ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા એક પખવાડીયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોનો જળ વૈભવ વધી રહ્યો છે. રાજકોટની ભાગોળે આવેલા હનુમાનધારા પાસેનો ન્યારી-2 ડેમ આજે ઓવરફ્લો થઇ ગયો હતો. ઉપરવાસના વિસ્તારોમાં વરસી રહેલા વરસાદના કારણે પાણીની આવક ચાલુ રહેવાના કારણે બપોરે ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલી નાંખવામાં આવ્યો હતો.
ડેમમાં કુલ 14 દરવાજા આવેલા છે. ડેમનું પાણી નદીના પટ્ટમાં છોડવામાં આવતા પડધરી તાલુકાના ગોવિંદપુર, ખામટા, રામપર, તરઘડી અને વણપરી ગામના લોકોને નદીના પટ્ટમાં અવર-જવર ન કરવા પણ સૂચના આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ન્યારી-2 ડેમનું પાણી પ્રદૂષિત છે. અગાઉ ખૂબ જ જરૂરિયાતના સમયે રાજકોટની પાણી વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે ડેમમાંથી પાણી ઉપાડવામાં આવતું હતું. પરંતુ હવે છેલ્લા કેટલા સમયથી ડેમમાંથી પાણીનો ઉપાડ બંધ કરી દેવામાં આવ્યો છે.