ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં સવારથી મેઘ મૂકામ: વાતાવરણ એક રસ મેઘરાજા ગમે ત્યારે તુટી પડે તેવા અણસાર: સવારથી ધીમી ધારે વરસતી મેઘકૃપા
રાજકોટ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી શહેરમાં મેઘરાજાએ મૂકામ કર્યા છે. વાતાવરણ એક રસ છે. મેઘો મન મૂકીને વરસી પડે તેવા અણસાર જોવા મળી રહ્યા છે. સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણ ખૂબ જ આહલાદક બની ગયું છે. શહેરમાં સિઝનનો 16 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.
શહેરમાં શુક્રવારે રાતે પણ મેઘરાજાએ મંડાણ કર્યા હતા. શહેરના સેન્ટ્રલ ઝોનમાં 26 મીમી (સિઝનનો 393 મીમી), વેસ્ટ ઝોનમાં 13 મીમી (સિઝનનો 365 મીમી) અને ઇસ્ટ ઝોનમાં 22 મીમી (સીઝનનો 299 મીમી) વરસાદ વરસી ગયો હતો. હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટ શહેર તથા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. શહેરમાં સવારથી મેઘાવી માહોલ છવાયો છે. વાતાવરણ એક રસ બની ગયું છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
શહેરની જળ જરૂરિયાત સંતોષતા ન્યારી અને ભાદર ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. સતત ધીમીધારે વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહેવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા સતત વરસાદના કારણે જિલ્લાના જળાશયોની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.