Screenshot 5 5નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જ્યારે શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે જ્યારે સુરત, તાપી, જુનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે દિવસના વિરામ બાદ ગુરુવારથી શનિવાર એટલે 6થી 8 જુલાઈ દરમિયાન વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 6 અને 7 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. જ્યારે 8 જુલાઈએ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 3 દિવસ બાદ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં વરસાદની ગતિવિધિ તેજ થવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગુરુવારથી ભારે વરસાદ પડવાની આગાહી છે. જે અનુસાર ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં શુક્રવારે અતિભારે વરસાદ પડશે. આ સિવાય અમદાવાદ તેમજ મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુરુવારે નવસારી, વલસાડ દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જ્યારે શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે જ્યારે સુરત, તાપી, જુનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડશે. ચોમાસાની વર્તમાન સીઝનમાં ગુજરાતમાં સરેરાશ 11.13 ઇંચ સાથે મોસમનો 32.27 ટકા વરસાદ નોંધાયો છે. ગત વર્ષે ચોથી જુલાઇ સુધી ગુજરાતમાં સરેરાશ પાંચ ઇંચ સાથે સીઝનનો 14 ટકા વરસાદ પડ્યો હતો.

ગત અઠવાડિયે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધોધમાર વરસાદ બાદ રવિવારે અને સોમવારે મેઘરાજાએ વિરામ લેતા બફારો અને ઉકળાટ વધ્યો છે. જેના કારણે લોકોને અસહ્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીના આંકડા પર નજર કરીએ તો સોમવારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી નોંધાયું હતું. વરસાદી માહોલના કારણે રાજ્યના મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસસપાસ રરહ્યું હતું.

બફારો અને ઉકળાટ વધતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. બપોર તો ઠીક પરંતુ સાંજના સમયે પણ લોકો પરસેવે રેબઝેબ થતાં એસીનો ઉપયોગ કરી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે શુક્રવારે અમદાવાદમાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યાં સુધી ઉકળાટમાં સતત વધારો થતો રહેશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 40.46 લાખ હેક્ટરમાં વાવેતર

ગત વર્ષની સરખામણીએ 10 લાખ હેકટરમાં વધારો થયો

કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ગત અઠવાડિયા દરમિયાન વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર શરુ કરી દીધું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આશરે 10 લાખ હેક્ટરનો વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 40.46 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 30.20 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.

છેલ્લા 3 વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ 85.97 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યારસુધીમાં 47.07 ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે, અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે. આ વર્ષે પણ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કુલ 20.25 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન

કપાસનું 15.26 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેની સામે આ વર્ષે કપાસના વાવેતરમાં આશરે 5 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે.કપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ અત્યાર સુધીમાં કુલ 15.11 લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 11.02 લાખ હેક્ટર હતું. આ વર્ષે તેલીબિયા પાકના વાવેતરમાં આશરે 4 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે. રાજ્યના મુખ્ય તેલીબીયા પાક એવા મગફળીનું પણ રાજ્યમાં પુષ્કળ વાવેતર થયું છે. રાજ્યમાં ગત વર્ષે મગફળી પાકનું આ સમયગાળા દરમિયાન 10.14 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેની સામે આ વર્ષે વાવેતરમાં આશરે 3 લાખ હેકટરના વધારા સાથે અત્યાર સુધીમાં કુલ 13.28 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.