અલનીનોની અસર તેમજવાવાઝોડું વરસાદ ખેંચશે તેવી ભીતિઓ વચ્ચે ચિત્ર સાવ બદલાઈ ગયું, હવે તો અતિવૃષ્ટિની ભીતિ
કચ્છમાં સૌથી વધુ સિઝનનો 87 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં સિઝનનો 46.71 ટકા અને રાજ્યભરમાં સરેરાશ 32 ટકા વરસાદ વરસ્યો
થોડા સમય પૂર્વે અલનીનોની અસરથી ચોમાસુ અનિશ્ચિત રહેવાની અને બિપરજોય વાવાઝોડાને કારણે વરસાદ ખેંચાવાની ભીતિ સેવાઈ રહી હતી. પણ હવે ચિત્ર સાવ બદલાઈ ગયું છે. જૂનના અંત સુધીમાં જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 67 ટકા વરસાદ વર્ષી ગયો છે. જેને પરિણામે હવે અતિવૃષ્ટિની ભીતિ સેવાઇ રહી છે.
રાજયમાં નૈઋત્યના ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. પ્રથમ રાઉન્ડમાં જ ગુજરાતનાં અલગ અલગ પાંચ ઝોનમાં સરેરાશ 32 ટકા વરસાદ વરસી ગયો છે.
કચ્છ રિજીયનમાં સૌથી વધુ 87.44 ટકા વરસાદ વરસ્યો છે. જયારે સૌથી ઓછો વરસાદ પૂર્વ મધ્ય ગુજરાતમાં માત્ર 20.40 ટકા વરસાદ પડયો છે. ઉતર ગુજરાતમાં 29.29 ટકા, સૌરાષ્ટ્રમાં 46.71 ટકા અને ઉતર ગુજરાતમાં 26.09 ટકા વરસાદ વરસ્યો છે. આજે સવારથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વિરામ લીધો છે. મોટાભાગના વિસ્તારોમાં વરાપ નીકળ્યો છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બીપરજોય વાવાઝોડાએ બેફામ વરસાદ વરસાવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં સતત મેઘમહેર રહેતા મોટાભાગના ડેમો, નદી અને નાળા છલકાય ગયા છે. કચ્છ, જૂનાગઢ અને જામનગર પંથક પાણી પાણી થઈ ગયું છે.
ક્યાં સિઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો?
અંજાર – 171%
ગાંધીધામ -136%
મુંદ્રા – 105%
ભુજ -99%
ભેસાણ -98 %
વિસાવદર -90%
જામનગર – 79%
ધોરાજી-75%
આગામી 7મીથી વરસાદનો બીજો રાઉન્ડ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જુલાઈમાં સૌરાષ્ટ્ર – કચ્છના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 7થી 12 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે. જુલાઈના અંતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં વરસાદ થશે. જુલાઈ મહિનાનો વરસાદ ડેમો અને જળાશયોમાં પાણી લાવશે. આગામી 7થી 15 જુલાઈ દરમિયાન સારો વરસાદ થશે. 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 18થી 20 જુલાઈએ પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ થશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમા વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં ઝાપટાથી લઈ પાંચ ઈંચ સુધી વરસાદ
સોરઠ પંથકમાં મેઘાનું હેત યથાવત, મેંદરડામાં પાંચ, તાલાલામાં 3॥ ઈંચ, માંગરોળમાં અઢી ઈંચ: રાજયના 83 તાલુકાઓમાં વરસાદ
રાજયના 83 તાલુકાઓમાં વરસાદ પડયાનું નોંધાયું છે. આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજયમાંઆજ સુધીમાં 32 ટકા વરસાદ વરસી ગયો છે.
આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢના મેંદરડામાં પાંચ ઈંચ, ગીર સોમનાથ જિલ્લાના તાાલામાં સાડાત્રણઈંચ, માગરોળમાં અઢી ઈંચ, કેશાદે અને વંથલીમાં પોણાબેઈંચ, માળીયાહાટીના સુત્રાપાડા, ગઢડામાં સવાઈંચ, ગારીયાધાર, ખાંભા, રાજુલા, જૂનાગઢ, લાઠીમાં એક ઈંચ, વિછીયા, ભાણવહ, ખંભાળીયામાં દોઢ ઈંચ, જાફરાબાદ, ધોરાજી, અમરેલી, ભેંસાણ, વેરાવળ, વિસાવદર, ઉપલેટા, ચોટીલા, ગીર ગઢડા, બગસરા,કુતીયાણા, અને જસદણમાં અર્ધો ઈંચ વરસાદ પડયો હતો.
જૂનાગઢમાં ગઈકાલે સાંજે ફરી મેઘાએ મેઘ મલહાર કર્યો હતો. જો કે, સૌથી વધુ મેંદરડામાં પાંચ ઇચ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લામાં અડધાથી બે ઇંચ વરસાદ પડ્યો હોવાના વાવડ મળી રહ્યા છે. તે સાથે જિલ્લાના ચાર ડેમો હજુ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે,
શનિવાર બપોરના બે વાગ્યાથી જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ પોરો લીધો હતો. પરંતુ ગઈકાલે રવિવારે બપોરે બે વાગ્યાથી ફરી મેઘાએ મેઘામલહાર કર્યો હતો અને સાંજના છ વાગ્યા સુધીમાં જુનાગઢ શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયા હોવાના વાવડ મળી રહ્યા છે, જેમાં મેંદરડામાં ચાર કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય વંથલીમાં 2 ઇંચ, કેશોદમાં દોઢ ઇંચ, માંગરોળમાં સવા બે ઇંચ, માળિયામાં દોઢ ઇંચ તથા જૂનાગઢમાં એક ઇંચ સરકારી આંકડા મુજબ નોંધાયો હતો. પરંતુ જુનાગઢના અમુક વિસ્તારમાં ભારે ઝાપટા આપતા આવ્યા હોવાથી લગભગ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું મનાઈ રહ્યું છે.
જો કે, સાંજ બાદ ફરી વરસાદે વિરમ લીધો છે અને આજે વહેલી સવારથી આકાશમાં સૂર્યનારાયણ સોળે કળાએ ખીલતા લોકો તથા ખાસ કરીને ખેડૂત વર્ગમાં હળવાશનો માહોલ જોવા મળી રહ્યો છે.
દરમિયાન જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારની વાત કરીએ તો, કેશોદ અને માંગરોળનો અમુક ઘેડ વિસ્તાર હજુ પણ સતત પાણીમાં ડૂબેલો છે. ઓજત નદીમાં આવેલ ભારે પૂરની સ્થિતિના કારણે અમુક ગામો તથા માર્ગો ઉપર પાણી ભરાયા હોવાના કારણે લોકોની જેસે થે સ્થિતિ હજુ યથાવત છે. ત્યારે આ ગામની મુલાકાતે સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય દેવાભાઈ માલમ જેસીબી માં બેસી પહોંચ્યા હતા. બાદમાં જણાવ્યું હતું કે ધેડના 25 જેટલા ગામોમાં ઉપજાવ જમીન પર પાણી ફરી વળ્યા છે અને પાણી ઉતરતાની સાથે જ ખેડૂતોના નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવશે.
તો બીજી બાજુ ઘેડ પંથકના લોકોની વાત સામે આવી છે. જેમાં જણાવાઈ રહ્યું છે કે, હજુ પણ ખેડના અમુક વિસ્તારમાં પાણી ભરાયા છે અને શાકભાજી સહિતના મોટાભાગના પાકને ભારે નુકસાન પહોંચ્યો છે. તથા અમુક ગામના લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ બહાર લેવા જઈ શકતા નથી.
આ સાથે ઘેડ પંથકમાં એન.ડી.આર.એફ ની ટીમ હજુ પણ સ્ટેન્ડ બાય છે અને એનડીઆરએફ ની ટીમ તેમજ સ્થાનિકો દ્વારા ઘેડ પંથકના ઓસા ગામના તણાયેલા બે યુવાનોની શોધખોળ જારી રખાઈ હતી. જે દરમિયાન એક યુવાનને બચાવી લેવાયો હતો. જ્યારે બાલાગામના અંકિત નામના યુવાનની શોધખોળ હજુ ચાલુ છે. આ સિવાય ઘોડાદર ગામે પાણીમાં બે વ્યક્તિઓ ફસાયા હતા જેને કેશોદ નગરપાલિકાની ફાયર ટીમના સુધીરકુમાર જોશી, ભગતસિંહ રાઠોડ સહિતના એ તાત્કાલિક ઘોડાદર ગામે પહોંચી સફળ રેસ્ક્યુ કરી ફસાયેલા વ્યક્તિને સલામત સ્થળે ખસેડીયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ સાથે જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક રીતે અનરાધાર પડેલ વરસાદના કારણે જૂનાગઢની મોટાભાગની નદીઓ અત્યારે ખડખડ વહી રહી છે. તો તળાવો હજુ પણ છલકાયેલા છે. તે સાથે આંબાજળ ડેમ, ધ્રાફડ ડેમ, ઓજત વીયર શાપુર અને ઓજત વંથલી ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે.