Table of Contents

અગાઉ 31 ઓગસ્ટ સુધી છોકરા અને 30 સપ્ટેમ્બર સુધી ધો.1માં પ્રવેશ અપાતો હતો, જે આ વર્ષે 1લી જુને 6 વર્ષ પૂર્ણ થયા હોય તેને જ અપાતા, ન પ્રવેશ મેળવનાર માટે સરકારે બાળવાટિકા શરૂ કર્યુ છે: આંગણવાડી કે પ્રિ-સ્કૂલના 4 થી 6 વર્ષના મહત્વના ત્રણ વર્ષ શ્રવણ-કથન-કૌશલ્યો સાથે પ્રવૃત્તિમયે શિક્ષણ અપાશે: આ વર્ષે બાળવાટિકામાં પણ બન્ને સત્રના અલગ પુસ્તકો બહાર પાડ્યા છે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપ પ્રારંભિક બાળ શિક્ષા અને સંભાળ અંતર્ગત 4 થી 8 વર્ષના પ્રથમ પાંચ વર્ષના ગાળામાં પ્રિ-સ્કૂલના પ્રવૃત્તિમય શિક્ષણ સાથે ધો.1-2નો પાયો પાકો કરાશે: 2017 સુધીમાં ધો.3 સુધીના તમામ બાળકોને વાંચન, લેખન અને ગણન કૌશલ્યો વિકસાવાશે: સમજ સાથેનું વાંચન અને પાયાના ગણનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ દેશે કરી

રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે આ વર્ષે જૂન-2023થી ઘણા નવા નિયમો શિક્ષણમાં આવતાં પ્રવેશમાં ઘણો બદલાવ ધો.1 થી જ જોવા મળી રહ્યો છે. આઝાદી પછી પ્રથમવાર અર્લી ચાઇલ્ડ એજ્યુકેશનના ભાગરૂપે 4 વર્ષથી જ આંગણવાડી કે પ્રિ-સ્કૂલ જેવો અભ્યાસક્રમ સરકાર દ્વારા ચલાવાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે આ વર્ષથી જ બાળવાટીકા અભ્યાસક્રમ શિક્ષણ વિભાગે શરૂ કર્યો છે. મોટા ધોરણના બાળકોને પણ વાંચતા-લખતા ન આવડતું હોવાનું ધ્યાને આવતા નિપુણ ભારત અંતર્ગત 2027 સુધીમાં ધો.3 સુધીના તમામ છાત્રોને વાંચન-ગણન અને લેખન કૌશલ્યોમાં નિપુણતા લાવવા ‘નિપુણ ભારત’ અન્વયે લક્ષ્યાંક આપ્યો છે.

આ વર્ષે જુન-2023માં 1લી જુને જેને 6 વર્ષ પૂર્ણ થયા હતા, તેને જ ધો.1માં પ્રવેશ આપવાનો નિર્ણય કરતા ઘણા બાળકો આ નિયમમાં ન આવતાં તેને માટે સરકારે ‘બાળવાટિકા’નો નવા અભ્યાસક્રમ જુનથી ડિસેમ્બર અને જાન્યુઆરીથી મે સુધી બે સેમેસ્ટરમાં આ બાળકોને પ્રવૃત્તિમય શિક્ષણ સાથે ધો.1 માટે અત્યારથી જ પાયો પાક્કો કરાવાશે. અગાઉના નિયમોમાં 31 ઓગસ્ટ સુધી છોકરા અને 30 સપ્ટેમ્બર સુધી છોકરીના નામ ધો.1માં લખી શકાતા હતા. પાયાનું શિક્ષણ નબળું રહેતા હવે નવી શિક્ષણ નીતિમાં 4 વર્ષથી જ આંગણવાડી કે પ્રિ-સ્કૂલ જેવા માળખામાં પ્રવેશ આપીને ધો.1-2 માટે સંપૂર્ણ તૈયાર કરાશે, એટલે જ રાષ્ટ્રીય શિક્ષણ નિતિમાં પ્રથમ પાંચ વર્ષના ફેઝમાં ત્રણ વર્ષ પ્રિ-સ્કૂલના અને બે વર્ષ ધો.1-2ના ગણાશે. આ ગાળા દરમ્યાન શ્રવણ-કથન અને લેખન-વાંચન કૌશલ્યો પ્રવૃત્તિ દ્વારા જ્ઞાનસમજથી વિકસાવાશે.

સમજ સાથેનું વાંચન અને પાયાના ગણનમાં નિપુણતા લાવવા અને અર્લી ચાઇલ્ડ એજ્યુકેશનના ભાગરૂપે આઝાદી પછીની આ સૌથી મોટી નિપુણ ભારતની પહેલ છે. પાયાથી જ માતૃભાષા સાથેના શિક્ષણમાં હિન્દી-અંગ્રેજીનું શ્રવણ-કથન કરાવતા છાત્રોમાં સમજદારી વધારો અને પ્રારંભથી જ પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે પ્રાથમિક શિક્ષણનો પાયો પાક્કો થશે. હવે ચાર વર્ષના બાળકને દરેક સ્કૂલ ઓન રેકોર્ડ જનરલ રજીસ્ટરમાં નામ નોંધી શકશે.

આપણાં બંધારણમાં 6 થી 14 વર્ષના દેશના તમામ બાળકોને મફ્ત અને ફરજીયાત શિક્ષણની જોગવાઇ છે, તેનો મતલબ ધો.1 થી 8 ફ્રિ શિક્ષણ છે, પણ હવે પ્રારંભિક બાળ શિક્ષણ અને સંભાળ અંતર્ગત પ્રિ-સ્કૂલ-આંગણવાડી અને બાળ વાટિકા આવતા તે વય 4 થી 14 થઇ જશે. જેને માટે શિક્ષકોને તબક્કાવાર તાલિમ પણ અપાઇ રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ જોગવાઇથી દેશના શિક્ષણ ઉપર ઘણી સારી અસર થશે, કારણ કે કોઇપણ બાળકનો પાયો પ્રારંભથી જ પાક્કો થશે.

બાળવાટિકાના પુસ્તકોમાં વિદ્યાર્થીઓ માટે વિવિક પ્રવૃત્તિની બુક સરકારે જ આપી છે. જેમાં આડી-ઉભી-ત્રાસી લીટી સાથે સંખ્યા કે અક્ષરોના વણાંક માટેની વિવિધ પ્રવૃત્તિ આપી છે. ગણન પ્રક્રિયા માટે સુંદર ચિત્ર સમજ સાથેની પ્રવૃત્તિ બાળક જાતે કરતાં તેનામાં સમજ વધતા તેને ભણવાની હોંશ જાગે છે. સહ અભ્યાસિક પ્રવૃત્તિ સાથે વિવિધ શિક્ષણ ટેકનીકનો સમન્વય થતાં હવે બાળકો પાયાનું શિક્ષણ ગુણવત્તાસભર શિક્ષણના વાતાવરણમાં મેળવી શકશે. કક્કો, સંખ્યાજ્ઞાન, સરવાળા, બાદબાકી જેવી સામાન્ય સમજ પોતે જાતે શિખતા હોવાથી તે ચિરંજીવી રહે છે. છ વર્ષથી લગભગ તમામ શાળા માતૃભાષાના શિક્ષણ સાથે અધર લેંગ્વેજ હિન્દી-અંગ્રેજી પણ શિખડાવવા લાગ્યા હોવાથી બાળકને માતૃભાષા સાથે અન્ય ભાષાનો મહાવરો પણ મળે છે.

જન્મથી ત્રણ વર્ષ પૂર્ણ થયેલ બાળક ઘરના વાતાવરણમાંથી ઘણું શિખીને પ્રિ-સ્કૂલમાં નર્સરી, લોઅર કેજી અને હાયર કેજીના માળખામાં ત્રણ વર્ષ શિક્ષણ લેતા તે ઘણું બધુ જાતે શિખવા લાગે છે. મૌખિક અભિવ્યક્તિની ખીલવણી સાથે પ્રવૃત્તિમય-આનંદમય શિક્ષણ નાના બાળકોને સ્વ-અધ્યયન તરફ દોરી જાય છે. આજ વસ્તું હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રારંભિક બાળ શિક્ષણ અને સંભાળના પાંચ વર્ષના પ્રથમ તબક્કામાં સમાવેશ થતાં તેને કાયાકિય રૂપ મળતા છાત્રોને ઘણો જ લાભ થશે. પાંચ વર્ષના અંતે બાળક લખતો, ગણતો અને વાંચતો થઇ જવાથી તેને આગળના અભ્યાસ માટે સરળતા રહે છે.

વય-કક્ષાની સાથે રસ-રૂચી-વલણોને ધ્યાને લઇને બનાવેલા આ ‘બાળવાટિકા’ના અભ્યાસક્રમમાં ઘણુ માઇક્રોપ્લાનિંગ શિક્ષણ વિભાગે કરેલ હોવાથી અને તેની તાલિમ શિક્ષકોને અપાતા છાત્રોના સંર્વાગી વિકાસમાં ધારી સફળતા મળશે. એમાં બે મત નથી. કોઇપણ બાળકને વાંચતા-લખતાને ગણતા આવડી જવાથી તેને આગળ ભણવાની હોંશ વધતા તે જાતે ભણતો થાય છે. સ્વ-અધ્યયનનું મહત્વ આજના શિક્ષણમાં અતિ મહત્વનું છે. કક્કો-બારાક્ષરી, 1 થી 100 સંખ્યા સાથે ગણનમાં સરવાળા-બાદબાકી અને ચિત્ર જોઇને તેનું વર્ણન કરતાં છાત્રોને ઘણો આત્મવિશ્ર્વાસ વધે છે. ચિત્રોમાં રંગપૂરણી સાથે પર્યાવરણની સમજની વિવિધ પ્રવૃત્તિ કરતાં બાળકને શાળાએ આવવું ગમશે. ‘બાળવાટિકા’ની શિક્ષણ માટેની આવૃત્તિ પણ સરકારે બહાર પાડી છે, જેમાં આ બાળકોને કેમ ભણાવવું તેની સમજ-પ્રવૃત્તિ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.