ચોમાસાનું શુધ્ધ પાણી પ્રદુષીતના થાય તે માટે ભૂગર્ભ ગટર કનેકશન બંધ કરવા રજૂઆત
ઔદ્યોગિક શહેર જેતપુરનો સાડી ઉદ્યોગ જેટલો પ્રખ્યાત છે. તેટલો જ ભાદર નદીમાં પ્રદુષણ બાબતે બદનામ છે. સાડીઓના કારખાનાઓનું ગંદુ કેમિકલયુક્ત પ્રદુષિત પાણી ભાદર નદીમાં ન આવે તે માટે એનજીટીની સૂચના મુજબ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશન દ્વારા શહેરમાંથી કેમિકલયુક્ત પાણી વાહન કરવાની ગટરો જ બંધ કરી દીધી. અને દરેક કારખાનાઓનું કેમિકલયુક્ત પાણી શહેરના જુદીજુદી જગ્યાએ આવેલ વોટર કલેક્શન સંપમાં ટેન્કર મારફત નંખાવવાનો અમલવારી કરાવવામાં આવી રહી છે.
પરંતુ કેટલાક પ્રદુષણ માફિયાઓ હજુ પણ તેમના યુનિટોનું કેમિકલયુક્ત પાણી નદી, નાલા, કેનાલ, વોંકળા, ખુલ્લી ગટરો તેમજ ભૂગર્ભ ગટરમાં વહાવી દઈને ભાદર નદીને પ્રદુષિત કરી રહ્યા છે. તેમાંય તાજેતરમાં પડેલ સારા વરસાદથી અત્યારે ભાદર નદી સ્વચ્છ અને તાજા પાણીથી ભરેલ છે.નદીના આ સ્વચ્છ પાણીમાં કેટલાક પ્રદુષણ માફિયાઓ ભૂગર્ભ ગટરમાં તેમના કારખાનાનું પાણી છોડી તે પાણી સીધું નદીમાં ઠાલવી રહ્યા છે. આ અંગે પ્રદુષણ બોર્ડના અધિકારી વીબી વાંકાણીએ જણાવેલ કે,અમોએ તો નગરપાલિકાને પેલાંથી જ લેખિતમાં સૂચના આપેલ છે કે ઔદ્યોગિક વિસ્તારમાં ભૂગર્ભ ગટર જ ન નાંખવી અને નાંખી હોય તો જોઇન્ટ જ ન આપવો તેમ છતાં નગરપાલિકા કારખાનાઓને ભૂગર્ભ કનેક્શન આપે છે અને આવા કારખાનાઓ નદીમાં પ્રદુષણ ફેલાવે છે.
જ્યારે જેતપુર ડાઇંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાએ પણ પ્રદુષણ બોર્ડ જેવો જ જવાબ આપીને વધુમાં જણાવેલ કે અમોએ નગરપાલિકાને લેખિતમાં આપેલ છે કે સાડી ઉદ્યોગના તમામ કારખાનાઓના કનેકશન કાપી નાખો. જ્યારે આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવીએ જણાવેલ કે, અમોને પ્રદુષણ બોર્ડ કારખાનાઓને કનેક્શન જ ન આપવા સૂચન કરેલ અને ડાઇંગ એસોસિએશને કનેકશન આપેલ હોય તે કાપી નાખવા લેખિત રજુઆત કરી છે તે વાત સાચી છે. અને અમોએ ઉપલા અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય કરેલ છે કે હવે નવા કારખાનાઓને ભૂગર્ભ ગટરના કનેકશન ન આપવા. અને જેટલા કારખાનાઓને ભૂગર્ભ કનેશકન આપેલ તેઓ ગટરમાં પાણી છોડે છે તેવી ફરીયાદ બાદ અમો જીપીસીબીને સાથે રાખીને તપાસ કરી તે કારખાનાનું ભૂગર્ભ ગટરનું કનેક્શન કાપી નાખીએ છીએ.