એક બાદ એક દરરોજ નવી-નવી કવિતાઓ બહાર આવતા યુનિવર્સિટીના કેમ્પસમાં ચર્ચાએ જોર પકડ્યું: એક બાજુ કરાર આધારીત પ્રોફેસરોની નિમણુંક અટવાયેલી છે ત્યારે કાયમી પ્રોફેસરો કવિતા લખવાને રવાડે ચડતા હવે શિક્ષણનું શું?
એક અઠવાડીયા પહેલા ગુજરાતી ભવનના વડા પ્રો.મનોજ જોશી દ્વારા લખેલી કવિતાએ યુનિવર્સિટીમાં મોટો વિવાદ સર્જ્યો હતો. યુનિવર્સિટીના વિવાદો અંગે મનોજ જોશીએ કવિતા લખતા તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ એક પછી એક ચાર જેટલી કવિતાઓ વાયરલ થતા યુનિવર્સિટીના કેમ્પસમાં ચર્ચાએ જોર પકડ્યું છે. જાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરો ભણાવાનું ભૂલીને કવિતા લખવાના રવાડે ચડ્યા હોય તેઓ માહોલ સર્જાયો છે. જો કે, જે પ્રથમ ભજીયા પાર્ટીની કવિતા સામે આવી હતી.
તેમાં મનોજ જોશીને સસ્પેન્ડ કરાતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જો કે, હવે આ નવી કવિતાઓ કોણે લખી, ક્યાંથી વાયરલ થઇ તેની સામે કુલપતિ એક્શન લેશે કે કેમ? તે જોવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે મનોજ જોશીને સસ્પેન્ડ કરાતા શૈક્ષિકસંઘ લડી લેવાના મૂડમાં હતું અને એવી પણ વાત સામે આવી હતી કે મનોજ જોશીનું સસ્પેશન રદ્ કરી ફરીથી તેઓને યુનિવર્સિટીમાં પરત લાવવાના હતા. જો કે, આ વાતને ચાર દિવસ વિત્યા છતાં પણ હજુ કોઇ બાબત સામે આવી નથી.
બીજી બાજુ એવી વાત સામે આવી હતી કે જો મનોજ જોશીનું સસ્પેશન રદ્ નહિં થાય તો ભવનના તમામ અધ્યક્ષ પોતાના રાજીનામા આપી દેશે. જો કે, હજુ કોઇ આવી ઘટના બની નથી અને આ વાત અફવા હોય તેમ પણ સામે આવી છે. એક બાદ એક દરરોજ નવી કવિતાઓ બહાર આવતા યુનિવર્સિટીના કેમ્પસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે, બીજી બાજુ વાત કરવામાં આવે તો નવું સત્ર શરૂ થયાને ઘણો સમય થયો હજુ પણ જે કરારી અધ્યાપકોની નિમણુંક કરવામાં આવી નથી. ત્યારે ઘણા ખરા એવા કાયમી પ્રોફેસરો છે જે ભણાવાનું ભૂલીને કવિતા લખવાને રવાડે ચડ્યા છે.
આજે તો એક કવિતા એવી પણ સામે આવી છે જેમાં કુલપતિનું ડો.ભીમાણીનું નામ લીધા વિના બેફામ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જો કે, આ કવિતા કોણે લખી, કોણે વાયરલ કરી તેની હજુ જાણકારી મળી નથી. કુલપતિ આ બાબતે પણ રસ લઇ તેની સામે કાર્યવાહી કરશે કે કેમ? તે જોવું રહેશે.