પોલીસે 4 આરોપીની ધરપકડ કરી, પોલીસે ચોરી થયેલા
પુલનો સમગ્ર સામાન જપ્ત કર્યો
મુંબઈના મલાડમાંથી સામે આવ્યો છે. મલાડમાં આવેલા 90 ફૂટ અને 6 હજાર કિલોના વજનના એક લોખંડના પુલને ચોર ધીમે ધીમે કાપીને ચોરી ગયા હતા.સમગ્ર કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. જેમાં એક જે કંપનીને પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કંપનીનો કર્મચારી જ હતો. મલાડની આ જગ્યા પર ગત વર્ષે જૂન મહિનામાં એક નાળા પર આ પુલ મુકવામાં આવ્યો હતો. આ પુલ પરથી અદાણી ઈલેક્ટ્રિસિટીના કેબલ કાઢવાના હતા. જો કે, આ વર્ષે એપ્રિલ મહિનામાં આ લોખંડના પુલને નાળા પરથી હટાવી લેવામાં આવ્યો હતો.
બે લાખ રૂપિયાની કિંમતના આ પુલને ક્રેનની મદદથી હટાવવામાં આવ્યો હતો અને પુલને નાળાની સાઈડમાં મુકવામાં આવ્યો હતો. જ્યારે 26 જૂનના રોજ અદાણી ઈલેક્ટ્રિસિટીના અધિકારીઓ પુલના નિરીક્ષણ માટે નાળા પાસે પહોંચ્યા ત્યારે તેમના પગ નીચેની જમીન સરકી ગઈ હતી, કારણ કે, 90 ફૂટ લાંબો પુલ તેની જગ્યા પર હતો જ નહીં. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.
જે જગ્યા પર આ લોખંડના પુલને મુકવામાં આવ્યો હતો તે જગ્યા પર કોઈ સીસીટીવી ન હતા, જેથી પોલીસ માટે પણ તપાસ અધરી બની હતી. પોલીસે આસપાસની જગ્યા પર તપાસ કરી હતી અને આસપાસની જગ્યાના સીસીટીવી ચેક કર્યા હતા. સીસીટીવી તપાસમાં પોલીસને એક લાંબુ વ્હીકલ બ્રીજ તરફ જતુ જોવા મળ્યુ હતુ. પોલીસે આ વ્હીકલના રજિસ્ટ્રેશન નંબર પરથી તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યુ હતુ કે, આ વ્હીકલમાં ગેસ કટર સહિતનો માલ સામાન બ્રીજ તરફ લઈ જવામાં આવ્યો હતો અને જેની મદદથી આ બ્રીજને કપવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. આ ચાર લોકોમાં જે કંપની પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કંપનીનો એક કર્મચારી જ હતો. સમગ્ર મામલે અદાણી ઈલેક્ટ્રિસિટીના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, પોલીસે ચોરી થયેલા પુલનો સમગ્ર સામાન જપ્ત કર્યો છે.