દર ગુરૂવારે નિયમિતપણે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં બેસવાનો મુકેશ દોશીનો નિર્ણય
વોર્ડના ચાર કોર્પોરેટરો વચ્ચે પણ સંકલનનો અભાવ: અધિકારીઓ નગરસેવકોને ગણકારતા ન હોવાની ઉઠતી ફરિયાદો, પદાધિકારીઓ પણ કામ ઠેકાડતા હોવાની ચર્ચા બાદ હવે નવી પ્રણાલી શરૂ થશે
રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના 68 કોર્પોરેટરો વચ્ચે પણ સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. તોતીંગ બહુમતી છતાં નગરસેવકો પોતાના વોર્ડના કામો સમયસર કરાવી શકતા નથી. અંદરોઅંદર સંકલનનો પણ સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ નગરસેવકોને ગણકારતા નથી. બીજી તરફ પદાધિકારીઓ પણ વોર્ડના કામ માટે આવેલા જનપ્રતિનિધિઓને પૂરતો મનમો ન આપતા હોવાની પારાવાર ફરિયાદ ઉઠતા હવે નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી નવી જ પ્રણાલી શરૂ કરવા જઇ રહ્યા છે. હવે પ્રમુખ આગામી દિવસોમાં સપ્તાહમાં એક વખત કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે બેસી નગરસેવકોને સાંભળશે.
આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ કોર્પોરેશનમાં શાસક પક્ષ ભાજપના નગરસેવકો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. આંતરિક ખેંચતાણમાં વોર્ડના કેટલાક પ્રશ્ર્નો વર્ષોથી અધ્ધરતાલ છે. બીજી તરફ અમૂક વોર્ડમાં તો કોર્પોરેટરોને બોલ્યા વહેવાર પણ ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
તોતીંગ બહુમતી હોવા છતાં પણ ભાજપના કોર્પોરેટરોને અધિકારીઓ ગણકારતા નથી. તેઓના કામો એક યા બીજા કારણોસર સતત ઠેકાડી દેવામાં આવે છે. પદાધિકારીઓ પણ પોતાના જ પક્ષના નગરસેવકોને પૂરતું માન-સન્માન આપતા ન હોય તેવું અનેકવાર જોવા મળે છે. સામાન્ય કામ માટે પણ નગરસેવકોએ પદાધિકારીઓને સતત વિનંતી કરવી પડે છે. આ ફરિયાદો છેલ્લા એક મહિના દરમિયાન શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સમક્ષ પહોંચી છે. જેના કારણે હવે એવો નિર્ણય પ્રમુખ દ્વારા લેવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં સપ્તાહમાં એક વખત એટલે કે દર ગુરૂવારે કોર્પોરેશનની સેન્ટ્રલ કચેરી ઝોનમાં સવારે 1:00 થી 1:30 કલાક હાજરી આપશે. આ દરમિયાન તેઓ અલગ-અલગ વોર્ડના કોર્પોરેટરોને વિકાસ કામ અંગે પૂચ્છાણ કરશે અને વોર્ડ લેવલનું ક્યું કામ ક્યાં લેવલે પહોંચ્યું અને નવું કામ શરૂ ન થવા પાછળનું કારણ જાણશે.
વર્તમાન બોડીમાં ભાજપના 80 ટકાથી વધુ કોર્પોરેટરો નવા હોવાના કારણે તેઓને બહુ વધુ ગતાગમ પડતી નથી. જેનો લાભ અધિકારીઓ અને કર્મચારીઓ લઇ રહ્યા છે. શિસ્તભંગના પગલા લેવાશે તેવા ડરના કારણે નગરસેવકો પણ કશું બોલવા તૈયાર નથી. આવામાં સ્થિતિ સતત બગડી રહી છે. જેનો ભોગ પ્રજાએ બનવું પડે છે. જેની અસર મતપેટીઓ પર ન પડે તેના માટે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી નવી પ્રણાલી શરૂ કરવા જઇ રહ્યા છે.