‘તારીખ પે તારીખ’ને ભૂતકાળ બનાવવા રાજ્ય સરકારનું પગલું
સરકારમાં પડતર કેસોના ઝડપી નિકાલ માટે 15 દિવસમાં મેપીંગ કરવા તમામ નોડલ અધિકારીઓને તાકીદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ વિવિધ ચર્ચા સંદર્ભે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, હાઇકોર્ટમાં સરકારના પડતર કેસોનું સતત મોનીટરીંગ, સંકલન તેમજ ઝડપી નિકાલ માટે એક ઉચ્ચસ્તરીય સમિતીનું ગઠન કરવામાં આવશે. હાઇકોર્ટમાં રાજ્ય સરકારના પડતર કેસોના ઝડપી નિકાલ માટે કાયદા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ઇન્ટિગ્રેટેડ ઇન્સ્ટિટ્યુશનલ લીટીગેશન મેનેજમેન્ટ સિસ્ટમ(આઈઆઈએલએમએસ)ની ઉપયોગીતાને અસરકારક બનાવવામા આવશે.
કચેરીઓની વિગતો કાયદા વિભાગને પૂરી કરવાની રહેશે
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યુ કે, ગઇકાલે રાજ્ય સરકારના તમામ વિભાગઓ અને નોડલ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે આ વિષય સંદર્ભે બેઠક પણ યોજવામાં આવી હતી. આ બેઠકમાં દરેક વિભાગના નોડલ અધિકારીની નિમણૂંક તથા આઈઆઈએલએમએસમાં એકાઉન્ટ કાર્યરત કરવાની કાર્યવાહી સત્વરે હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી હતી જેના માટે દરેક નોડલ અધિકારીઓને આઈઆઈએલએમએસની ઉપયોગીતા માટે પુન: તાલીમ પણ આપવામાં આવશે.આ સિસ્ટમાં દરેક વિભાગોએ તેમના વિભાગના તમામ કોર્ટ કેસોનું મેપીંગ કરવાનું રહેશે. તેમજ તેઓએ તાબાની તમામ કચેરીઓની વિગતો પણ કાયદા વિભાગને પૂરી કરવાની રહેશે.
મંત્રીએ આ સંદર્ભમાં હાલ પડતર કેસોને મહત્તમ 15 દિવસમાં મેપીંગ કરવા માટેની સૂચના પણ આપી હતી. ઋષિકેશ પટેલે આ બેઠકમાં કાયદા વિભાગ દ્વારા જે કેસોમાં નામદાર સુપ્રિમ કોર્ટમાં એસ.એલ.પી. ફાઇલ કરવા સૂચના આપી તેવા કેસોમાં એસ.એલ.પી. ફાઇલ કરવાની બાકી હોય તેવા કેસોની માહિતી કાયદા વિભાગને સત્વરે પૂરી પાડવા તમામ વિભાગના નોડલ અધિદારીઓને તાકીદ પણ કરી હતી. સરકારી કચેરીના લાયઝન ઓફિસર દ્વારા વિભાગ પાસે માંગવામાં આવતી તમામ માહિતી આઈઆઈએલએમએસ સિસ્ટમ દ્વારા જ પૂરી પાડવામાં આવે તેવી તાકીદ પણ મંત્રી દ્વારા કરવામાં આવી હતી.