કલેકટરે સાંજે ખાસ બેઠક બોલાવી, પ્રવાસન વિભાગના અધિકારીઓને તેડું
ઘેલા સોમનાથ, સણોસરા દરબાર ગઢ, રામોદ સ્વામિનારાયણ મંદિર, શેમળા રિવરફ્રન્ટ અને ઓસમ ડુંગર સહિતના સ્થળોના વિકાસ માટે કુલ 15.68 કરોડની ગ્રાન્ટ મળી, જેમાંથી 45 ટકા જેટલા કામો હજુ પણ પેન્ડિંગ
રાજકોટ જિલ્લામાં પ્રવાસન વિભાગના રૂ. 8.46 કરોડના વિકાસ કામો બાકી હોય, જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા આજે સાંજે ખાસ બેઠક બોલાવવામાં આવી છે. જેના માટે પ્રવાસન વિભાગના અધિકારીઓને તેડું પણ મોકલવામાં આવ્યું છે. આ બેઠકમાં પેન્ડિંગ કામોને વેગ આપવા માટે આદેશો છુટવાના છે.
સુત્રોમાંથી મળતી વિગત અનુસાર વીંછીયા તાલુકામાં ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ કામો માટે રૂ. 5 કરોડની રકમ ફાળવવામાં આવી છે. જેમાંથી 1.86 કરોડના વિકાસ કામો હજી બાકી રહી ગયા છે. આવી જ રીતે રાજકોટ તાલુકાના સણોસરા દરબારગઢના વિકાસ માટે બે કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. જેનું સંપૂર્ણ કામ હજી બાકી હોય બે કરોડની રકમ એમનેમ પડી છે. તેવી જ રીતે કોટડા સાંગાણી તાલુકાના રામોદમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર માટે 1.90 કરોડની રકમ ફાળવવામાં આવી છે. જેનું પણ સંપૂર્ણ કામ હજુ બાકી હોય 1.90 કરોડની રકમ એમનેમ પડેલી છે.
જ્યારે ગોંડલ તાલુકાના શેમળા ગામે શેમળી નદી પર રિવરફ્રન્ટના વિકાસ માટે 2.03 કરોડની રકમ ફાળવવામાં આવી છે. આ રકમ પણ એમની એમ જ પડેલી છે. જ્યારે ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઓસમ ડુંગર માટે 4.73 કરોડની રકમ ફાળવવામાં આવી છે. જેમાંથી હજુ પણ 67 લાખ જેટલી રકમ ના વિકાસ કામો બાકી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટના ઈશ્વરીયા પાર્ક ગોંડલના અનળગઢ ઉપરાંત રાજકોટના જંત્રેશ્વર મહાદેવ મંદિર, સીમંધર સ્વામી આરાધના ટ્રસ્ટ નિર્મિત ત્રિમંદિર -માલીયાસણ, ધોરાજી તાલુકામાં મુરલી મનોહર મંદિર- સુપેડી, ગોંડલ તાલુકામાં રામજી મંદિર સ્વામિનારાયણ મંદિર અને જામકંડોરણા તાલુકામાં રઘુનાથજી મંદિર માટે વિકાસકામોની દરખાસ્ત કરવાની પણ બાકી છે
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રવાસન વિભાગની કામગીરી ગોકળગતીએ ચાલી રહી હોય જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી દ્વારા આજે સાંજે બેઠક બોલાવવામાં આવી છે આ બેઠકમાં પ્રવાસન વિભાગના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે વધુમાં બેઠક દરમિયાન જિલ્લા કલેકટર પ્રવાસન સ્થળોના વિકાસ કામોની સમીક્ષા કરશે ઉપરાંત કામોમાં ઝડપ રાખવા આદેશ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.