વર્ષ 1998માં રાજનગર ચોકમાં ઓફીસમાં ઘુસી પાઈપ અને
લાકડીથી એડવોકેટને મારમાર્યો: જાતે કેસ લડયા
શહેરના રાજનગર વિસ્તારમાં વકીલની ઓફિસમાં બે મહિલાઓ સહિત ચાર શખ્સોએ ઘૂસી જઈને વકીલ ઉપર પાઇપ અને લાકડીથી હુમલો કરી માથે હાથે પગે સહિતના શરીરના ભાગોએ ગંભીર પહોંચાડી હોવાના 25 વર્ષ પહેલાંના કેસમાં અદાલતે મહિલા સહિત ત્રણ શખ્સોને બે વર્ષની જેલસજા અને દંડનો હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ રાજનગરમાં એડવોકેટ વજુભાઈ ડી. થોરીયાની ઓફિસમાં ગઈ તારીખ 15/ 9/ 1998 ના રોજ બે મહિલાઓ સહિત ચાર શખ્સોએ વજુભાઈ ઉપર લાકડી પાઇપના આડેધડ ઘા ઝીંકી માથે હાથે પગે સહિતના શરીરના ભાગો ઉપર ગંભીર ઈજા પહોંચાડતા તેમને સારવારમાં ખસેડાયા હતા, તેમાં ગંભીર ઈજા પામેલા વજુભાઈને ડાબા હાથનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસે કનુ કાથડભાઈ જાદવ, ઇન્દુબેન કનુભાઈ જાદવ, વસ્તુબેન કાથડભાઈ જાદવ અને રાજેશ મનુભાઈ જાદવ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ ચારેય સામે અદાલતમાં ચાર્જશીટ મૂક્યું હતું.
આ કેસમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પટેલે આઇપીસી 326ની કલમનો ઉમેરો કર્યો હતો. કેસ દરમિયાન ફરિયાદી ઉપરાંત નજરે જોયા સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. કેસ ચાલતા દરમ્યાન ચાર આરોપીઓ પૈકી વસ્તુ બેન કાથડભાઇ જાદવનું અવસાન થતાં તેની સામેનો કેસ એબેટ થયો છે. ફરિયાદી વકીલ વજુભાઈ થોરીયા એ પોતે આ કેસમાં કોર્ટમાં વકીલ તરીકે રજૂઆતો અને દલીલો કરી હતી. જે ધ્યાને લઈને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.જે. ચૌધરીએ આરોપીઓ કનું કાથડ ભાઈ જાદવ, ઇન્દુબેન કનુભાઈ જાદવ અને રાજેશ મનુભાઈ જાદવને કલમ 323 324 325 ના ગુનામાં તકસીરવાર ઠરાવી ત્રણેને બે વર્ષની જેલ અને રૂપિયા 5,000નો દંડ ફટકાર્યો છે. 25 વર્ષ પહેલાના આ બનાવ અંગે ફરિયાદી વકીલ વજુભાઈ થોરિયા હાલ વયોવૃદ્ધ હોવા છતાં પોતાનો કેસ તે જાતે લડ્યા હતા.