કચ્છના 10 પૈકી 9 તાલુકામાં જ્યારે સૌરાષ્ટ્રના 79 પૈકી 76 તાલુકાઓમાં વરસાદથી સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતી: મોટાભાગના વિસ્તારો વાવણી નિષ્ફળ
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા 16 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે હવે લીલા દુષ્કાળની ભીતી ઉભી થવા પામી છે. વાવણી લગભગ નિષ્ફળ જવા પામી છે. હવે જગતનો તાત મેઘરાજાને ખમૈયા કરવા માટે રિતસર વિનવી રહ્યો છે. ગઇકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રીકાર વર્ષા થવા પામી હતી. જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થઇ છે. હવે જો મેઘરાજા ખમૈયા નહિં કરે તો સ્થિતી વળશે તેવી ભિતી પણ સેવાઇ રહી છે.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 250 તાલુકાઓ પૈકી 245 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. હજુ ચોમાસાના વિધિવત આરંભને એક પખવાડીયું માંડ થયું છે ત્યાં રાજ્યમાં સિઝનનો 43.77 ટકા વરસાદ વરસી ગયો છે. આજે પણ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. કાલથી વરસાદનું જોર ઘટશે. દરમિયાન આવતા સપ્તાહે વધુ એક સિસ્ટમ સક્રિય થઇ રહી હોય 17 થી 19 જુલાઇ દરમિયાન રાજ્યમાં ફરી મેઘાવી માહોલ જોવા મળશે.
રવિવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક મેઘ વરસ્યા હતા. કચ્છના 10 પૈકી 9 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. અબડાસામાં 132 મીમી, રાપરમાં 76 મીમી, ભૂજમાં 41 મીમી, અંજારમાં 14 મીમી, ભચાઉમાં 16 મીમી, ગાંધીધામમાં 30 મીમી, માંડવીમાં 10 મીમી, મુંદ્રામાં 13 મીમી અને નખત્રાણામાં 22 મીમી વરસાદ પડ્યો હતો. કચ્છ રિજીયનમાં સિઝનનો 112.07 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લાઓમાં ગઇકાલે મેઘકૃપા વરસી હતી. સુરેન્દ્રનગરના ચોટીલામાં 28 મીમી, ચુડામાં 47 મીમી, દસાડામાં 43 મીમી, ધ્રાંગધ્રામાં 41 મીમી, લખતરમાં 36 મીમી, લીંબડીમાં 19 મીમી, મુળીમાં 20 મીમી, સાયલામાં 7 મીમી, થાનમાં 14 મીમી અને વઢવાણમાં 46 મીમી વરસાદ વરસી ગયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં સિઝનનો 48.57 ટકા વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં આજ સુધીમાં સિઝનનો 69.02 ટકા વરસાદ વરસી ગયો છે. ગઇકાલે જિલ્લાના ધોરાજીમાં 64 મીમી, ગોંડલમાં 89 મીમી, જામકંડોરણામાં 64 મીમી, જસદણમાં 52 મીમી, જેતપુરમાં 63 મીમી, કોટડા સાંગાણીમાં 150 મીમી, લોધિકામાં 34 મીમી, પડધરીમાં 4 મીમી, રાજકોટમાં 72 મીમી, ઉપલેટામાં 126 મીમી અને વિંછીયામાં 19 મીમી વરસાદ પડ્યો હતો.
મોરબી જિલ્લાના હળવદમાં 33 મીમી, માણીયા મિંયાળામાં 8 મીમી, મોરબીમાં 55 મીમી, ટંકારામાં 24 મીમી અને વાંકાનેરમાં 17 મીમી વરસાદ પડ્યો હતો. સિઝનનો કુલ 51.67 ટકા વરસાદ વરસી ગયો છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં 10 મીમી, જામજોધપુરમાં 32 મીમી, જામનગરમાં 33 મીમી, જોડીયામાં 15 મીમી, કાલાવડમાં 39 મીમી અને લાલપુરમાં 42 મીમી વરસાદ પડ્યો છે. જિલ્લામાં આજસુધીમાં 71 ટકા વરસાદ વરસી ગયો છે.
દેવભૂમિ દ્વારકામાં પણ ગઇકાલે મેઘકૃપા જોવા મળી હતી. ભાણવડ તાલુકામાં 55 મીમી, ખંભાળિયામાં 128 મીમી, કલ્યાણપુરમાં 12 મીમી અને દ્વારકામાં 10 મીમી વરસાદ પડ્યો હતો. સિઝનનો 60.44 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. પોરબંદર જિલ્લામાં કુતિયાણા પંથકમાં 41 મીમી જ્યારે પોરબંદર અને રાણાવાવમાં 18-18 મીમી વરસાદ પડ્યો હતો. સિઝનનો 59 ટકા વરસાદ વરસી ગયો છે.
જુનાગઢ જિલ્લામાં આજ સુધીમાં સિઝનનો કુલ 83.67 ટકા જેવો વરસાદ વરસી ગયો છે. ગઇકાલે ભેંસાણમાં 38 મીમી, જુનાગઢ શહેર તથા ગ્રામ્યમાં 58 મીમી, કેશોદમાં 82 મીમી, માળીયા હાટીનામાં 62 મીમી, માંગરોળમાં 72 મીમી, માણાવદરમાં 37 મીમી, મેંદરડામાં 57 મીમી, વંથલીમાં 105 મીમી અને વિસાવદરમાં 49 મીમી વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાએ હળવું હેત વરસાવ્યું હતું. તાલાલામાં 39 મીમી, સુત્રાપાડામાં 23 મીમી, વેરાવળમાં 27 મીમી, કોડિનારમાં 10 મીમી જ્યારે ગીર ગઢડા અને ઉનામાં 7-7 મીમી વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં પણ ગઇકાલે હળવા ઝાપટાથી લઇ સવા ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જેમાં ખાંભામાં 30 મીમી, બગસરામાં 29 મીમી, ધારીમાં 19 મીમી, અમરેલી અને બાબરા તાલુકામાં 16-16 મીમી વરસાદ પડ્યો છે. જિલ્લામાં સિઝનનો 55.31 ટકા વરસાદ વરસી ગયો છે.
ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 47.16 ટકા વરસાદ પડ્યો છે. ગઇકાલે વલ્લભીપુરમાં 33 મીમી, ઉમરાળામાં 26 મીમી, તળાજામાં 15 મીમી અને ભાવનગર શહેરમાં 12 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં માત્ર ઝાપટા વરસ્યા હતા. બોટાદ જિલ્લામાં પણ ગઇકાલે અનરાધાર વરસાદ વરસ્યો હતો. બરવાળામાં 89 મીમી, ગઢડામાં 82 મીમી, બોટાદમાં 39 મીમી અને રાણપુરમાં 12 મીમી વરસાદ પડ્યો હતો. બોટાદ જિલ્લામાં સિઝનનો 61.43 ટકા વરસાદ વરસી ગયો છે.
સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં સિઝનનો 63.14 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. છેલ્લા 16 દિવસથી સતત વરસાદ પડી રહ્યો હોવાના કારણે ખેતરોમાં પાણી ઓસરવાનું નામ લેતા નથી. મોટાભાગના વિસ્તારોમાં વાવણી નિષ્ફળ જવા પામી છે. જો હવે મેઘરાજા ખમૈયા નહિં કરે તો લીલા દુષ્કાળની ભીતી પણ વર્તાઇ રહી છે.
ગુજરાતમાં સચરાચર: 245 તાલુકાઓમાં મેઘકૃપા
રાજ્યના 10 તાલુકાઓમાં 4 થી લઇ 6॥ ઇંચ સુધી વરસાદ: જળાશયોની સપાટીમાં નોંધપાત્ર વધારો
એકસાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતમાં રવિવારે સચરાચર વરસાદ વરસ્યો હતો. રાજ્યના 33 જિલ્લાના 250 તાલુકાઓ પૈકી 245 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ 6॥ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આજે પણ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. જો કે, છુટાછવાયા વિસ્તારોમાં સતત વરસાદ વરસતો રહેશે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 245 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના સાંતલપુરમાં 6॥ ઇંચ પડ્યો હતો. જ્યારે કોટડા સાંગાણી અને માણસામાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો. કચ્છના અબડાસા અને બનાસકાંઠાના સુઇ ગામમાં સવા પાંચ ઇંચ, ખંભાળીયા, ઉપલેટામાં 5 ઇંચ, તાલોદમાં 4॥ ઇંચ, વંથલી, દેહગામમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
રાજ્યમાં આજે પણ સવારથી અનેક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે અનેક સ્થળોએ જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 16 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં આજસુધીમાં મૌસમનો કુલ 43.77 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં 112.07 ટકા, ઉત્તર ગુજરાતમાં 45.24 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 30.16 ટકા, સૌરાષ્ટ્રમાં 63.14 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 32.36 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. આજે સવારથી રાજ્યના 92 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. કાલથી વરસાદનું જોર થોડું ઘટે તેવી સંભાવના જણાઇ રહી છે.
92 તાલુકાઓમાં સવારથી વરસાદ: લુણાવાડામાં 4, મોડાસા અને વિરપુરમાં 3 ઇંચ
રવિવારે ગુજરાતમાં સચરાચર વરસાદ વરસ્યો હતો. દરમિયાન આજે સવારથી રાજ્યના 92 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર અને મધ્ય-ગુજરાતમાં આજે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. સવારે ચાર કલાકમાં મહિસાગર જિલ્લાના લુણાવાડામાં 4 ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે મોડાસા અને વિરપુરમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. દાંતા અને ધનસુરામાં 2॥ ઇંચ, તાલોદ, પ્રાંતિજ, વિજાપુર અને ઊંઝામાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં સવારે 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ઊના, માળીયા હાટીનામાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. સર્વત્ર મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે.
ચોટીલામાં પ્રિ-મોનસુન કામગીરીના દાવા પોકળ: વરસાદી પાણી ઘરમાં ઘુસ્યાં
અબતક,રણજીત ધાંધલ, ચોટીલા: ચોટીલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા શહેરી વિસ્તારના નીચાણવાળા વિસ્તાર જેમકે યોગી નગર જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા હતા. ચોટીલા નગરપાલિકાની પી મોન્સૂન કામગીરી ની પોલ ખુલ્લી પડી હતી. નીચાણવાળા વિસ્તાર જેમકે યોગીનગર વિસ્તારમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસતા ચોટીલા નગરપાલિકાને જાણ કરવા છતાં પણ નગરપાલિકાના અધિકારીએઓ તેમજ કર્મચારીઓની કોઈ દેખાયા નહીં અને તંત્રની ઘોર બેદરકારી જોવા મળી હતી.
પાટણનાં સાતલપુરમાં છ કલાકમાં સાડા છ ઈંચ વરસાદ ખાબકયો
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી
અબતક, દિપક સથવારા, પાટણ: પાટણનાં સાતલપુરમાં છ કલાકમાં છ ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ વારાહી અને પારડર વાસમાં લોકોના ઘરમાં પાણી ઘૂસતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પાટણ જિલ્લાના રણકાંઠે આવે સાંતલપુર તાલુકામાં કાલ સવારથી જ મેઘરાજાનું આગમન થયું હતુ. ધારાહી, કોરડા, વરણોશરી, ઝઝામ, લખાપુરા સીધાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ મેઘમહેર જોવા મળી હતી. ઠેર ઠેર પાણી ભરાયા હતા.
ધોરાજીમાં ભાડેર પંથકમાં 10 થી 1ર ઇંચ વરસાદ: નદીઓમાં ઘોડાપુર
અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયા: ખેતરો પાણી પાણી
ગઇકાલે ધોરાજીના ભાડેર અને આજુબાજુ ગ્રામ વિસ્તારમાં 10 થી 1ર ઇંચ વરસાદ પડતા ભાડેર સહીતના ગામોમાં પાણી ધુસી ગયા હતા અને નદીઓમાં ઘોડાપુર આવ્યું હતું. નીચાણ વાળા વિસ્તારોમાં ભારે પાણી આવતા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા અને ભારે વરસાદથી કપાસ મગફળી અને સોયાબીન ના પાકોને ભારે નુકશાન થએલ છે. ભારે વરસાદથી ધરતીનો તાત ચિંતામાં મુકાયો છે.
અને મેધરાજાને કહે છે કે મેધરાજા હવે ખામૈયા કરો જયારે ધોરાજી અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદથી સફુરા નદીમાં ભારે પુર આવેલ અને પુરના પાણી ઐતિહાસિક પંચનાથ મહાદેવ મંદિરમાં કેડ સમાજ પાણી ભરાયા અને ભગવાન શીવનો જળાભીષેક કરેલ હતો. ભારે વરસાદથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળાઓ ભારે પુરની સ્થીતી સર્જાય હતી. અને આમ નાગરીકોની સલામત હતા અને તંત્રએ હાશકારો મળેલ. આ સ્થીતીમાં ડે.કલેકટર લીખીયા અને મામલતદાર જાડેજા સતત વરસાદમાં લોકોને વચ્ચે રહેલ હતા.
જેતપુરમાં માત્ર અઢી ઈંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી
જેતપુર.શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેતપુર રાજકોટ નેશનલ હાઇવે પર ભારે વરસાદના કારણે વિઝીબિલિટી ઘટી હતી. વાહન ચાલકોને પાર્કિંગ લાઈટ ચાલુ રાખી વાહન ચલાવવા મજબુર બન્યા હતા. જેતપુર શહેરમાં 30 મિનિટમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
જેતપુર શહેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેણાંક મકાનમાં વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યા હતા. વરસાદી પાણીથી બજારમાં જાણે નદીઓ વહેતી હોઈ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રવિવારની રજાની લોકોએ વરસાદમાં પલળીને મોજ માણી હતી.રબારીકા ચોકડી નજીક અંડરબ્રિજમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.
જેતપુર તાલુકાના વીરપુર,જેતલસર,પેઢલા,મંડલિકપુર,
ખીરસરા, રબારીકા, મેવાસા, જાંબુડી સહિતના ગ્રામ્ય પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ વર્ષયો હતો. વરસાદના કારણે રોડ પર પાણી વહેતા થયા હતા નદીમાં નવા નીરની આવક વધી હતી યાત્રાધામ વીરપુરના ખોડિયાર ઘુનામાં ઘોડાપૂર આવતા ખોડિયાર માતાના મંદિરમાં 3થી 4 ફૂટ જેટલા પૂરના પાણી ફરી વળ્યાં હતા. જેને પગલે માવતર વૃદ્ધાશ્રમ તેમજ ખોડિયાર માતાના મંદિર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જ્યારે વીરપુરના બિહામણી પુલ તેમજ સરિયામતી નદીમાં પણ ઘોડાપૂર આવતા વીરપુરથી મેવાસા ,જેપુર, હરિપુર સહિતના દસ જેટલા ગામોમાં જવાનો રસ્તો પાણીમાં ગરક થઈ ગયો હતો. અવિરત વરસાદને પગલે ખેડૂતના ખેતરમાં ઉભેલ મગફળી, કપાસ સહિતના પાકોમાં, વધુ વરસાદથી ખેડૂતો લીલા દુષ્કાળની ભીતી સેવી રહ્યાં છે.
કોટડા સાંગાણીમાં ધોધમાર 6 ઇંચ વરસાદ
વરસાદ કોટડા સાંગાણી માં બપોરે 1 થી સાંજના 6 સુધી ધોધમાર વરસાદ અત્યાર સુધી 145 મીમી વરસાદ પડી ગયેલ છે. કોટડા સાંગાણી ની નદીઓ નાલાઓ મા નવા નીરની આવક થયેલ છે.
કોટડા સાંગાણી વાછપરી ડેમ 10:30 (સાડા દસ)ફૂટ નવા નીર ની આવક થયેલ તેમજ ગોંડલી ડેમ 12:30 (સાડા બાર) ફૂટ નવા ને આવક થયેલ કોટડા સાંગાણી તાલુકા ના ભાડવા, રાજપરા, રાજગઢ, મોટા માંડવા ,ખોખરી,સોળીયા,અરડોઇ, ખરેડા આજુબાજુ પંથકોમાં સારો એવો વરસાદ પડી ગયેલ ભાડવા થી રાજપરા જવાનો રસ્તો બેઠા પુલ પર પાણી ભરાય જતા 4 વાગ્યા થી આ રસ્તો બંધ થય ગયેલ પેઠાપુલ પર પાણી આવવાથી લોકોને મુશ્કેલીનો સામનો વેઠવો પડેલ જે મોડી સાંજ સુધી ચાલુ થયેલ નથી ભાડવા થી રાજપરા જવા માટે લોકોને ભારે મુશ્કેલી નો સામનો વેઠવો પડેલ તેથી આ રોડ પર બાવરીયા પણ આવી ગયેલ છે તેથી આર રોડ તાત્કાલિક ચાલુ થાય લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડેલ છે
ગોંડલમાં મૂશળધાર સાડા ત્રણ ઇંચ: અન્ડર બ્રિજમાં બે બસ ફસાઇ
ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગોંડલ શહેરની અનેક નાની મોટી નદીઓ ઓવરફ્લો થવા પામી છે ત્યારે ગોંડલ શહેરમાં આશાપુરા અંડર બ્રિજમાં એક એસટી બસ અને એક ખાનગી બસ વરસાદી પાણીમાં ફસાઈ હતી જેમાં બસમાં બેઠેલા મુસાફરોને ઇમરજન્સી બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ગોંડલ શહેરમાં ત્રણ જેટલા અંડર બ્રિજ આવેલા છે જેમાં લાલપુલ, આશાપુરા અંડર બ્રિજ અને ઉમવાળા અંડર બ્રિજ ખાતે વરસાદી પાણી ભરાયા છે જેમાં અનેક વખત અનેક નાના-મોટા વાહનો ફસાયા ની ઘટના સામે આવી છે ત્યારે આજે પણ આશાપુરા અંડર બ્રિજ ખાતે બે બસ ફસાઈ હતી તંત્ર દ્વારા જે અંડર બ્રિજ આવેલા છે તેમાં વાહન વ્યવહાર જો બંધ કરવામાં આવે તો કોઈ આકસ્મિત ઘટના બનતી અટકી શકે છે.
ગોંડલ શહેર અને પંથકમાં બપોર બાદ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેમાં ધોધમાર વરસાદના કારણે ગોંડલ શહેર નો જીવાદોરી સમાન વેરી તળાવ ઓવરફ્લો થયો હતો વેરી તળાવની નીચે આવેલ આશાપુરા ડેમ, સેતુબંધ ડેમ, અને ગોંડલી નદી બે કાંઠે જોવા મળી હતી ગોંડલ શહેર ની નદીઓ માં ભારે પુર આવતા અનેક લોકો પ્રતિબંધિત વિસ્તાર માં નાહવા પોહચ્યા કોઈ અકસ્માત ની ઘટના ઘટશે તો જવાબદાર કોણ રહેશે તંત્ર દ્વારા પ્રતિબંધિત વિસ્તાર ને બંધ કરવામાં આવશે કે શું એ જોવાનું રહ્યું.
ગોંડલ પંથકમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પણ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેતરો ના પાળા તૂટ્યા હતા હતા લીલાખા, નવાગામ, કમઢીયા, સાંઢવાયા, ઘોઘાવદર, પાટીદડ સહિત ના અનેક ગામો ની નદી ગાંડીતુર બની પંથક ના નાના મોટા ચેકડેમ ઓવરફ્લો થયા ગ્રામજનો પુર જોવા ઉમટ્યા.રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોંડલ ગામ પાસેનો વેરી ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે પાણીની આવક માં સતત વધારો જોવા મળી રહ્યો છે વેરી તળાવ નીચે આવતા ગોંડલ તાલુકાના ગોંડલ, કંટોલિયા, વોરા કોટડા, ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
ધોરાજીના ફોફળ ડેમમાં નવાનીરના વધામણા કરતા ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા
ધોરાજી અને જામકંડોરણા વિસ્તારની જીવાદોરી સમાન ફોફળ ડેમ પહેલા વરસાદમાં ઓવરફલો થતા ફોફળ ડેમમાં નવાનીરના વધામણા કરવા ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, ગોવિંદભાઇ રાણપરીયા, ચંદુભા ચૌહાણ, નાથાભાઇ બાલધા, લીલાધરભાઇ ભંડેરી, ગૌતમભાઇ વ્યાસ, જીતુભાઇ કથીરીયા, કાળુભા વાઘેલા સહિત આગેવાનો ઉ5સ્થિત રહ્યા હતા.