ભૂજમાં અઢી ઇંચ, કલ્યાણપુર, દ્વારકા, પોરબંદર, નખત્રાણામાં દોઢ ઇંચ વરસાદ: સવારથી રાજ્યના 76 તાલુકાઓમાં સતત વરસાદ: સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સવારથી ક્યાંક ધીંગી ધારે તો ક્યાંક ધીમીધારે વરસાદ

ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. સવારે ચાર કલાકમાં જામનગરમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. શહેરમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા છે. સતત બે દિવસથી અનરાધાર વરસાદના કારણે જામનગરની સ્થિતી કફોડી બની ગઇ છે.

આજે સવારથી 77 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. કચ્છના ભૂજમાં અઢી ઇંચ, કલ્યાણપુર, દ્વારકા, પોરબંદર અને નખત્રાણામાં દોઢ ઇંચ, રાણાવાવ, લાઠી, ગીર ગઢડામાં સવા ઇંચ, લખપત, અબડાસા, કુતિયાણા, ધ્રોલમાં એક ઇંચ, મોરબી, ઉના, સાવરકુંડલામાં પોણો ઇંચ, ઉમરાળા, બરવાળા, લોધિકા, માંડવી સહિતના તાલુકામાં અર્ધો ઇંચ વરસાદ પડ્યો હતો. આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

જામનગરમાં ચાર કલાકમાં 4 ઇંચ વરસાદથી શહેરમાં અનેક માર્ગો અને વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. શુક્રવારે સવારે 6 થી 8 માં દોઢ, 8 થી 10 માં અઢી ઇંચ ખાબક્યા બાદ તડકો નિકળ્યો હતો. જોડિયામાં એક ઇંચ વરસાદ તો જામજોધપુરમાં ઝાપટા વરસ્યા હતાં. અન્ય તાલુકામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

બાદમાં મેઘરાજાએ તોફાની બેટીંગ શરૂ કરતા સવારે 8 થી 10 એટલે કે બીજા બે કલાકમાં અઢી ઇંચ પાણી પડી ગયું હતું. 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા શહેરના મુખ્ય માર્ગો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. જો કે, ત્યારબાદ મેઘરાજાએ વિરામ લીધો હતો અને તડકો નિકળ્યો હતો. જોડિયામાં સવારે બે કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. જામજોધપુરમાં સાંજે ઝાપટા વરસ્યા હતાં. અન્ય તાલુકામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

ભાદર અને ન્યારી-1 સહિત રપ જળાશયોની સપાટીમાં વધારો: અનેક જળાશયો ઓવરફલો

સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. મેધરાજાએ જળ સંકટ હલ કરી નાખ્યું છે. ચારે કોર ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જળાશયો ઓવરફલો થઇ ગયા છે. જયારે કેટલાંક જળાશયો છલોછલ ભરાય ગયા છે.રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં 0.56 ફુટ નવા નીરની આવક થવા પામી છે. 34 ફુટે ઓવર ફલો થતા ભાદરની સપાટી 20.70 ફુટે પહોંચી જવા પામી છે. આજી-ર ડેમમાં 0.82 ફુટ, સુરવોમાં 0.33 ફુટ, વાછપરીમાં ર ફુટ, વેરી ડેમમાં 1.67 ફુટ, ન્યારી-1 ડેમમાં 0.33 ફુટ,મોતીસરમાં 0.98 ફુટ, છાપરવાડી-રમાં 2.62 ફુટ, ભાદર-રમાં 0.49 ફુટ, અને માલગઢ ડેમમાં નવું 0.49 ફુટ પાણી આવ્યું છે.

મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમ 1.71 ફુટ, મચ્છુ-ર ડેમમાં 0.39 ફુટ, અને ડેમી-1 ડેમમાં 0.95 ફુટ પાણીની આવક થવા પામી છે. જામનગર જિલ્લાના ડાઇ મીણસરમાં 0.39 ફુટ, ફોફળ-ર માં 6.23 ફુટ, ઉંડ-1 માં 0.20 ફુટ, અને સસોઇ-ર ડેમમાં 5.91 ફુટ પાણીની આવક થવા પામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 0.33 ફુટ, અને વેરાડી-1 ડેમમાં 1.15 ફુટ પાણીની આવક થવા પામી છે. જયારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગવો-ર (ધોળીધજા) માં નવું  0.30 ફુટ, લીંબડી ભોગાવો-1 માં 0.39 ફુટ, વાંસલમાં 0.16 ફુટ, મોરસલમાં 2.13 ફુટ, અને ધારી ડેમમાં નવુ 0.82 ફુટ પાણી આવ્યું છે.

ન્યારી-2 ડેમ છલકાયો

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ ન્યારી-2 ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે જળસપાટીમાં વધારો થઈ રહ્યો હોવાથી ડેમનો એક દરવાજો અડધો ફૂટ બપોરે ખોલવામાં આવ્યો હતો. ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના ગોવિંદપુર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન જણાવાયું છે.

કચ્છડો બારે માસ: કચ્છમાં સિઝનનો 100 ટકા વરસાદ

અંજાર તાલુકામાં સૌથી વધુ 187 ટકા ગાંધીધામમાં 137 ટકા, મુંદ્રામાં 127 ટકા અને ભુજમાં 124 ટકા વરસાદ વરસી ગયો

સામાન્ય રીતે કચ્છમાં કાયમી પાણીની અછત રહેતી હોય છે. ચોમાસામાં પણ સંતોષકારક વરસાદ પડતો નથી. પરંતુ આ વર્ષ મેધરાજાનો કંઇક અલગ જ મિજાજ હોય તેવું લાગી રહ્યું છે. નૈત્રત્વના ચોમાસાના સત્તાવાર આગમનને હજી એક પખવાડીયુ મોડુ થયું છે. ત્યારે કચ્છમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં ચોમાસામાં સરેરાશ 464 મીમી વરસાદ પડતો હોય છે આજ સુધીમાં 462 મીમી વરસાદ વરસી ગયો છે. કચ્છના અબડાસા તાલુકામાં 57.88 ટકા, અંજારમાં 186.67 ટકા, ભચાઉમાં 73.18 ટકા, ભુજ 123.69 ટકા, ગાંધીધામ તાલુકામાં 136.93 ટકા, લખપત તાલુકામાં 64.94 ટકા, માંડવી તાલુકામાં 91.44 ટકા, મુંદ્રામાં 126.88 ટકા, નખત્રાણામાં 70.09 ટકા અને રાપરમાં 49.77 ટકા વરસાદ વરસી ગયો છે. રાજયમાં આજ સુધીમાં 38.28 ટકા વરસાદ વરસી ગયો છે. કાયમી પાણીની હાડમારી વેઠતું કચ્છ હાલ પાણી પાણી થઇ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.