બપોર સુધીમાં ભાદર ડેમમાં નવું ચાર ફૂટ પાણી આવતા ડેમની સપાટી 16.80 ફૂટે પહોંચી: ન્યારી-1 ડેમમાં પણ નજીવી આવક
છેલ્લા એક સપ્તાહથી સતત મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જળાશયોમાં માતબર પાણીની આવક થઇ રહી છે. સૌરાષ્ટ્રના દરિયા ગણાતા ભાદર ડેમમાં પ્રથમવાર નોંધપાત્ર પાણીની આવક થવા પામી છે. આજે બપોર સુધીમાં ભાદર ડેમમાં નવું ચાર ફૂટ પાણી આવ્યું છે. રાજકોટવાસીઓને દોઢ મહિના સુધી ચાલે તેટલું પાણી એક દિવસમાં મેઘરાજાએ ભાદર ડેમમાં ઠાલવી દીધું છે.
ગઇકાલ સાંજથી લઇ આજે બપોર સુધીમાં ભાદર ડેમમાં નવું ચાર ફૂટ પાણી આવ્યું છે. ગઇકાલે ડેમની સપાટી 12.80 ફૂટ હતી અને 719 એમસીએફટી પાણી સંગ્રહિત હતું. નવી ચાર ફૂટ આવક સાથે આજે બપોરે ડેમની સપાટી 16.80 ફૂટે પહોંચી જવા પામી છે. 1288 એમસીએફટી પાણી આવ્યું છે. નવું 569 એમસીએફટી પાણી આવ્યું છે. રાજકોટ માટે ભાદર ડેમમાંથી રોજ 100 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. જો ગણતરી કરવામાં આવે તો રાજકોટને દોઢ મહિનો ચાલે તેટલો પાણી ભાદરમાં એક જ દિવસમાં મેઘરાજાએ ઠાલવી દીધું છે. 34 ફૂટે ઓવરફ્લો થતા ભાદરની સપાટી હાલ 12.80 ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમમાં કુલ 1288 એમસીએફટી પાણી સંગ્રહિત છે.
હાલ 12000 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જો સિંચાઇ માટે પાણી છોડવામાં ન આવે તો ભાદર ડેમમાં 10 નવેમ્બર સુધી ચાલે તેટલું પાણી સંગ્રહિત થઇ ગયું છે.
આ ઉપરાંત ન્યારી-1 ડેમમાં પણ સામાન્ય પાણીની આવક થવા પામી છે. ન્યારીની સપાટી 17.20 ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમ ઓવરફ્લો થવામાં હવે 7.90 ફૂટ બાકી છે. આજી ડેમમાં ત્રણેક દિવસથી સૌની યોજના અંતર્ગત નર્મદાના પાણી ઠાલવવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજીની સપાટી હાલ 23.20 ફૂટ છે અને ડેમ ઓવરફ્લો થવામાં 5.80 ફૂટ બાકી છે.