શહેરમાં સુલેહ શાંતિ જળવાય રહે તે માટે પરપાંતિયને મકાન ભાડે આપવા કે, નોકરી પર રાખતા પહેલા પોલીસને જાણ કરવી, સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ, અવાજ પ્રદુષણ ફેલાવવા પર પ્રતિબંધ, જુના વાહનની લે-વેચ અંગે રજીસ્ટર મેન્ટન કરવું ફરજીયાત અને ખુલ્લા બોર વેલમાં થતા અકસ્માતના બનાવ અટકાવવા બોર ફરતે ફેન્સીંગ કરવા સહિત નવ જાહેરનામા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પ્રસિઘ્ધ કર્યા છે. જાહેરનામાનો અમલ તા. 31 ઓગષ્ટ સુધી રહેશે. જેનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ યાદીમાં જણાવ્યું હતુઁ.
મકાન ભાડે આપતા પહેલા સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવી
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા અને બહારના રાજયોમાંથી તથા દેશ બહારથી આવતા અને કોઈનું મકાન ભાડે રાખીને રહેતા અસામાજિક તત્વોની અનિચ્છનીય પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન, એકમો, ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજ ભાડે આપતા માલિકો માટે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પ્રતિબંધાત્મક ફરમાવતું જાહેરનામુ બહાર પાડયું છે.
ભાડે આપનાર તથા રાખનાર વ્યક્તિએ નોટરી પાસે જરૂરી દસ્તાવેજ કરાર કરાવવાના રહેશે. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય તે તમામની જરૂરી વિગતો નિયત કરેલા પત્રકમાં જરૂરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેશને મોકલી આપવાનું રહેશે.
અવાજનું પ્રદૂષણ ફેલાવવા અંગે પ્રતિબંધાત્મકનો આદેશ
સામાન્ય રીતે, દિવાળીમાં ફટાકડા ફુટવાના કારણે અને નવરાત્રીના તહેવારો દરમિયાન તેમજ લગ્નપ્રસંગો અને મેળાવડા દરમિયાન લાઉડ સ્પીકર, ડ્રમ, પબ્લીક એડ્રેસ સીસ્ટમના ઉપયોગથી ધ્વનિ પ્રદૂષણ ફેલાતુ જોવા મળે છે તેમજ રહેણાંક વિસ્તારમાં થઇ રહેલી ઔદ્યોગિક પ્રવૃતિ, વાહનોની અવરજવર તેમજ હોર્ન વગાડવાના કારણે અને બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનોના કારણે ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે.
સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ
સરકારી કચેરીઓ જેવી કે પોલીસ કમિશ્નરની કચેરી, જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનની કચેરીઓ, નાયબ પોલીસ મહા નિરીક્ષકની કચેરી, પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્યની કચેરી, પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલ, રાજકોટ શહેર મહાનગરપાલિકા હેઠળની કચેરીઓ, ઝોન ઓફિસીસ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, પ્રાંત અધિકારીની કચેરીઓ, શહેર અને તાલુકા મામલતદારની કચેરીઓ કે જ્યાં રોજ મોટા પ્રમાણમાં જાહેરજનતા પોતાના કામ માટે આવતી હોઇ ત્યાં જનતાને ગેરમાર્ગે દોરી જનારી પ્રવૃત્તિઓ કરતા બિનઅધિકૃત ઈસમ કે ઇસમોની ટોળી પર પ્રતિબંધાત્મક આદેશ કરેલો છે.
નિયમ ભંગ કરતા સ્કુલ વાહનોને રૂ.1.20 લાખનો દંડ
રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી કે.એમ.ખપેડના માર્ગદર્શન હેઠળ આજરોજ વહેલી સવારે આર.ટી.ઓ. દ્વારા બાળકોની સલામતીને ધ્યાને લઇને સ્કૂલ વાહનોના ચેકીંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં આર.ટી.ઓ કચેરીના અધિકારી અંકિત પરમાર અને ડી.પી જાડેજા દ્વારા વાહનના ઇન્સ્યોરન્સ, પી.યુ.સી, ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનની પરમીટ તેમજ અન્ય ગુન્હા સંબંધિત કુલ રૂપિયા 1,20,000નો દંડ કરવામાં આવ્યો હતો.
નોકર- ઘરઘાટીની ઓનલાઇન નોંધણી કરાવવા આદેશ
શહેરમાં બનતા લૂંટ, ધાડ, ખુન તથા અપહરણના બનાવોમાં વ્યક્તિઓ માલિકોનો વિશ્વાસ મેળવી ગુના આચરતા જોવા મળ્યા છે, ત્યારે જાહેર શાંતિ અને સલામતી જાળવવા રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે નોકર ઘરઘાટીની ઓનલાઇન નોંધણી કરાવવાના આદેશો જારી કર્યા છે
નોકરોની માહિતી જેવી કે મકાન માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, નોકરી પર રાખેલ વ્યક્તિનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, મકાન માલિકનું નામ- સરનામું, ટેલિફોન નંબર તથા મોબાઈલ નંબર, કામે રાખેલ વ્યક્તિનું પૂરું નામ તથા ઓળખ ચિન્હો, હાલનું પૂરું સરનામું તથા મોબાઈલ નંબર, કામે રાખેલ વ્યક્તિનું મૂળ વતનનું સરનામું તથા ે ઓનલાઇન નોંધણી કરાવી.
બોરવેલના અકસ્માત અટકાવવા જાહેરનામુ
બોરવેલ બનાવ્યા બાદ કોઈ જાનહાની થાય નહીં અથવા બોરવેલમાં કોઈ બાળક કે અન્ય વ્યક્તિ કે જાનવર પડી ન જાય તેમજ અકસ્માત ન સર્જાય તે અંગે બોરવેલને ફરતી મજબૂત ફેન્સીંગ વાડ/દિવાલ કરાવવાની રહેશે અને તે અંગેની ખાતરી સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા અધિકારીને કરાવવાની રહેશે, જૂના, બંધ પડેલ તથા અવાવરૂ પરિસ્થિતિ હોય તેવા બોરવેલના જમીન માલિકોએ બોરવેલની પાઇપલાઇન બંધ કરવા તમામ કાળજી રાખવાની રહેશે.
જુના વાહન લે-વેચ કરતા વેપારીઓએ રજીસ્ટર રાખવુ ફરજીયાત
વાહન વેચનાર દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે-જ્યારે જુના વાહન વેચવામાં આવે ત્યારે વાહન ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે ખરીદીનું બીલ, વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતાં હોય તો ત્યાંનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી વાહન વેચાણ કરનારે મેળવી તેનો રેકર્ડ નિભાવવાનો રહેશે.
મોબાઇલ સીમકાર્ડ ખરીદનાર વ્યક્તિઓના તમામ દસ્તાવેજો 3 વર્ષ સુધી સાચવવાના આદેશ
મોબાઈલ ફોનનું સીમકાર્ડ વેચતા ડીસ્ટ્રીબ્યુટર અથવા રિટેલર વિક્રેતાઓએ સીમકાર્ડ ખરીદનાર વ્યક્તિના માન્ય ઓળખપત્ર તથા રહેઠાણના દસ્તાવેજોની ચકાસણી કરી તમામ દસ્તાવેજોની ઝેરોક્ષ રાખવાની રહેશે, અને આ તમામ દસ્તાવેજો ડિજિટલ ફોર્મમાં એક્સેલ શીટમાં સાચવવાના રહેશે. આ તમામ દસ્તાવેજો ત્રણ વર્ષ સુધી સાચવવાની જવાબદારી ડીસ્ટ્રીબ્યુટર અથવા રિટેલરની રહેશે. દસ્તાવેજોની ડાટા થેફ્ટ, ડાટા લોસ કે ડાટા કરપ્ટ ન થાય તે જોવાની જવાબદારી ડિસ્ટ્રીબ્યુટર / રિટેલર વિક્રતાની રહેશે.