પરિપત્રમાં સુધારો થયા બાદ શિક્ષકોને લાભ મળશે: આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
પ્રાથમિક શાળાઓમાં 10 વર્ષના બોન્ડવાળા શિક્ષકો પણ જિલ્લા આંતરિક બદલી કેમ્પમાં ભાગ લઈ શકે તેવો પરિપત્રમાં સુધારો કરવામાં આવ્યા બાદ હવે રાજ્યના 4 હજાર જેટલા શિક્ષકોને તેનો લાભ મળશે. બોન્ડવાળા શિક્ષકોના નિયમમાં સુધારો કરવામાં આવે તે પહેલા જિલ્લા આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો હોવાથી તેઓ તેમાં ભાગ લઈ શક્યા ન હતા. પરંતુ હાલમાં ચાલી રહેલા બીજા તબક્કાના બદલી કેમ્પમાં તેઓ ભાગ લઈ શકશે.
હાલમાં ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે.શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા આંતરિક બદલી કેમ્પની જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ તબક્કાના બદલી કેમ્પમાં 11326 જેટલા શિક્ષકોને બદલીના હુકમો ઈશ્યુ કરવામાં આવ્યા હતા. જોકે, પ્રથમ તબક્કાની બદલી કેમ્પની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે 10 વર્ષના બોન્ડવાળા શિક્ષકોને પણ જિલ્લા આંતરિક બદલી કેમ્પમાં ભાગ લેવા દેવામાં આવે તે માટે અનેક રજૂઆતો થઈ હતી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જિલ્લા આંતરિક બદલી કેમ્પમાં પણ 10 વર્ષના બોન્ડવાળા શિક્ષકોને લાભ આપવા માટે ઠરાવ કર્યો હતો.
આમ, બોન્ડવાળા શિક્ષકો માટે ઠરાવ થયા બાદ હવે તેઓ પણ જિલ્લા આંતરિક બદલી કેમ્પમાં ભાગ લઈ શકશે. હાલમાં બીજા તબક્કાની જિલ્લા આંતરિક બદલી કેમ્પની કાર્યવાહીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલી રહી છે. 6 જુલાઈથી 8 જુલાઈ સુધી ફોર્મ ભરવા માટેની મુદત આપવામાં આવી હતી. જેથી 10 વર્ષના બોન્ડવાળા શિક્ષકો પણ બીજા તબક્કાના બદલી કેમ્પ માટે ઓનલાઈન અરજી કરી રહ્યા છે. રાજ્યના 4 હજાર જેટલા બોન્ડવાળા શિક્ષકોને ઠરાવમાં સુધારો થતાં લાભ મળશે.