સિરામિક ઉત્પાદનમાં હબ ગણાતું અને ૯૦ ટકા હિસ્સો ધરાવતું મોરબી શહેરની કલ્સ્ટરમાં નવી કંપનીઓનું રોકાણ
આજના સમયે ભારત એક ઔદ્યોગીક વસાહતોનો એકમ ગણાય છે. વર્ષ ૧૯૬૫ પછી ભારતમાં થયેલી ઔદ્યોગીક ક્રાંતિથી ઉદ્યોગોનો મોટાપાયે વિકાસ થયો હતો. ભારત દેશ ઘણા ખરા ઉદ્યોગોમાં નામના અને આગવું સ્થાન ધરાવે છે. જેમાં સૌથી મોખરે સિરામીક ઉદ્યોગ છે. સિરામીક ઉત્પાદનમાં વિશ્ર્વમાં ભારત બીજા ક્રમે આવે છે. ત્યારે હવે વર્ષ ૨૦૨૪ સુધીમાં સિરામિક ઉત્પાદકમાં ભારત પ્રથમ ક્રમે પહોંચે તેવી શકયતા છે.
ગુજરાતમાં સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના મોરબી શહેરનું નામ સૌથી મોખરે આવે છે. ભારતના કુલ સિરામિક ઉત્પાદનમાં મોરબીના સિરામીક ઉદ્યોગોનો ૯૦ ટકા હિસ્સો છે અને આ ૯૦ ટકા હિસ્સો ધરાવતી મોરબીના સિરામિક કલસ્ટરમાં નવી કંપનીઓ રોકાણ કરી રહી છે. જેથી આવનારા સાત વર્ષના ગાળામાં સિરામીક ઉત્પાદનમાં ભારત વિશ્ર્વમાં પ્રથમ નંબરે પહોંચશે.
તો બીજી તરફ આ મામલે અવનવી ટેકનોલોજીઓ પણ મહત્વનો ભાગ ભજવી રહી છે. સિરામીક ઉદ્યોગોનાં અદ્યતન ટેકનોલોજીના પ્રવેશથી પ્રવેશથી મોટો ફાયદો થયો છે. અવનવી અદ્યતન ટેકનોલોજીના મામલે મોરબીએ ચીનને પણ પાછળ છોડી દીધું છે. તો આ સાથે જ નિકાસ બજાર પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત સિરામીક ઉત્પાદનમાં હરણફાળ ભરવા સજ્જ છે અને આ માટે ગાંધીનગર ટાઉનહોલ નજીક પ્રદર્શન કેન્દ્રમાં આગામી ૧૬ થી ૧૯ નવેમ્બર દરમિયાન વાઈબ્રન્ટ સિરામિક એકસ્પો એન્ડ સમિટ (વીસીઈએસ) ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમીટનું ૫૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં યોજાનાર છે. જેમાં ૨૫૦થી વધુ કંપનીઓ ભાગ લેવાની છે અને બે લાખ કરતા પણ વધારે લોકો આ વાઈબ્રન્ટ સિરામિક એકસ્પો અને સમિટ ૨૦૧૭ની મુલાકાત લેશે. જેમાં ૬૫ દેશોના ૨૫૦૦ જેટલા ખરીદદારોનો પણ સમાવેશ થાય છે.
સિરામિક ઉદ્યોગને પ્રોત્સાહન બળ પુરું પાડવાના ભાગ‚પે આ સમિટનું આયોજન ગાંધીનગર ખાતે કરાય છે. ગયા વર્ષે યોજાયેલા આ પ્રથમ એકસ્પોમાં ૨૨ દેશોના ૬૦૦થી વધારે પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી અને આ એકસ્પોમાં જ ૫૦૦ કરોડના ઓર્ડર આપ્યા હતા. આમ, આ એકસ્પોના માધ્યમથી સિરામિક ઉત્પાદનની નિકાસને વેગ મળે છે અને સિરામિક ઉદ્યોગનું હબ ગણાતા મોરબી શહેરના સિરામિક ઉત્પાદનો વિશ્ર્વ ફલકે પહોંચે છે. આ અદ્વિતીય પ્રસિધ્ધીથી હવે આવનારા સાત વર્ષના સમયગાળામાં ભારત વિશ્ર્વમાં પ્રથમ નંબર હાંસલ કરશે અને સિરામિક ઉદ્યોગના નિકાસને એક આગવું પ્લેટફોર્મ મળી રહેશે.
વાઈબ્રન્ટ સિરામિકસ એકસ્પો એન્ડ સમિટના પ્રમુખ નિલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે, ભારત દુનિયામાં દ્વિતીય સૌથી વિશાળ ટાઈલ્સ બજાર છે. વૈશ્ર્વિક ટાઈલ્સ ઉત્પાદન વર્ષ ૨૦૦૬થી ૨૦૧૩ના સમયગાળામાં ૬.૩ ટકાના વાર્ષિક દરે વધ્યું હતું. ત્યારે ભારતમાં ટાઈલ્સનું ઉત્પાદન આ જ સમયગાળામાં ૧૨ ટકા સાથે લગભગ બે ગણું વધ્યું છે. જેમાં મોરબી શહેરના ઉત્પાદનનો મોટો ફાળો છે.
મારેબીમાં ટાઈલ્સ ઉત્પાદનની વાત કરીએ તો, ગયા વર્ષે મોરબીના સિરામિક કલ્સ્ટરે ૨૮,૫૦૦ કરોડનું ઉત્પાદન નોંધાવ્યું હતું અને ૮૦૦૦ કરોડની નિકાસ થઈ હતી જે આ વર્ષે ૨૦૧૭માં વધીને ૧૨,૦૦૦ની નિકાસ થશે. ગયા વર્ષની સરખામણીએ સિરામીક ઉત્પાદનની નિકાસમાં ૪૦૦૦ કરોડનો વધારો થાય તેવી શકયતા છે. સિરામિકના વૈશ્ર્વિક ઉત્પાદનમાં ભારત હાલમાં ૧૩ ટકા હિસ્સો ધરાવે છે અને નવી ટેકનોલોજીના સ્વીકારમાં મોરબી અગ્રેસર હોવાથી વર્ષ ૨૦૨૪ સુધીમાં આપણે વિશ્ર્વમાં સૌથી મોટા સિરામિક ઉત્પાદક બની શકીએ છીએ.
હાલ, આધુનિક ટેકનોલોજી વિકસતા દરેક ક્ષેત્રે ઘણો વ્યાપ વિસ્તાર વધ્યો છે. નવી નવી ટેકનોલોજીના ઉપયોગથી આજનું વ્યવહારિક જીવન તો સરળ બન્યું જ છે. પરંતુ આ આધુનિકતાના સૌથી મોટા લાભ નાના, મધ્યમ અને મોટાપાયાના ઉદ્યોગોને પહોંચે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ સિરામિક ઉદ્યોગને ગણાવી શકાય. મોરબી શહેરમાં સિરામિક ઉત્પાદનમાં અવનવી ટેકનોલોજીઓએ ચાર ચાંદ લગાવ્યા હોય તેમ વિશ્ર્વમાં પ્રથમ નંબરે આવવા ભારત સજ્જ બન્યું છે. વાઈબ્રન્ટ સિરામિક એકસ્પો એન્ડ સમીટના પ્રમુખ નિલેશ જેતપરિયાએ આ બાબતે વધુમાં જણાવતા કહ્યું કે, સિરામિક એકસ્પો અને સમિટ માટે ૬૫ થી વધુ દેશો અને ભારતના ૧૦૦ સ્માર્ટ શહેરોમાં રોડ-શો કરવામાં આવ્યો હતો. જેથી આ ભવ્ય સમિત વિશે વધુમાં વધુ લોકો માહિતગાર થઈ શકે.
સિરામિક ઉદ્યોગના વિકાસ અર્થે એક પ્લેટફોર્મ પૂરું પાડવા સરકારે કવાયત હાથ ધરી છે. સિરામિક ઉત્પાદનની નિકાસોમાં અને તે દ્વારા વિદેશી ભંડોળમાં વધારો કરવા સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે. ગાંધીનગર ખાતે યોજાયેલી આ સમીટમાં વિશ્ર્વભરમાંથી કંપનીઓ ભાગ લેવા ભારત આવશે અને રોકાણ અર્થે અતિ મહત્વના કરાર થશે. આ માટે વિદેશી ડેલિગેટ્સ માટે વિવિધ પ્રકારની અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે.
આ એકક્ષ્પોના સીઈઓ સંદિપ પટેલે આ વિશે જણાવ્યું કે, ટેકનોલોજી ટ્રાન્સફર, રોકાણ, સંયુકત સાહસ, બીટુબી તેમજ બીટુજી નેટવર્કિંગ તક. આ પરિષદમાં મુખ્ય ‚પરેખાઓ રહેશે. જયારે પ્રદર્શનમાં આધુનિક ટેકનોલોજી, સિરામિક ટાઈપસ સેનિટરી વેર અને બાથ ફિટિંગ્સ પ્રદર્શિત કરાશે. તેમજ આ સમીટમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કમ્બોડિયા, ચીન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈન્ડોનેશિયા, ઈટાલી, કેન્યા, લેટીવિયા, મડાગાસ્કર, મોરેશિયસ, મેયોટ, મેકિસકો, નેપાળ, ઓમાન, ફિલિપાઈન્સ, પોલેન્ડ કતાર, રશિયા, સાઉદી અરેબિયા સહિતના દેશોમાંથી મુલાકાતી આવશે. વિદેશી ડેલિગેટસ જો મોરબી સ્થિત સિરામિક ઉત્પાદન સુવિધા જોવા ઈચ્છશે તો તેમના પરિવહન માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત મથુરાના બાથ ફિટિંગ ઉધોગને પણ આ એકક્ષ્પો સ્ટોલ આપવામાં આવ્યા છે. આ વર્ષે ૧૬ થી ૧૯ નવેમ્બર દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ સિરામિક એકક્ષ્પો એન્ડ સમીટ-૨૦૧૭માં દેશ-વિદેશથી ડેલિગેટસ મુલાકાત માટે આવશે અને મોટાપાયે રોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે યોજાયેલી સમીટમાં ૫૦૦ કરોડના ઓર્ડર સમીટમાં જ મળ્યા હતા.