દેવભુમી દ્વારકા જીલ્લાની પણ મુલાકાત લેશે: બેંગાલુરૂથી આવ્યા વધુ ૯૦૦ વીવીપેટ મશીન
જામનગર જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો. ગાંધીનગરથી રાજયના ચૂંટણી નિરીક્ષકો સોમવારે, જામનગર-ખંભાળિયા જિલ્લા મથકોની મુલાકાત લેશે. દરમ્યાન બેંગ્લોરથી નવા વીવીપેટ મશીનો પણ જામનગર આવી પહોંચ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી (કલેકટર) રવિશંકરએ જણાવ્યું છે કે, સોમવારે તા.૧૩ના દિને રાજયના ચૂંટણી નિરીક્ષકો જામનગર તથા ખંભાળિયા જિલ્લા મથકોની મુલાકાત લેશે અને જિલ્લા ચૂંટણીતંત્રો દ્વારા ગોઠવવામાં આવેલી તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરશે અને અધિકારીઓ તથા કર્મચારીઓને જરૂરી ચૂંટણી માર્ગદર્શન પુરુ પાડશે.
જામનગરમાં મતદાન માટેના કુલ ૧૨૪૪ બુથ છે તેની સામે ૨૧૭૫ વીવીપેટ મશીન ફાળવવામાં આવ્યા છે. ૧૨૭૫ મશીનો હતા અને ગુરુવારે બેલ કંપનીના વધુ ૯૦૦ મશીનો બેંગ્લોરથી જામનગર આવી પહોંચ્યા છે. આ ઉપરાંત જામનગરના ચૂંટણીતંત્ર પાસે મતદાન માટેના કુલ ૩૦૦૦ બેલેટ યુનિટ પણ છે. જિલ્લાના મુખ્ય ચુંટણી અધિકારી રવિશંકરના માર્ગદર્શન પ્રમાણે નાયબ ચૂંટણી અધિકારી ચેતન ગાંધી, પ્રવિણ દવે, ચેતન ઉપાધ્યાય, જયેશ લુકકા સહિતના કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત છે. તમામ વીવીપેટ તથા બેલેટ મશીનોની ચકાસણી કામગીરી પણ ચાલી રહી છે.
કલેકટર રવિશંકર ઉપરાંત ડીડીઓ મુકેશ પંડયા, કમિશનર આર.બી.બારડ, એસ.પી. પ્રદિપ શેજૂળ વગેરે અધિકારીઓની અલગ અલગ ટીમો ચૂંટણી કામગીરીઓમાં વ્યસ્ત છે.