પાણીના નિકાલ કરવાની ધારાસભ્યની ત્વરીત કાર્યવાહી પછી મહિલાઓ આખરે માર્ગ પરથી પરત ફરી
જામનગર તા ૧, જામનગરના ગુલાબ નગર નજીક મોહનનગર વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્ન ને લઇને સ્થાનિક રહેવાસી મહિલાઓ દ્વારા ફરીથી આંદોલન શરૂ કરાયું હતું, અને બપોરે તમામ મહિલાઓ રોડ ઉપર બેસી ગઈ હતી. જેના કારણે ફરી ટ્રાફિક જામ સર્જાયો હતો.
ધારાસભ્ય રિવાબા જાડેજા પૂન: સ્થળ પર પહોંચ્યા હતાં અને ફરીથી સમજાવટ કરી પાણીનો નિકાલ ચાલુ કરાવી દેતાં મહિલાઓએ ધરણા ખતમ કર્યા હતા.
જામનગરના મોહનનગર વિસ્તારમાં પાણી ભરાવાના મુદ્દે શનિવારે સવારે લોકોએ ચકકાજામ કર્યા હતા, અને રાજકીય અગ્રણીઓની સમજાવટ પછી આંદોલન સમેટાયું હતું.
પરંતુ પાણી ઓસર્યા ન હોવાથી મોહનનગર વિસ્તારની મહિલાઓ ગુલાબ નગર ના રોડ ઉપર આવીને બેસી ગઈ હતી, અને ચક્કાજામ સર્જી દીધો હતો. તેથી પોલીસ તંત્રને ભારે કવાયત કરવી પડી હતી.
દરમિયાન ૭૮ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા ફરીથી ગુલાબ નગર દોડી ગયા હતા, અને મહિલાઓને સમજાવટ કરી હતી. ઉપરાંત પાણીના નિકાલ માટેની પ્રક્રિયા તુરત જ શરૂ કરાવી દીધી હતી, અને પાણી ઓશરવા લાગતાં આખરે મહિલાઓ માર્ગ પરથી ઊભી થઈ હતી, અને આંદોલન પૂરું કર્યું હતું. જે દરમિયાન ગુલાબ નગર રોડ પર ચક્કાજામ સર્જાયો હતો અને પોલીસને ભારે કવાયત કરવી પડી હતી.