શિતલ એપાર્ટમેન્ટના પાંચમાં માળે મહાવીર સ્વામીની મૂર્તિમાં નુકસાન, શ્રીમદ રાજચંદ્રનુ ચિત્ર, સોફા, ફર્નિચર અને ઇલેકટ્રીક વાયરીંગ સળગી ગયા: ફાયર બ્રિગેડ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

શહેરના કિશાનપરા ચોક અંડર બ્રિજ પાસે આવેલા શિતલ એપાર્ટમેન્ટના પાંચમાં માળે આવેલા શ્રીમદ રાજચંદ્ર પ્રેમ મંદિરમાં વહેલી સવારે અચાનક આગ ભભૂકતા ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિમાં નુકસાન થયું હતું. જ્યારે શ્રીમદ રાજચંદ્રનું ચિત્ર, સોફા, ફર્નિચર અને વાયરીંગ સળગી જતાં અંદાજે રુા.7 લાખનું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડ સ્ટાફે પાણીન મારો ચલાવી આગ બુઝાવી નાખી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કસ્ટમ સુપ્રિડેન્ડન્ટ યોગેનભાઇ કનકલાલ દોશીએ કિશાનપરા ચોક પાસે આવેલા શિતલ એપાર્ટમેન્ટના ચોથા અને પાંચમા માળે શ્રીમદ રાજચંદ્ર મંદિર બનાવ્યું છે. સવારે સાડા છ વાગે અચાનક પાંચમાં માળે આગ ભભૂકતા ફાયર બ્રિગેડ સ્ટાફને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ સ્ટાફ ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી.

આગના કારણે ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ આગના કારણે કાળી થઇ ગઇ હતી. જ્યારે શ્રીમદ રાજચંદ્રના ચિત્ર, સોફા, ફર્નિચર અને વાયરીંગ સળગી જતા અંદાજે રુા.7 લાખનું નુકસાન થયું હોવાનું અને આગ ઇલેકટ્રીક શોક સર્કિટના કારણે લાગી હોવાનું યોગેનભાઇ દોશીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.