બાકી રહેતા શિક્ષકો માટે બીજો રાઉન્ડ બહાર પડશે
સુરેન્દ્રનગર જિલ્લા સહીત સમગ્ર રાજયમાં અગાઉ શિક્ષકોની જિલ્લા આંતરીક બદલીની કાર્યવાહી ખોરંભે પડી હતી. આ મુદ્દે હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો હતો. અને ત્યારબાદ શિક્ષણ વિભાગે નવી કમીટીની રચના કરીને નવા નીયમો જાહેર કર્યા હતા અને જિલ્લા આંતરીક બદલીની જુની પ્રક્રીયા રદ્દ કરવાનો નીર્ણય કર્યો હતો. ત્યારબાદ નવા નીયમ મુજબ નવો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં તા. રથી 7 જુન દરમીયાન બદલી ઈચ્છતા શિક્ષકોએ ઓનલાઈન અરજી કરવાની હતી. વધુમાં મળતી માહીતી મુજબ તા.7 જુન સુધીમાં જિલ્લા કક્ષાએ 955 શિક્ષકોએ બદલી માટે ઓનલાઈન અરજી કરી હતી.
આ અરજીઓ તા.12 થી 15 જુન સુધીમાં તાલુકા કક્ષાએ મોકલી દેવાઈ હતી. જયારે 17 થી 26 જુન દરમીયાન વાંધા અરજી વગેરે સાંભળીને તા. 27 થી 29 જુન દરમીયાન રાજય કક્ષાએ વેરીફીકેશન માટે મોકલાઈ હતી. ત્યારે વેરીફીકેશનની કામગીરી પુરી થયા બાદ 955માંથી 428 શિક્ષકોના માંગણી મુજબ જિલ્લા આંતરીક બદલીના ઓર્ડરો શિક્ષણ વિભાગમાંથી થયા છે. આ શિક્ષકો હાલ જે સ્થળે ફરજ બજાવે છે ત્યાંથી ફરજ મુકત અને બદલીના સ્થળે હાજર થવાની કાર્યવાહી ચાલી રહી છે.
આ બદલીની કાર્યવાહી બાદ જે શિક્ષકો રહી ગયા હોય તેઓ માટે બીજો રાઉન્ડ આગામી દિવસમાં બહાર પાડવાની કામગીરી હાથ ધરાનાર છે.શિક્ષણ વિભાગના સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ હાલ આંતરીક જિલ્લા બદલી કેમ્પ બાદ જુલાઈના અંતમાં જિલ્લા ફેર બદલી કેમ્પ પણ થનાર છે. જેમાં જિલ્લાના વતની એવા શિક્ષકો જિલ્લામાં આવી શકશે. જયારે જિલ્લા બહારના વતની શિક્ષકો અન્ય જિલ્લામાં જઈ શકશે. ઝાલાવાડ સાથે સમગ્ર રાજ્યમાં જિલ્લા આંતરીક બદલી કેમ્પ અને જિલ્લા ફેર બદલી કેમ્પ બાદ વિદ્યા સહાયકોની નવી ભરતી સરકાર કરે તેમ પણ લાગી રહ્યુ છે.