મ ભરવા માટેની ઓનલાઈન ફી રૂ. 850 રાખવામાં આવી છે.
યુનિવર્સિટીએ ઓનલાઈન ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ માટે જે તારીખે ફોર્મ ભર્યું હશે તે તારીખ પ્રમાણે વેરિફિકેશન કરવા આવવાની તારીખો નક્કી કરી છે. આથી વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીએ આપેલી તારીખે જ વેરિફિકેશનની કામગીરી કરાવવા આવવાનું રહેશે. વેરિફિકેશનની મુદત પૂર્ણ થયા બાદ પણ જે વિદ્યાર્થીઓને વેરિફિકેશન કરાવવાનું બાકી હોય તેવા 10 દિવસ સુધીમાં વેરિફિકેશન કરાવવું પડશે.બી.એ., બી.કોમ., એમ.એ., એમ.કોમ. એક્સટર્નલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઈટ https://external .saurashtrauniversity. co.in ઉપર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ અરજીના વિકલ્પમાં બેચલર કે માસ્તરના કોર્સમાં પ્રવેશ લેવો છે તે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ ક્યાં બોર્ડમાંથી ડિગ્રી મેળવી છે, સીટ નંબર અને પરીક્ષાનું નામ, પાસ કર્યાનું વર્ષ અને મહિનો સહિતની વિગતો ભરવાની રહેશે. વિદ્યાર્થીઓનું નામ, સરનામું, સંપર્ક નંબરની વિગતો અને છેલ્લે ઓનલાઈન ફી ભરી વિદ્યાર્થીઓ પ્રવેશ લઇ શકશે.