સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારી, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજા અને આજીડેમ પીઆઈ એલ.એલ.ચાવડાની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી વિવિધ દિશામાં તપાસ
નીચેના વસ્ત્રો ઉતારેલા હોવાથી દુષ્કર્મ થયાની શંકા: પરિવારમાં કલ્પાંત
બનાવની ગંભીરતાને પગલે ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના આગેવાનો પીએમ રૂમે દોડી આવ્યા: પરિવારજનોને આપી ન્યાયની ખાતરી
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી દેખાઈ રહી છે. દિનપ્રતિદિન વધતા જતા ગુનાઓના પગલે શહેરનો ક્રાઇમ ગ્રાફ સતત ઉચો આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં બે દિવસથી ગુમ ૧૩ વર્ષીય સગીરાનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો છે. જેમાં પોલીસે હત્યાની આશંકાને પગલે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહ પરથી નીચેના વસ્ત્રો ઉતારેલા હોવાથી દુષ્કર્મ થયાની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે. ત્યારે ધટનાની ગંભીરતાને પગલે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા સાયબર ક્રાઈમ એસીપી વિશાલ રબારી, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજા અને આજીડેમ પોલીસ મથકના પીઆઈ એલ.એલ.ચાવડા સહિતની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હિસ્ટ્રીશિટર શખ્સની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના અમદાવાદ હાઇવે પર યુવરાજનગરમાં રહેતા મુન્નીબેન લખનભાઇ પરમારની ૧૩ વર્ષની સગીર પુત્રી રાધિકા પરમાર બે દિવસ પહેલા રાબેતા મુજબ લાકડા લેવા ગઈ ત્યારથી લાપતા હતી. જેની આજી ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં આવેલા અમૂલ ઇન્ડસ્ટ્રી કારખાના પાસેથી બાળકીનો મૃતદેહ મળી આવતાની જાણ થતા ડીસીપી સુધીર દેસાઈ સહિત આજીડેમ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા બે દિવસથી ગુમ સગીરાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે, બે દિવસ પહેલા બાળકી લાકડા લેવા ગઈ ત્યાર બાદ ગુમ થતા પરિવારે પોતાની રીતે તપાસ કર્યા બાદ અપહરણની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારે ગઇ કાલે સાંજે તેનો મૃતદેહ મળી આવતા બાળકી સાથે દુષ્કર્મ થયું છે કે કેમ? બાળકીની હત્યા કરવામાં આવી છે કે કેમ? તેમજ મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ શું છે? તે જાણવા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે.
આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકે અમદાવાદ હાઇવે પર આવેલા યુવરાજનગર વિસ્તારમાં રહેતા તરુણીની માતાએ પોતાની ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે, તેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓ વર્ષોથી રાજકોટમાં રહે છે. તેના પતિ ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જેમાંથી બીજા નંબરની ૧૩ વર્ષની તરૂણી રાધિકા દરરોજ ઘર માટે લાકડા લેવા માટે આજીડેમ ચોકડી નજીક જતી હતી.
ગત તા.૨૭ જૂનના સાંજના પાંચ વાગ્યાની આસપાસ નિત્યક્રમ મુજબ લાકડા લેવા માટે ગઈ હતી. જે મોડે સુધી પરત ઘરે ન આવતાં તેના પરિવારે પુત્રીની શોધખોળ હાથ ધરી હતી. આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં તરુણીનો કોઈ પતો ન લાગતાં તેમની પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસ સ્ટાફ સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સીસની મદદથી તરુણીની શોધખોળ હાથ ધરી હતી.
પરંતુ ગઇ કાલે સાંજે કારખાનામાંથી સગીરાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ગંભીર ઘટનનાએ પગલે ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલ પીએમ રૂમ ખાતે દોડી ગયા’તા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને તેમને ન્યાય અપાવવા માટે ખાતરી આપી હતી. તો બીજી તરફ પોલીસે પણ સીસીટીવી ફૂટેજની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના ઉચ્ચ અધિકારીઓનો યુવરાજનગરમાં પડાવ
યુવરાજનગરની 13 વર્ષની તરૂણી ભેદી રીતે લપાતા બન્યાબાદ તેણીનો મૃતદેહ મળી આવતા સગીરની હત્યા કર્યાનું બહાર આવતા બાળકો પર નરાધમે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાની શંકા સાથે અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની જુદી જુદી ટીમ વિવિધ દિશામાં ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, ક્રાઈમ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, સાયબર એસીપી વિશાલકુમાર રબારી, ક્રાઈમ બ્રાન્ચ એસીપી, બી.બી. રબારી, પી.આઈ. વાય.બી.જાડેજા એસ.ઓ.જી.પી.આઈ. જે.ડી. ઝાલા અને આજીડેમ પી.આઈ. એલ.અલે. ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ યુવરાજનગરમા દોડી ગયા હતા. ઘટના સ્થળનું જાત નિરિક્ષણ કરી મૃતકના પરિવારને શાંતવના આપી હતી તેમજ મૃતકના પરિવારને કોઈ સાથે અદાવત ચાલે છે કે કેમ પુછપરછ કરી હતી.
આરોપીને તાત્કાલિક ઝડપી લેવા સુચના આપતા ધારાસભ્ય ઉદય કાનગડ
રાજકોટમાં સગીરાના અપહરણ બાદ તેનો મૃતદેહ મળવાના બનાવના પગલે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ દોડી ગયા હતા. તેમણે સગીરાના પરિવારને સાંત્વના આપી હતી. અને આરોપીને પકડી લેવા અને વધુમાં વધુ સજા મળે તેમ કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સરકારમાં રજુઆત કરવાની જાણકારી આપી હતી. ઉપરાંત ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય ન કરે તે માટે કડકમાં કડક પગલાં લેવાશે તેવી જાણકારી આપી હતી.