રવિવાર સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે :કાલે અને શનિવારે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 6થી લઈને 9 જુલાઈ સુધી ગુજરાતમાં કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ, ક્યાં ભારે વરસાદ, ક્યાં હળવો વરસાદ પડશે તે માટે આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ફરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસવાનો શરૂ થયો છે. આગામી દિવસોમાં ધોધમાર વરસાદ વરસે તેવા સંકેતો હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યા છે. રવિવાર સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. હવામાન ખાતાએ કયારે ક્યાં વરસાદ પડી શકે છે તે માટે આગાહી કરી છે.
હવામાન ખાતા દ્વારા આજ રોજ જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત,નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 7 જુલાઈ શુક્રવારના રોજ અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત,નવસારી, દમણ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.રાજકોટ,જૂનાગઢ, ગીરસોમનાથ,અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, તાપી, ડાંગ માં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતા દ્વારા 8 જુલાઈએ કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ અપાયું છે. અત્યંત ભારે થી પણ વધુ ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર,અમદાવાદ,વડોદરા, ભરૂચ,સુરત,નવસારી,વલસાડ, દમણ માં યેલો એલર્ટ અપાયું છે. 9 જુલાઈ માટે કચ્છ, દ્વારકા , જામનગર,મોરબી,નવસારી,વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરાઈ છે.
રાજકોટમાં મેઘાડંબર વચ્ચે ધીમીધારે એક ઇંચ વરસાદ
આકાશમાં કાળા ડિંબાગ વાદળોનો જમાવડો: બફારાનો અહેસાસ: શહેરમાં સિઝનનો 1પ ઇંચ વરસાદ
રાજકોટમાં ગઇકાલ સાંજથી મેઘાવી માહોલ છવાયો છે. મેઘાડંબર વચ્ચે ધીમી ધારે એક ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. આકાશમાં કાળા ડિંબાગ વાદળોનો જમાવડો જામ્યો છે. વાતાવરણ એક રસ હોય ગમે ત્યારે મેધરાજા મન મૂકીને વરસી પડે તેવી શકયતા હાલ જણાય રહી છે. શહેરમાં સિઝનનો 1પ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. રાજકોટની જળ જરુરીયાત સંતોષતા ડેમમાં પણ પાણીની આવક થવા પામી છે. મેધરાજાએ ધીમી ધારે હેત વરસાવ્યું હોય શહેર પાણી ભરાયાની કોઇ ફરીયાદ નોંધાય ન હતી.
સવારે વરસાદ ચાલુ હોવાના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓએ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન શહેરના સેન્ટ્રલ ઝોનમાં ર4 મીમી (સીઝનનો કુલ 367 મીમી) વેસ્ટ ઝોનમાં 16 મીમી (સીઝનનો 352 મીમી) અને ઇસ્ટ ઝોનમાં રપ મીમી (સીઝનનો 277 મીમી) વરસાદ વરસી ગયો હતો. હવામાન વિભાગના રેકોર્ડ પર ર1 મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
સૌરાષ્ટ્રમાં આજથી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગામી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે સવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે. વાતાવરણ મેધાવી છે સવારના સમયે ધીમી ધારે વરસાદ પડતો હોવાના કારણે શાળા કોલેજોએ જતા વિઘાર્થીઓએ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
વરસાદની તિવ્રતા ઓછી હોવાના કારણે પાણી ભરાયાની એક પણ ફરીયાદ કોર્પોરેશનના ચોપડે નોંધાય નથી. ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 173 તાલુકાઓમાં પાંચ ઇંચ સુધી વરસાદ વરસી ગયા બાદ સવારથી 59 તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. આજથી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગામી આપવામાં આવી છે.
અનરાધારની આગાહી વચ્ચે 173 તાલુકાઓ પાંચ ઈંચ સુધી વરસાદ
રાજયમાં 34.50 ટકા વરસાદ વરસી ગયો: સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘાની જમાવટ
અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશનની અસરનાં કારણે આજથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી રાજયભરમાં મેઘાવી માહોલ છવાયો છે.આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયનાં 173 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. દરમિયાન સવારથી 59 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે.
સિઝનનો 34.50 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયનાં 30 જિલ્લાના 173 તાલુકામાં વરસાદ પડયો હતો. સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના ખંભાતમાં પાંચ ઈંચ, અને અમદાવાદમાં પાંચ ઈંચ વરસ્યો હતો. જયારે નડિયાદમાં સાડા ચાર ઈંચ, જલાલપોરમાં સવા ચાર ઈંચ, મોડાસા, સિહોર, આણંદ, તારાપુરમાં સાડાત્રણ ઈંચ, બોટાદ, ધંધુકા, સનખેડા, પેટલાદ, વઢવાણમાં ત્રણ ઈંચ, ઉમરાળા, બરવાળા, મહેમદાવાદ, મહેસાણામાં અઢી ઈંચ, પ્રાંતિજ ચોર્યાસી, ગોધરા, ઉમરગામ, વલ્લભીપુર, ખાનપુર, હાલોલ, વાગરા, પાદરા, લુણાવાડા, લખતર, સાયલા, ચૂડા, શહેરોમાં બે ઈંચ વરસાદ વરસી ગયો હતો.
આજથી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી જૂનાગઢ, રાજકોટ, મોરબી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. માણાવદરમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ પડયો હતો. જયારે ચોર્યાસીમાં બે ઈંચ અને ગોંડલમાં પોણા બેઈંચ વરસાદ વરસી ગયો છે. રાજયમાં સિઝનનો 34.50 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં 87.44 ટકા ઉતર ગુજરાતમાં 31.14 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 24.36 ટકા, સૌરાષ્ટ્રમાં 50.34 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 27.09 ટકા વરસાદ વરસી ગયો છે.
સૌરાષ્ટ્રમાં મેધાવી માહોલ: સવારથી વરસાદ
સવારે બે કલાકમાં માણાવદરમાં અઢી ઇંચ, ગોંડલમાં પોણા બે ઇંચ, જેતપુરમાં દોઢ ઇંચ, કોટડા સાંગાણી, વાંકાનેર, કુંકાવાવમાં એક ઇંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં છેલ્લા 13 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ગઇકાલે સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં સાડાત્રણ ઇંચ સુધી વરસાદ વરસી ગયા બાદ આજે સવારથી મોટાભાગના જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સવારે બે કલાકમાં જુનાગઢ જીલ્લાના માણાવદરમાં અઢી ઇંચ, રાજકોટના ગોંડલમાં પોણા બે ઇંચ, જેતપુરમાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે અનેક વિસ્તારોમાં કયાંક ધીમી ધારે તો કયાંક ધીંગી ધારે વરસાદ વરસી રહ્યો છે. ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 173 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. દરમિયાન સવારથી 59 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે ભાવનગરના શિહોરમાં સાડાત્રણ ઇંચ, બોટાદમાં ત્રણ ઇંચ, વઢવાણમા ત્રણ ઇંચ, ઉમારાળામાં ત્રણ ઇંચ, વલ્લભીપુરમાં બે ઇંચ, લખતરમાં બે ઇંચ, સાયલામાં બે ઇંચ, ચુડામાં બે ઇંચ, ઉનામાં પોણાબે ઇંચ, લીંબડીમાં પોણા ઇંચ, ભાવનગરમાં પોણા બે ઇંચ, જસદણમાં પોણા બે ઇંચ, વિંછીયામાં પોણા બે ઇંચ, લાઠી, લીલીયા, ચોટીલા, રાણપુર, ગઢડામાં દોઢ ઇંચ, વરસાદ વરસી ગયો હતો.
ગોંડલમાં ગઇકાલે સવા ઇંચ વરસાદ પડયા બાદ આજે સવારે બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ વરસી જતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. સવારથી સૌરાષ્ટ્રના જુનાગઢ, રાજકોટ, મોરબી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં સીઝનનો 50.34 ટકા વરસાદ વરસી ગયો છે. આજથી ચાર દિવસ મેધરાજા સૌરાષ્ટ્રને ધમરોળશે. રાજયનાં પ9 તાલુકાઓમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે.
ત્રિવેણી ઢાંગા ડેમ ઓવરફ્લો
જળાશયોની સપાટીમાં સતત વધારો: 12 ડેમમાં પાણીની આવક
રાજકોટ જિલ્લાના છ, મોરબીના એક અને સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ જળાશયમાં પાણી આવ્યું
સૌરાષ્ટ્રમાં અવિરત મેઘમહેર જારી છે. છેલ્લા 13 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોનો જળવૈભવ સતત વધી રહ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમ હસ્તક નોંધાયેલા 12 ડેમમાં નવા પાણીની આવક થવા પામી છે. આજથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય જળાશયોમાં માતબર પાણીની આવક થવાની પણ પુરેપુરી સંભાવના રહેલી છે.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવુ 0.10 ફૂટ પાણી આવ્યું છે. 34 ફૂટે ઓવરફ્લો થતા ભાદરની સપાટી 18.20 ફૂટ પાણીની આવક થવા પામી છે. ફોફળ ડેમમાં 0.10 ફૂટ, આજી-2 ડેમમાં 0.59 ફૂટ, આજી-3 ડેમમાં 0.03 ફૂટ, વેરીમાં 0.43 ફૂટ અને ન્યારી-2 ડેમમાં 0.16 ફૂટ પાણીની આવક થવા પામી છે. મોરબી જિલ્લાના એકમાત્ર મચ્છુ-1 ડેમમાં 0.20 ફૂટ પાણીની આવક થઇ હતી.
જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-2 (ધોળીધજા)માં 0.10 ફૂટ, લીંબડી ભોગાવો-1માં 0.49 ફૂટ, વાંસલ ડેમમાં 0.33 ફૂટ, ત્રિવેણી ઢાંગામાં 0.66 ફૂટ અને નિભંણીમાં 0.66 ફૂટ પાણીની આવક થવા પામી છે. ચોટીલા તાલુકાનો ત્રિવેણી ઢાંગા ડેમ ઓવરફ્લો થઇ ગયો હતો. હાલ ડેમ 0.15 મીટરની સપાટીએ ઓવરફ્લો થઇ રહ્યો છે.
મોજ ડેમનો એક દરવાજો, વેણુ-2 ડેમમાં એક દરવાજો, ભાદર-2 ડેમના 2 દરવાજા, મચ્છુ-3 ડેમનો 1 દરવાજો, ઉંડ-1નો એક દરવાજો, ઉંડ-2 ડેમનો 1 દરવાજો અને ઉમીયા સાગરનો 1 દરવાજો ખૂલ્લો છે. સોડવદર, સપડા, રૂપારેલ અને સાકરોલી ડેમ ઓવરફ્લો થઇ રહ્યો છે.